મોદીની ગેરંટી એવા લોકો માટે છે, જેમની પાસે બેંકોને ગેરંટી આપવા માટે કંઈ નથી: PM

PC: PIB

PM  નરેન્દ્ર મોદીએ હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. PMએ કાર્યક્રમમાં કહ્યું હતું કે, લોકોના આશીર્વાદ તેમના માટે બહુ મોટી સંપત્તિ છે. તેમણે લોકોના આશીર્વાદનો શ્રેય વિશ્વમાં નવી ઊંચાઈઓ પર પહોંચેલા ભારતને આપ્યો હતો. યુએઈ અને કતરની તેમની મુલાકાત વિશે વાત કરતા PMએ વૈશ્વિક મંચ પર ભારતને જે સન્માન અને સદ્ભાવના મળે છે તેનો શ્રેય ભારતના લોકોને આપ્યો હતો. એ જ રીતે, તેમણે કહ્યું કે જી -20, ચંદ્રયાન અને ભારતીય અર્થવ્યવસ્થાનું 11મા સ્થાનેથી 5મા સ્થાન સુધીનું ઉત્થાન, જનતાના સમર્થનને કારણે મોટી સફળતાઓ છે. તેમણે આગામી વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે લોકોના આશીર્વાદ માંગ્યા હતા.

PMએ કહ્યું હતું કે, દેશને વિકસિત ભારત બનાવવા માટે હરિયાણાનો વિકાસ જરૂરી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આજે હરિયાણાના વિકાસ માટે સુસજ્જ હોસ્પિટલોની સાથે રોડવેઝ અને રેલવે નેટવર્કના આધુનિકીકરણ માટે આશરે રૂ. 10,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલારોપણ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. વિકાસલક્ષી પરિયોજનાઓની યાદી આપતા PMએ એઈમ્સ રેવાડી, ગુરુગ્રામ મેટ્રો, કેટલીક રેલ લાઈનો અને નવી ટ્રેનોનો ઉલ્લેખ કર્યો હતો, જેની સાથે પ્રાયોગિક સંગ્રહાલય – અનુભવ કેન્દ્ર જ્યોતિસરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અનુભવ કેન્દ્ર જ્યોતિસર પર પ્રકાશ પાડતા PMએ કહ્યું હતું કે, તે દુનિયાને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ભગવદ ગીતામાં પાઠ શીખવાનો પરિચય કરાવશે તેમજ ભારતીય સંસ્કૃતિમાં હરિયાણાની ગૌરવશાળી ભૂમિના પ્રદાનને પ્રદર્શિત કરશે. તેમણે હરિયાણાની જનતાને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

'મોદીની ગેરંટી' વિશે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પણ ચર્ચા વિશે વાત કરતા PM મોદીએ કહ્યું કે રેવાડી 'મોદીની ગેરંટી'નો પહેલો સાક્ષી છે. તેમણે એવી બાંહેધરીઓને યાદ કરી હતી કે, તેમણે અહીં દેશની પ્રતિષ્ઠા વિશે અને અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિર વિશે ઉલ્લેખ કર્યો હતો, જે હકીકતમાં પરિણમ્યું છે. તેવી જ રીતે મોદીએ આપેલી ગેરન્ટી મુજબ કલમ 370ને રદ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે જમ્મુ-કાશ્મીરમાં મહિલાઓ, પછાતો, દલિતો, આદિવાસીઓને તેમના અધિકારો મળી રહ્યાં છે.

PMએ અહીં રેવાડીમાં ભૂતપૂર્વ સૈનિકોને 'વન રેન્ક વન પેન્શન'ની ગેરન્ટી પૂરી પાડવાની બાબતને યાદ કરી હતી અને અત્યાર સુધીમાં આશરે રૂ. 1 લાખ કરોડ પ્રદાન કરવા વિશે જાણકારી આપી હતી, જેમાં હરિયાણાના ઘણાં ભૂતપૂર્વ સૈનિકોને તેનો લાભ મળ્યો છે. રેવાડીમાં PMએ જાણકારી આપી હતી કે, ઓઆરઓપીના લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. 600 કરોડથી વધારે રકમ મળી છે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે પાછલી સરકારે ઓઆરઓપી માટે રૂ. ૫૦૦ કરોડનું બજેટ રાખ્યું હતું, જે એકલા રેવાડીમાં સૈનિકોના પરિવારોને મળેલી રકમ કરતા ઓછું છે.

રેવાડીમાં એઈમ્સની સ્થાપનાની ખાતરી પણ આજના શિલાન્યાસ સાથે પૂર્ણ થઈ હતી. PMએ ખાતરી આપી હતી કે, તેઓ રેવાડી એઈમ્સનું ઉદઘાટન પણ કરશે. તેમણે કહ્યું હતું કે, તેનાથી સ્થાનિક નાગરિકો માટે વધુ સારી સારવાર અને ડૉક્ટર બનવાની તક સુનિશ્ચિત થશે. રેવાડી એઈમ્સ 22મી એઈમ્સ છે તેની નોંધ લઈને PM મોદીએ માહિતી આપી હતી કે, છેલ્લા 10 વર્ષમાં 15 નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ મેડિકલ કોલેજો અસ્તિત્વમાં આવી છે. હરિયાણામાં પણ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ સુનિશ્ચિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

PMએ વર્તમાન અને ભૂતકાળની સરકારોના સારા અને ખરાબ શાસન વચ્ચે સરખામણી કરી હતી તથા છેલ્લાં 10 વર્ષથી હરિયાણામાં ડબલ એન્જિન ધરાવતી સરકારની હાજરી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે ઘડવામાં આવેલી નીતિઓનું પાલન કરવાની વાત આવે છે, ત્યારે રાજ્ય ટોચ પર છે. તેમણે કૃષિ ક્ષેત્રે હરિયાણાના વિકાસ અને રાજ્યના ઉદ્યોગોના વિસ્તરણ પર ભાર મૂક્યો. તેમણે દક્ષિણ હરિયાણાના ઝડપી વિકાસ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે દાયકાઓ સુધી પછાત રહ્યો છે, પછી તે માર્ગ હોય, રેલવે હોય કે મેટ્રો સેવા હોય. PM મોદીએ જાણકારી આપતા કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનના પહેલા ફેઝનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, જ્યારે તેમણે કહ્યું કે, ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હરિયાણાના ગુરુગ્રામ, પલવલ અને નુહ જિલ્લામાંથી પસાર થાય છે.

PM મોદીએ માહિતી આપી હતી કે, હરિયાણાનું વાર્ષિક રેલવે બજેટ, જે વર્ષ 2014 અગાઉ સરેરાશ રૂ. 300 કરોડ હતું, તે હવે છેલ્લાં 10 વર્ષમાં વધારીને રૂ. 3,000 કરોડ કરવામાં આવ્યું છે. તેમણે રોહતક-મેહમ-હંસી અને જીંદ-સોનીપત માટે નવી રેલવે લાઇનનો ઉલ્લેખ કર્યો હતો તથા અંબાલા કેન્ટ-દપ્પર જેવી લાઇનને બમણી કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી જીવનની સરળતામાં વધારો થશે અને સાથે-સાથે વેપાર-વાણિજ્યમાં સરળતા વધશે, જેનાથી લાખો લોકોને લાભ થશે.

PMએ રાજ્યમાં પાણી સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા માટે રાજ્ય સરકારની કામગીરીની પણ પ્રશંસા કરી હતી, જે અત્યારે સેંકડો બહુરાષ્ટ્રીય કંપનીઓનું ઘર છે, જે યુવાનો માટે રોજગારીનું સર્જન કરે છે.

PM મોદીએ કહ્યું કે જ્યારે ટેક્સટાઇલ અને એપરલ ઉદ્યોગની વાત આવે છે ત્યારે હરિયાણા પોતાનું એક મોટું નામ બનાવી રહ્યું છે, જે 35 ટકાથી વધુ કાર્પેટની નિકાસ કરે છે અને ભારતમાં લગભગ 20 ટકા વસ્ત્રોનું ઉત્પાદન કરે છે. હરિયાણાના ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધારતા લઘુ ઉદ્યોગોનો ઉલ્લેખ કરીને PMએ જણાવ્યું હતું કે, પાણીપત હાથવણાટના ઉત્પાદનો, ફરીદાબાદ ટેક્સટાઇલના ઉત્પાદન માટે, ગુરુગ્રામ તૈયાર વસ્ત્રો માટે, સોનીપત ટેકનિકલ ટેક્સટાઇલ માટે અને ભિવાની બિન વણાટ-કાપડ માટે પ્રસિદ્ધ છે. PMએ છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારે એમએસએમઇ અને લઘુ ઉદ્યોગોને લાખો કરોડ રૂપિયાની સહાય કરી છે તેની જાણકારી આપી હતી, જેના પરિણામે જૂના લઘુ ઉદ્યોગો અને કુટિર ઉદ્યોગો મજબૂત થયા છે, ત્યારે રાજ્યમાં હજારો નવા ઉદ્યોગોની સ્થાપના પણ થઈ છે.

રેવાડીમાં વિશ્વકર્માની પિત્તળની કારીગરી અને હસ્તકળાની કારીગરી પર પ્રકાશ પાડતા PMએ 18 વ્યવસાયો સાથે સંબંધિત આ પ્રકારના પરંપરાગત કારીગરો માટે PM-વિશ્વકર્મા યોજનાના શુભારંભ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, દેશભરમાં લાખો લાભાર્થીઓ PM વિશ્વકર્મા યોજનાનો ભાગ બની રહ્યાં છે અને સરકાર આપણાં પરંપરાગત કારીગરો અને તેમના કુટુંબોના જીવનમાં પરિવર્તન લાવવા માટે રૂ. 13,000 કરોડનો ખર્ચ કરશે.

PMએ કહ્યું હતું કે, મોદીની ગેરેન્ટી એવા લોકો માટે છે, જેમની પાસે બેંકોને ગેરન્ટી આપવા માટે કંઈ નથી. તેમણે નાના ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ પ્રદાન કરવા, ગરીબો, દલિત, પછાત વર્ગો અને ઓબીસી સમુદાયોને કોલેટરલ-ફ્રી લોન માટે મુદ્રા યોજના અને શેરી વિક્રેતાઓ માટે PM સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યમાં મહિલાઓના કલ્યાણનો ઉલ્લેખ કરતા PMએ નિઃશુલ્ક ગેસ કનેક્શન અને પાણી પુરવઠાનો ઉલ્લેખ કર્યો હતો તેમજ હરિયાણાની લાખો મહિલાઓ સહિત સ્વસહાય જૂથો સાથે દેશભરની 10 કરોડ મહિલાઓને જોડવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સ્વસહાય જૂથો માટે લાખો કરોડ રૂપિયાની આર્થિક સહાયનો પણ ઉલ્લેખ કર્યો હતો. લખપતિ દીદી યોજનાઓ વિશે વાત કરતા PMએ જાણકારી આપી હતી કે, જ્યારે આ વખતના બજેટ હેઠળ તેમની સંખ્યા વધારીને 3 કરોડ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે. PMએ નમો ડ્રોન દીદી યોજના વિશે પણ વાત કરી હતી, જેમાં મહિલાઓના જૂથોને ખેતીમાં ઉપયોગ માટે કામ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેથી તેમના માટે વધારાની આવકનું સર્જન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp