વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે તમામ રાજ્યો વિકસિત થાય: PM
PM નરેન્દ્ર મોદીએ ઓડિશાના સંબલપુરમાં 68,000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો, જેનો ઉદ્દેશ માર્ગ, રેલવે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ ઉપરાંત કુદરતી ગેસ, કોલસા અને વીજ ઉત્પાદનને લગતાં ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે. PM મોદીએ આ પ્રસંગે આઈ.આઈ.એમ. સંબલપુર મૉડલ અને ફોટો પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.
PMએ જણાવ્યું હતું કે, આજે ઓડિશાની વિકાસ યાત્રા માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે કારણ કે આજે શિક્ષણ, રેલવે, માર્ગ, વીજળી અને પેટ્રોલિયમ ક્ષેત્રોમાં આશરે રૂ. 70,000 કરોડની વિકાસ પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશાના ગરીબ વર્ગના લોકો, શ્રમિકો, કામદારો, વેપારીઓ અને ખેડૂતો સહિત સમાજના અન્ય તમામ વર્ગોને આજના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો લાભ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેનાથી ઓડિશાના યુવાનો માટે રોજગારીની હજારો નવી તકોનું સર્જન પણ થશે.
PMએ ભારતના ભૂતપૂર્વ નાયબ PM લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. PMએ ભારતના નાયબ PM, ગૃહ મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે અડવાણીનાં અપ્રતિમ યોગદાન તેમજ સંસદના પ્રતિષ્ઠિત અને સંનિષ્ઠ સભ્ય તરીકેના દાયકાઓના અનુભવની પ્રશંસા કરી હતી. અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવા એ એક પ્રતીક છે કે રાષ્ટ્ર તેમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારાઓને ક્યારેય ભૂલી જતું નથી, એમ PM મોદીએ પ્રતિપાદિત કર્યું. PMએ એલ. કે. અડવાણી દ્વારા તેમના પર દર્શાવવામાં આવેલા પ્રેમ, આશીર્વાદ અને માર્ગદર્શન માટે તેમના સૌભાગ્યનો આભાર માન્યો હતો અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
PMએ જણાવ્યું હતું કે, ઓડિશાને શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું કેન્દ્ર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા દાયકામાં આઈઆઈએસઈઆર બેરહામપુર અને ભુવનેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલોજી જેવી આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના સાથે ઓડિશાના યુવાનોની કિસ્મત બદલાઈ ગઈ છે. હવે આઈ.આઈ.એમ. સંબલપુરની આધુનિક વ્યવસ્થાપન સંસ્થા તરીકે સ્થાપના સાથે રાજ્યની ભૂમિકા વધુ મજબૂત થઈ રહી છે. તેમણે મહામારી દરમિયાન આઈઆઈએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ)નો શિલાન્યાસ કરવાનું યાદ કર્યું હતું અને તમામ અવરોધો વચ્ચે તેની પૂર્ણતા સાથે સંકળાયેલા લોકોની પ્રશંસા કરી હતી.
PMએ ઓડિશાને દરેક ક્ષેત્રમાં મહત્તમ ટેકો આપવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે તમામ રાજ્યો વિકસિત થાય. છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરીને PMએ ઓડિશાનાં પેટ્રોલિયમ અને પેટ્રોરસાયણ ક્ષેત્રનાં આશરે રૂ. 1.25 લાખ કરોડનાં રોકાણોનો ઉલ્લેખ કર્યો હતો, રાજ્યનાં રેલવે બજેટને 12 ગણું પ્રોત્સાહન મળ્યું છે, PM ગ્રામ સડક યોજના અંતર્ગત ઓડિશાનાં ગ્રામીણ વિસ્તારોમાં 50,000 કિલોમીટરના માર્ગોનાં નિર્માણ અને રાષ્ટ્રીય રાજમાર્ગોનાં 4,000 કિલોમીટરનાં નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો. આજે ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગોનાં ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરીને PMએ જાણકારી આપી હતી કે, ઓડિશા અને ઝારખંડ વચ્ચે પ્રવાસનાં અંતરની સાથે આંતરરાજ્ય કનેક્ટિવિટીમાં પણ ઘટાડો થશે.
આ પ્રદેશ ખાણકામ, વીજળી અને સ્ટીલ ઉદ્યોગોમાં તેની ક્ષમતા માટે જાણીતો છે તેની નોંધ લેતા PMએ જણાવ્યું હતું કે, નવી કનેક્ટિવિટી સમગ્ર પ્રદેશમાં નવા ઉદ્યોગો માટે શક્યતાઓ ઊભી કરશે, જેનાથી હજારો નવી રોજગારીની તકોનું સર્જન થશે. તેમણે સંબલપુર-તાલચેર રેલ સેક્શનના ડબલિંગ અને ઝાર-તર્ભાથી સોનપુર સેક્શન સુધીની નવી રેલ લાઇનનાં ઉદ્ઘાટનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સુવર્ણપુર જિલ્લો પુરી-સોનપુર એક્સપ્રેસ દ્વારા પણ જોડાઈ જશે, જેનાથી ભક્તો માટે ભગવાન જગન્નાથના દર્શન કરવાનું સરળ બનશે. PM મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે આજે ઉદ્ઘાટન કરાયેલા સુપરક્રિટિકલ અને અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પ્લાન્ટ્સ ઓડિશામાં દરેક પરિવાર માટે પૂરતી અને પરવડે તેવી વીજળી સુનિશ્ચિત કરશે.
PMએ જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલી નીતિઓથી ઓડિશાને ઘણો ફાયદો થયો છે, તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ખાણકામ નીતિમાં ફેરફાર પછી ઓડિશાની આવકમાં 10 ગણો વધારો થયો છે. અગાઉની નીતિમાં જ્યાં ખાણકામ થતું હતું તે વિસ્તારો અને રાજ્યોમાં ખનીજ ઉત્પાદનનો લાભ ઉપલબ્ધ ન હતો તે તરફ ધ્યાન દોરતા PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લા ખનીજ ફાઉન્ડેશનની રચના સાથે આ મુદ્દાનું સમાધાન કરવામાં આવ્યું હતું, જેણે ખાણકામ દ્વારા પ્રાપ્ત થતી આવકમાંથી તે જ વિસ્તારના વિકાસમાં રોકાણ સુનિશ્ચિત કર્યું હતું. ઓડિશાને અત્યાર સુધીમાં ₹25,000 કરોડથી વધુ પ્રાપ્ત થયા છે અને આ નાણાંનો ઉપયોગ તે વિસ્તારના લોકોનાં કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે જ્યાં ખાણકામ થઈ રહ્યું છે. સંબોધનને સમાપ્ત કરતાં PMએ ઓડિશાના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ જ સમર્પિત ભાવના સાથે રાજ્યના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp