દેશના વિકાસમાં યોગદાન આપી વિકસિત ભારત @2047ના સપનાને સાકાર કરવામાં મદદ કરોઃ PM

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે તેમનાં નિવાસ સ્થાને 7, લોક કલ્યાણ માર્ગ પર વાતચીત કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં તમામ જિલ્લાઓમાંથી આશરે 250 વિદ્યાર્થીઓએ ફ્રીવ્હિલિંગ અને અનૌપચારિક વાતચીતમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓ ભારત સરકારના 'વતન કો જાનો - યુથ એક્સચેન્જ પ્રોગ્રામ 2023' હેઠળ જયપુર, અજમેર અને નવી દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે, આ મુલાકાતનો હેતુ જમ્મુ-કાશ્મીરના યુવાનોને દેશની સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતા દર્શાવવાનો છે.

વાતચીત દરમિયાન PMએ વિદ્યાર્થીઓને તેમના પ્રવાસના અનુભવ અને તેમણે મુલાકાત લીધેલા પ્રતિષ્ઠિત સ્થળો વિશે પૂછ્યું હતું. PMએ જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતની સમૃદ્ધ સંસ્કૃતિ પર ચર્ચા કરી હતી તથા વિદ્યાર્થીઓને ક્રિકેટ, ફૂટબોલ વગેરે જેવી રમતોમાં તેમની ભાગીદારી વિશે પૂછપરછ કરી હતી. PMએ જમ્મુ-કાશ્મીરના યુવાન તીરંદાજ શીતલ દેવીનું ઉદાહરણ આપ્યું હતું, જેમણે હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા હતા. PMએ જમ્મુ અને કાશ્મીરના યુવાનોની પ્રતિભાની પણ પ્રશંસા કરી હતી અને ઉમેર્યું હતું કે, તેઓ કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની ક્ષમતા ધરાવે છે.

PMએ વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં કામ કરવા અને યોગદાન આપવા તથા વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરવાની સલાહ આપી હતી. જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વનાં સૌથી ઊંચા રેલવે પુલનાં નિર્માણ વિશે વાત કરતાં PMએ કહ્યું હતું કે, એનાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે.

PMએ ચંદ્રયાન-3 અને આદિત્ય-એલ1 મિશનની સફળતા પર ચર્ચા કરી હતી અને ઉમેર્યું હતું કે, આ વૈજ્ઞાનિક સિદ્ધિઓ પર દરેક ભારતીયને ગર્વ છે. PMએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રમાં પુષ્કળ તકો રહેલી છે. PMએ યોગના ફાયદાઓ વિશે પણ વાત કરી હતી અને વિદ્યાર્થીઓને દરરોજ તેનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કાશ્મીરમાં જી-20 સમિટના સફળ આયોજન અને દેશને સ્વચ્છ બનાવવાના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp