LPG સિલિન્ડરની સંખ્યા 2014માં 14 કરોડ હતી જે વધીને 2023માં 32 કરોડ થઈ ગઈ છેઃ PM

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. PMએ કહ્યું હતું કે, સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી નવરાત્રિ શરૂ થાય એ અગાઉ શક્તિ પૂજાની ભાવના સ્થાપિત થઈ ગઈ છે. PMએ આજે અનેક રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી, જે આ વિસ્તારમાં જીવનની કાયાપલટ કરશે. નાગપુર – વિજયવાડા ઇકોનોમિક કોરિડોર તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પરિવહન અને વ્યવસાયને સરળ બનાવશે. આ રાજ્યોમાં વેપાર, પર્યટન અને ઉદ્યોગને વેગ આપ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, કોરિડોરમાં મુખ્ય આર્થિક કેન્દ્રોની ઓળખ કરવામાં આવી છે, જેમાં 8 વિશેષ આર્થિક ઝોન, 5 મેગા ફૂડ પાર્ક, 4 ફિશિંગ સીફૂડ ક્લસ્ટર, 3 ફાર્મા અને મેડિકલ ક્લસ્ટર્સ અને 1 ટેક્સટાઇલ ક્લસ્ટર સામેલ છે. તેનાથી હનામકોંડા, મહબૂબાબાદ, વારંગલ અને ખમ્મમ જિલ્લાના યુવાનો માટે અનેક માર્ગો ખુલશે.

PMએ તેમણે કહ્યું હતું કે, દેશનાં ઘણાં મહત્ત્વપૂર્ણ આર્થિક કોરિડોર તેલંગાણામાંથી પસાર થઈ રહ્યાં છે. આ બધા રાજ્યને પૂર્વ અને પશ્ચિમ કાંઠા સાથે જોડવાનું એક માધ્યમ બનશે. હૈદરાબાદ વિશાખાપટ્ટનમ કોરિડોરનો સૂર્યપેટ-ખમ્મમ સેક્શન પણ આમાં મદદ કરશે. તે પૂર્વ કોસ્ટ સુધી પહોંચવામાં મદદ કરશે. આ ઉપરાંત ઉદ્યોગો અને વ્યવસાયોના લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થશે. જકલૈર અને કૃષ્ણા સેક્શન વચ્ચે બની રહેલી રેલવે લાઇન પણ અહીંના લોકો માટે ખૂબ જ મહત્વની બની રહેશે, એમ તેમણે કહ્યું હતું.

PMએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય હળદર બોર્ડ પુરવઠા શ્રુંખલામાં મૂલ્ય સંવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ખેડૂતો માટે માળખાગત સુવિધામાં સુધારો કરવામાં મદદ કરશે. PM મોદીએ તેલંગાણા અને સમગ્ર દેશમાંથી હળદરનું ઉત્પાદન કરતા તમામ ખેડૂતોને રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના બદલ અભિનંદન પાઠવ્યા હતા.

PMએ જણાવ્યું હતું કે, સરકારે માત્ર ઉદ્યોગો માટે જ નહીં, પણ ઘરનાં લોકો માટે પણ ઊર્જા સુરક્ષિત કરી છે. તેમણે LPG સિલિન્ડરની સંખ્યા વર્ષ 2014માં 14 કરોડથી વધીને વર્ષ 2023માં 32 કરોડ થઈ હોવાનું ઉદાહરણ આપ્યું હતું તથા તાજેતરમાં ગેસની કિંમતોમાં થયેલા ઘટાડાનો ઉલ્લેખ પણ કર્યો હતો. PMએ કહ્યું હતું કે, સરકાર દેશમાં LPG વિતરણ નેટવર્કનાં વિસ્તરણને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, હસન-ચેર્લાપલ્લી LPG પાઇપલાઇન પ્રોજેક્ટ આ વિસ્તારમાં લોકોને ઊર્જા સુરક્ષા પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ક્રિષ્નાપટ્ટનમથી હૈદરાબાદ વચ્ચે મલ્ટિપ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇનનો શિલાન્યાસ કરવાની વાત પણ કરી હતી, જે તેલંગાણામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો રોજગારીનું સર્જન કરવામાં મદદરૂપ થશે.

PMએ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઘણી ઇમારતોનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્ર સરકારે હૈદરાબાદ યુનિવર્સિટીને 'ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમિનન્સ'નો દરજ્જો આપીને ખાસ ફંડિંગ આપ્યું છે. PMએ જાહેરાત કરી હતી કે, ભારત સરકાર મુલુગુ જિલ્લામાં એક કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવા જઈ રહી છે. આ વિશ્વવિદ્યાલયનું નામ પૂજનીય આદિવાસી દેવીઓ સમમક્કા-સારક્કાના નામ પરથી રાખવામાં આવશે. સમમક્કા-સારક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી પર લગભગ 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મોદીએ આ કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલય માટે તેલંગાણાનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp