સચિને કાશીમાં PM મોદીને ટીમ ઈન્ડિયાની જર્સી આપી, પાછળ જુઓ શું લખેલું, Video
PM નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. વારાણસીના ગંજારી, રાજાતલાબમાં આશરે 450 કરોડના ખર્ચે આ આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે અને તે 30 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલું હશે. શિલાન્યાસના આ કાર્યક્રમમાં ભારત રત્ન સચિન તેંદુલકર પણ હાજર રહ્યા હતા. તેમણે સ્ટેજ પર PM નરેન્દ્ર મોદીને ટીમ ઈન્ડિયાની જર્સી ભેટમાં આપી હતી. જર્સી પર નંબર-1 લખવામાં આવ્યો હતો અને સાથે નમો પણ લખ્યું હતું.
આ કાર્યક્રમમાં PMએ કહ્યું હતું કે, આ શહેરનો આનંદ શબ્દોથી પર છે. PMએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની 23મી તારીખે જ્યાં ચંદ્રયાને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, એ ચંદ્રના શિવ શક્તિ પોઇન્ટ પર ભારત પહોંચ્યાનાં બરાબર એક મહિના પછી તેઓ એ જ દિવસે કાશીની મુલાકાત લઈ રહ્યાં છે. PMએ કહ્યું હતું કે, શિવ શક્તિનું એક સ્થળ ચંદ્ર પર છે, જ્યારે બીજું સ્થળ કાશીમાં છે, તેમણે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યાં હતાં.
#WATCH | Sachin Tendulkar with PM Modi and CM Yogi Adityanath at the event to mark the foundation stone laying of an international cricket stadium in Varanasi, UP
— Warpaint Journal (@WarpaintJournal) September 23, 2023
#Sachin #Modi #UP #Varanasi #Stadium pic.twitter.com/oD67cggKcc
PMએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભગવાન મહાદેવને સમર્પિત આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની ડિઝાઇનથી કાશીના નાગરિકોમાં ગર્વની લાગણી જન્મી છે. તેમણે કહ્યું કે, સ્ટેડિયમમાં શાનદાર ક્રિકેટ મેચો જોવા મળશે જ્યારે યુવા ઍથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતાં સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેવાની તક મળશે. તેમણે ઉમેર્યું હતું કે, એનાથી કાશીના નાગરિકોને મોટો લાભ થશે.
PMએ કહ્યું હતું કે, ક્રિકેટનાં માધ્યમથી દુનિયા ભારત સાથે જોડાઈ રહી છે અને ઘણા નવા દેશો ક્રિકેટ રમી રહ્યા છે, જેનાં પગલે મોટી સંખ્યામાં મેચો રમાશે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ આગામી વર્ષોમાં સ્ટેડિયમોની વધતી માગને પૂર્ણ કરશે. PMએ BCCIનાં યોગદાન બદલ BCCIનો પણ આભાર માન્યો હતો.
PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારના રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસની રમત-ગમત પર સકારાત્મક અસર થવાની સાથે પ્રાદેશિક અર્થતંત્ર પર પણ સકારાત્મક અસર પડે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રકારના વિકાસથી વધારે મુલાકાતીઓ આવે છે, જેનાથી આ વિસ્તારમાં હૉટેલ્સ, ખાણીપીણીની લારીઓ, રિક્ષાઓ અને ઑટો ડ્રાઇવરો તેમજ હલેસા મારનારા જેવાં ક્ષેત્રોને મોટો લાભ થાય છે. તેમણે પ્રકાશ પાડ્યો કે તેની રમતગમત કૉચિંગ અને મેનેજમેન્ટ સંસ્થાઓ પર પણ સકારાત્મક અસર પડે છે, જેનાથી યુવાનોને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સમાં સાહસ કરવાનો માર્ગ મોકળો થાય છે. તેમણે ફિઝિયોથેરાપીના અભ્યાસક્રમો અંગે પણ વાત કરી અને કહ્યું કે, આગામી દિવસોમાં વારાણસીમાં એક નવો રમતગમત ઉદ્યોગ આકાર લે તેવી અપેક્ષા છે.
PMએ માતા-પિતાઓમાં રમતગમત પ્રત્યેનાં બદલાતાં વલણ પર પ્રકાશ પાડ્યો હતો. PMએ કહ્યું હતું કે, હવે રાષ્ટ્રનો મૂડ છે – જો ખેલેગા વો હી ખિલેગા (જે રમશે તે ખીલશે). PMએ તાજેતરમાં શહડોલની તેમની મુલાકાત અને ત્યાંનાં આદિવાસી ગામમાં યુવાનો સાથેની તેમની વાતચીતને યાદ કરી હતી તથા ત્યાંના 'મિની બ્રાઝિલ' માટેના સ્થાનિક ગૌરવ અને ત્યાંના ફૂટબૉલ પ્રત્યેના તેમના ઊંડા પ્રેમને યાદ કર્યો હતો.
PMએ કાશીમાં રમતગમતમાં થયેલાં પરિવર્તનનું વર્ણન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસ કાશીના યુવાનોને રમતગમતની વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનો છે. એટલા માટે આ સ્ટેડિયમની સાથે 400 કરોડ રૂપિયા સિગરા સ્ટેડિયમ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે, જ્યાં 50થી વધુ રમતો માટે સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. આ પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે જે દિવ્યાંગોને અનુકૂળ હશે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવાં નિર્માણની સાથે-સાથે જૂની વ્યવસ્થાઓમાં પણ સુધારો થઈ રહ્યો છે.
PMએ જણાવ્યું હતું કે, ભારતની રમતગમતની તાજેતરની સફળતા બદલાયેલા અભિગમને આભારી છે, કારણ કે અત્યારે રમતગમતને યુવાનોની ફિટનેસ, રોજગારી અને કારકિર્દી સાથે જોડવામાં આવે છે. 9 વર્ષ પહેલાની સરખામણીએ આ વર્ષે સ્પોર્ટ્સ બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. ખેલો ઇન્ડિયાનાં બજેટમાં ગયાં વર્ષની સરખામણીએ આશરે 70 ટકાનો વધારો થયો છે. સરકાર શાળાથી ઑલિમ્પિક પૉડિયમ સુધી ટીમના સભ્યની જેમ રમતવીરો સાથે આગળ વધે છે. તેમણે કન્યાઓની વધતી જતી ભાગીદારી અને ટોપ્સ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
PMએ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ભારતે આ વર્ષની એડિશનમાં વધારે મેડલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે, જેમાં તેની સંપૂર્ણ સહભાગિતામાં મેળવેલા તમામ મેડલ્સની કુલ સંખ્યાની સરખામણીમાં ભારતે આ વર્ષની એડિશનમાં વધારે મેડલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે. PMએ આગામી એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા રમતવીરોને પણ શુભેચ્છા પાઠવી હતી.
PM મોદીએ દેશનાં દરેક ગામ, શહેર અને ખૂણામાં રમતગમતની સંભવિતતાની હાજરીનો સ્વીકાર કર્યો હતો અને તેમને શોધવાની અને તેમની કુશળતા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નાનાં શહેરો અને ગામડાંઓમાંથી આવતા યુવાનો આજે રાષ્ટ્રનું ગૌરવ બની ગયા છે, એમ PM મોદીએ જણાવતા તેમના માટે વધુને વધુ તકો ઊભી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયાનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાં સ્થાનિક પ્રતિભાઓની ઓળખ કરવામાં આવે છે અને સરકાર તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરોમાં પરિવર્તિત કરવા આતુર છે. આ પ્રસંગે રમતગમત ક્ષેત્રના દિગ્ગજોની હાજરીને બિરદાવતાં PMએ કાશી પ્રત્યે તેમના સ્નેહ માટે તેમનો આભાર માન્યો હતો.
PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને વિકસાવવા માટે સારા કૉચ અને સારું કૉચિંગ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવનારા ઍથ્લીટ્સને કૉચની ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. PMએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં યુવાનોને વિવિધ સ્પોર્ટ્સ અને રમતો સાથે જોડવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, નવું માળખું નાનાં શહેરો અને ગામડાંઓનાં રમતવીરોને નવી તકો પ્રદાન કરશે. તેમણે ખેલો ઇન્ડિયા અંતર્ગત ઊભી થયેલી માળખાગત સુવિધાઓથી કન્યાઓને લાભ થાય છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી.
તેમણે માહિતી આપી હતી કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ રમતગમતને ઈત્તર પ્રવૃત્તિને બદલે યોગ્ય વિષય તરીકે ગણવામાં આવે છે. મણિપુરમાં સૌ પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પણ રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનાં વિસ્તરણ માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે ગોરખપુરમાં સ્પોર્ટ્સ કૉલેજનાં વિસ્તરણ અને મેરઠમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો.
PMએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનું વિસ્તરણ આવશ્યક છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દુનિયાનાં કેટલાંક શહેરો વૈશ્વિક રમતોત્સવનાં આયોજન માટે જાણીતાં છે અને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા સક્ષમ રમતગમતનું માળખું દેશમાં વિકસાવવા પર ભાર મૂક્યો હતો. PMએ કહ્યું હતું કે, આ સ્ટેડિયમ વિકાસના આ સંકલ્પનું સાક્ષી બનશે, જે માત્ર ઇંટો અને કૉંક્રિટનું માળખું જ નહીં હોય, પણ ભારતનાં ભવિષ્યનું પ્રતીક પણ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp