PM મોદી કરશે ડભોઈમાં નર્મદા ડેમનું લોકાર્પણ

17 Sep, 2017
12:45 AM
PC: pib.nic.in

ગુજરાતની સાડા પાંચ દાયકાથી વધુ સમયની ચાતક નજરની પ્રતિક્ષા પૂરી થવાની શુભ ઘડીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ગુજરાત માટે, પ્રાચીન સમયમાં શિવની જટામાં ભાગીરથી ગંગાના અવતરણ જેટલો જ મહત્વનો આ નર્મદા અવતરણનો પ્રસંગ છે. 17મી સપ્ટેમ્બરના રોજ નર્મદા યોજનાનું પૂર્ણ ક્ષમતા અને પૂર્ણ કક્ષાનું અવતરણ થવાનું છે. જેના માટે ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વયં કેવડીયા કોલોની અને ડભોઇ પધારી રહ્યા છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાશે. પ્રાચીન અને ઐતિહાસિક દર્ભાવતી એટલે કે અર્વાચીન ડભોઇમાં કોલેજ મેદાન ખાતે સવારના 10.00 કલાકથી નર્મદા યોજનાના અવતરણ એટલે કે લોકાર્પણનો આ કાર્યક્રમ શરૂ થશે.

પ્રધાનમંત્રી સવારના સમયે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સંતો-મહંતોની આશિષસભર ઉપસ્થિતિમાં ગુજરાત માટે જીવન અને ચેતનાશક્તિ સમાન મા નર્મદાના શાસ્ત્રોક્ત પૂજન દ્વારા સરદાર સરોવર બંધનું રાષ્ટ્રને વિધિવત લોકાર્પણ કરશે. તે પછી ગુજરાત સહિત ચાર રાજ્યોને જીવન પ્રદાયિની નર્મદા યોજના મળ્યાની અપરંપાર ખુશાલીને અભિવ્યક્ત કરવા ડભોઇમાં વિશાળ લોકાર્પણ જનસભા યોજવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી લોકાર્પણ પ્રવચન આપશે.

ડભોઇનો આ સમારંભ ગુજરાતના વિકાસ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થવાનો છે. ગુજરાતના એક પનોતા પુત્ર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. મોરારજીભાઇ દેસાઇએ વર્ષથી અટવાયેલો ટ્રીબ્યુનલનો ચુકાદો આપીને ગુજરાત માટે યોજનાના અમલીમરણની સરળતા કરી આપી હતી. એવા જ બીજા પનોતા પુત્ર અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધને નિર્ધારીત ઊંચાઇ સુધી બાંધીને, એના પર ત્રીસ દરવાજા મૂકવાની મંજૂરી પ્રધાનમંત્રી પદ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં આપીને આ યોજનાને પૂર્ણકક્ષાએ પહોંચાડવાનું ભગીરથ કામ કર્યુ છે. આમ, ગુજરાતના નરરત્નોના પરાક્રમને વધાવવા અને ઉજવવાનો આ અવસર છે. સાડા છ કરોડ ગુજરાતીઓને અને હરખની હેલી ચડે એવો આ પ્રસંગ છે.

નર્મદા યોજના એ માત્ર સિંચાઇની યોજના નથી. ગુજરાત સહિત ચાર રાજ્યોને અનેકવિધ લાભો આપનારી બહુહેતુક-બહુરાજ્ય આ યોજના છે. પીવાનું પાણી, સિંચાઇ, વીજળી, પર્યાવરણનું રક્ષણ સહિતના અનેકવિધ લાભોનો નર્મદા જળ ગુણાકાર કરશે. ગંગા અવતરણની ભગીરથ રાજાના સાઇઠ હજાર પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. નર્મદા યોજના સાડા છ કરોડ ગુજરાતીઓ અને ગુજરાતની આવનારી ભાવિપેઢીઓને અખંડ ખુશહાલીનું વરદાન આપશે.

આ પ્રસંગે યોજનાના સહભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ, દેવેન્દ્ર ફડણવીસ અનેવસુંધરા રાજે ખાસ મહેમાન બનશે. લોકાર્પણ સભાની શરૂઆત જાણીતા ગાયિકા અનુરાધા પૌંડવાલ મા નર્મદા સ્તુતિ અને ભક્તિસંગીતથી કરાવશે. જ્યારે વડોદરાના કોકિલકંઠી વત્સલા પાટીલ, વિક્રમ લાબડીયા અને કલા-સંગીતવૃંદ લોકસંગીતની રસલ્હાણ પીરસશે. બંકીમ પાઠક દેશભક્તિ રસની સરિતા વહાવશે.

ગુજરાતના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા ભારત સરકારના માર્ગ પરિવહન અને જળ સંસાધન મંત્રી નીતિન જયરામ ગડકરી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, જશવંતસિંહ ભાભોર અને હરિ ચૌધરી પણ મહેમાન બનશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યમંત્રી મંડળના સદસ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત સહભાગીદાર રાજ્યોના મંત્રીઓ, રાજ્યના વિવિધ નિગમોના અધ્યક્ષો પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પદાધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ સહિત રાજ્યના ઉચ્ચાધિકારીઓ, નર્મદા કંટ્રોલ ઓથોરીટી, સરદાર સરોવર નર્મદા નિગમ, જીએસએફસી જેવી સંલગ્ન સંસ્થાઓના અધિકારીઓ, પદાધિકારીઓ અને રાજ્યભરમાંથી જનમેદની આ કાર્યક્રમમાં ભાગ લેશે. વડોદરા જિલ્લા પ્રશાસને આ કાર્યક્રમની સંપૂર્ણ પૂર્વ તૈયારી પૂરી કરવામાં આવી છે.

 

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.