PM મોદી નહોતા ઇચ્છતા કે ચલણમાં આવે 2000ની નોટ, આ કારણે પાડી હતી 'હા'

PC: businesstoday.in

રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ પાછી મંગાવી છે. 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી લોકો 2000 રૂપિયાની નોટ બેંકોમાં બદલાવી શકે છે. આ દરમિયાન વડાપ્રધાનના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય પણ 2000 રૂપિયાની નોટને બહાર પાડવાના પક્ષમાં નહોતા. છતા જ્યારે તેમને જણાવવામાં આવ્યું કે, 2000ની નોટ થોડાં સમય માટે લાવવામાં આવી રહી છે, તો પછી તેમણે તેની પરવાનગી આપી દીધી હતી. PMએ ક્યારેય પણ 2000 રૂપિયાની નોટને ગરીબોની નોટ નથી માની. તેમને ખબર હતી કે 2000 રૂપિયાની નોટથી લેવડ-દેવડને બદલે જમાખોરી થશે.

નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, જ્યારે હું પ્રધાનમંત્રી કાર્યાલયમાં પ્રધાન સચિવ તરીકે કાર્યરત હતો. ત્યારે ડિમોનેટાઇઝેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિમોનેટાઇઝેશનમાં જૂની નોટ એક નિર્ધારિત તારીખથી સમાપ્ત કરી દેવમાં આવે છે અને તે નોટોને બદલવાની વ્યવસ્થા હોય છે. તેના માટે પણ એક સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની હતી અને તેના બદલાની વ્યવસ્થા કરવાની હતી. ઉલ્લેખનીય છે કે, તેના માટે 500 અને 1000 રૂપિયાની નવી નોટ લાવવી પડતે અને નવી નોટોની વ્યવસ્થા પ્રિન્ટિંગ દ્વારા કરવાની હતી. પ્રિન્ટિંગનું કામ રિઝર્વ બેંક કરે છે.

નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, તે સમયે એ જોવા મળ્યું કે જે સંખ્યામાં જૂની નોટ પાછી આવશે અને નવી નોટ આપવામાં આવશે. તે પ્રમાણે પ્રિન્ટિંગની ક્ષમતા નહોતી. આથી, વિકલ્પ તરીકે 2000 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી. કારણ કે, જ્યાં 500 રૂપિયાની ચાર નોટ છાપીને 2000 રૂપિયા પૂરા થાય છે. ત્યાં માત્ર એક નોટ છાપવાથી 2000 રૂપિયાની વેલ્યૂને પૂરી કરી લેવામાં આવી. તેમણે કહ્યું કે, જે ટીમ તેના પર કામ કરી રહી હતી તેનો પ્રસ્તાવ હતો કે જો નક્કી સમય મર્યાદામાં આપણે નોટબંધી કરવી છે, તો આપણે 2000 રૂપિયાની નોટ છાપવી પડશે. આ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જરા પણ ઉત્સાહિત નહોતા. તેમનું મન હતું કે, જો 1000 રૂપિયાની નોટ બંધ કરી રહ્યા છો તો તેની જગ્યાએ 2000 રૂપિયાની નોટ લાવી રહ્યા છો, તો લોકો કઈ રીતે સમજશે કે આ કાળા નાણાને ઓછું કરવા અથવા તેને સમાપ્ત કરવાનો પ્રયાસ છે. કારણ કે, એક મોટી નોટ આવવાથી લોકોની પાસે તેને જમા કરવું સરળ બની જશે.

આથી, તેના પર તેઓ સહમત નહોતા. પરંતુ, જ્યારે તેમને સામે કરન્સી છાપનારી કંપનીઓની ક્ષમતા જણાવવામાં આવી અને વડાપ્રધાન નહોતા ઇચ્છતા કે નોટોને બહારથી છપાવીને લાવવામાં આવે. આથી, એક જ વિકલ્પ બચ્યો હતો કે સીમિત અવધિમાં 2000 રૂપિયાની નોટ છાપવી પડશે. સ્થિતિને સમજતા વડાપ્રધાને 2000 રૂપિયાની નોટને જાહેર કરવાની મંજૂરી આપી દીધી હતી. પૂર્વ પ્રધાન સચિવે કહ્યું કે, PM મોદીના મનમાં એ વાત સ્પષ્ટ હતી કે યોગ્ય સમયે 2000 રૂપિયાની નોટ પાછી લઈ લેવામાં આવશે. તેને લઇને તેમના મનમાં જરા પણ શંકા નહોતી. આથી, 2018 બાદથી 2000ની નોટ છાપવામાં જ ના આવી. PM મોદીના વિચારોથી હંમેશાં લાગ્યું છે કે, તેઓ 2000 રૂપિયાની નોટને ગરીબોની નોટ સમજતા નહોતા.

2016માં થયેલી નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ જાહેર કરી હતી. ત્યારે 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવામાં આવી હતી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટને મુખ્યરૂપે પૈસાના મૂલ્યને જલ્દીથી ભરવા માટે જાહેર કરવામાં આવી હતી. ત્યારે સિસ્ટમમાંથી ઝડપથી પૈસા કાઢવામાં આવી રહ્યા હતા. મતલબ એ છે કે, રિઝર્વ બેંકે ત્યારે બંધ થયેલી 500 અને 1000 રૂપિયાની નોટોની જલ્દી ભરપાઈ માટે 2000 રૂપિયાની નોટ જાહેર કરી હતી. શક્તિકાંત દાસે કહ્યું કે, માર્કેટમાં અન્ય મૂલ્યની નોટોની અછત નથી. આથી, 2000 રૂપિયાની નોટને પાછી લેવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp