તમિલ એ વિશ્વની સૌથી જૂની ભાષા છે, દરેક ભારતીયને આ વાત પર ગર્વ છે: PM મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના સહયોગી થિરુ એલ. મુરુગનનાં નિવાસસ્થાને તમિલ નૂતન વર્ષની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા PMએ પુત્તાણ્ડુની ઉજવણી કરવા માટે પોતાનાં તમિલ ભાઈ અને બહેનો વચ્ચે ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. PMએ કહ્યું હતું કે, પુત્તાણ્ડુ પ્રાચીન પરંપરામાં આધુનિકતાનો તહેવાર છે. આવી પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને છતાં, દર વર્ષે નવી ઊર્જા સાથે આગળ વધી રહી છે. આ ખરેખર નોંધપાત્ર બાબત છે. તમિલ લોકો અને સંસ્કૃતિની વિશિષ્ટતા પર ભાર મૂકીને PMએ તમિલ સંસ્કૃતિ પ્રત્યે તેમનાં આકર્ષણ અને ભાવનાત્મક જોડાણનો એકરાર કર્યો હતો. ગુજરાતમાં તેમના અગાઉના વિધાનસભા મતવિસ્તારમાં તમિલ લોકોની મજબૂત હાજરી અને અપાર પ્રેમને યાદ કરીને PMએ તમિલ લોકોના તેમનાં પ્રત્યેના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

PMએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી જે પંચ પ્રણ વિશે વાત કરી હતી તેને યાદ કરીને તેમાંના એક પ્રણ વિશે PM મોદીએ કહ્યું હતું કે, સંસ્કૃતિ જેટલી જૂની હશે, તેટલી વધારે આ પ્રકારનાં લોકો અને સંસ્કૃતિ સમયની કસોટીમાં પાર ઉતર્યાં છે.

તેમણે ઉમેર્યું હતું કે, તમિલ સંસ્કૃતિ અને લોકો શાશ્વત હોવાની સાથે સાથે વૈશ્વિક પણ છે. ચેન્નાઈથી કેલિફોર્નિયા, મદુરાઈથી મેલબોર્ન, કોઈમ્બતુરથી કેપટાઉન, સાલેમથી સિંગાપોર સુધી; તમે જોશો કે તમિલ લોકો તેમની સાથે તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને લઈ ગયા છે, એમ તેમણે જણાવ્યું હતું. PMએ આગળ કહ્યું કે પોંગલ હોય કે પુત્તાણ્ડુ, તેઓ સમગ્ર વિશ્વમાં ચિહ્નિત થયેલી છે. તમિલ વિશ્વની સૌથી જૂની ભાષા છે. દરેક ભારતીયને આ વાતનો ગર્વ છે. તમિલ સાહિત્યને પણ વ્યાપકપણે આદર આપવામાં આવે છે. તમિલ ફિલ્મ ઉદ્યોગે આપણને કેટલીક સૌથી આઇકોનિક કૃતિઓ આપી છે.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં તમિલ લોકોનાં અદ્‌ભૂત પ્રદાનને યાદ કરીને PMએ સ્વતંત્રતા પછી દેશના વિકાસમાં તમિલ લોકોનાં યોગદાન પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સી. રાજગોપાલાચારી, કે. કામરાજ અને ડૉ. કલામ જેવા ટાઇટન્સને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે ચિકિત્સા, કાયદા અને શિક્ષણવિદોનાં ક્ષેત્રોમાં તમિલોનું યોગદાન અતુલ્ય છે.

PMએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, ભારત દુનિયામાં સૌથી જૂનો લોકશાહી દેશ છે અને તેમણે કહ્યું હતું કે, આ માટે સચોટ અને નિર્વિવાદ પુરાવા છે, જેમાં તમિલનાડુનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પુરાવા સામેલ છે. તેમણે ઉથિરેમેરુરમાં 1100-1200 વર્ષ જૂના એક શિલાલેખ વિશે વાત કરી હતી, જે પ્રાચીન સમયની લોકતાંત્રિક નૈતિકતા અને પ્રક્રિયાઓનું વર્ણન કરે છે. PMએ જણાવ્યું હતું કે, તમિલ સંસ્કૃતિમાં એવું ઘણું બધું છે જેણે ભારતને એક રાષ્ટ્ર તરીકે આકાર આપ્યો છે. તેમણે આશ્ચર્યકારક આધુનિક પ્રાસંગિકતા અને તેમની સમૃદ્ધ પ્રાચીન પરંપરા માટે કાંચીપુરમમાં વેંકટેસા પેરુમલ મંદિર અને ચતુરંગા વલ્લભનાથર મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો.

PMએ સમૃદ્ધ તમિલ સંસ્કૃતિની સેવા કરવાની તકને ગર્વ સાથે યાદ કરી હતી. તેમને યુનાઇટેડ નેશન્સમાં તમિલમાં ટાંકવાનું અને જાફનામાં ગૃહ પ્રવેશ સમારોહમાં ભાગ લેવાનું યાદ કર્યું હતું. PM મોદી જાફનાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય PM છે અને તેમની મુલાકાત દરમિયાન અને તે પછી તમિલો માટે ઘણી કલ્યાણકારી પરિયોજનાઓ હાથ ધરવામાં આવી હતી. PMએ કહ્યું હતું કે, તમિલ લોકોની સતત સેવા કરવાની આ ભાવના મને નવી ઊર્જાથી ભરી દે છે.

PMએ તાજેતરમાં કાશી તામિલ સંગમમ્‌ની સફળતા પર ઊંડો સંતોષ વ્યક્ત કર્યો હતો. PMએ કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં આપણે પ્રાચીનકાળ, નવીનતા અને વિવિધતાની ઉજવણી એક સાથે કરી છે. સંગમમ્‌માં તમિલ શિક્ષણનાં પુસ્તકોની ઘેલછાનો ઉલ્લેખ કરતાં PMએ કહ્યું હતું કે, હિન્દી ભાષી ક્ષેત્રમાં, આ ડિજિટલ યુગમાં, તમિલ પુસ્તકોને આ રીતે પસંદ કરવામાં આવે છે, તે આપણું સાંસ્કૃતિક જોડાણ દર્શાવે છે. હું માનું છું કે, કાશીવાસીઓનું જીવન તમિલ લોકો વિના અધૂરું છે, હું કાશીવાસી બની ગયો છું અને કાશી વિના તમિલ લોકોનું જીવન અધૂરું છે. PM મોદીએ સુબ્રમણ્યમ ભારતીનાં નામે નવી પીઠ અને કાશી વિશ્વનાથનાં મંદિર ટ્રસ્ટમાં તમિલ વ્યક્તિ માટે સ્થાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

PMએ તમિલ સાહિત્યની તાકાત પર ભાર મૂક્યો હતો, કારણ કે તે ભૂતકાળનાં શાણપણની સાથે ભવિષ્યનાં જ્ઞાનનો સ્ત્રોત પણ છે. પ્રાચીન સંગમ સાહિત્યમાં અન્ન- બાજરીના ઉલ્લેખ વિશે વાત કરતાં PMએ કહ્યું હતું કે, આજે ભારતની પહેલ પર સમગ્ર વિશ્વ બાજરીની આપણી હજાર વર્ષ જૂની પરંપરા સાથે જોડાઈ રહ્યું છે. તેમણે ઉપસ્થિત જનમેદનીને ફરી એક વખત ફૂડ પ્લેટમાં બાજરીને સ્થાન આપવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું અને અન્ય લોકોને પણ પ્રેરણા આપવા જણાવ્યું હતું.

PMએ યુવાનોમાં તમિલ કલા સ્વરૂપોને પ્રોત્સાહન આપવાની અને તેને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આજની યુવા પેઢીમાં તે જેટલા વધુ લોકપ્રિય છે, તેટલા જ તે તેમને આવનારી પેઢી સુધી પહોંચાડશે. એટલે યુવાનોને આ કળા વિશે શિક્ષિત કરવાની આપણી સહિયારી જવાબદારી છે, એમ તેમણે કહ્યું. PMએ કહ્યું હતું કે, આઝાદીના અમૃત કાળમાં આ આપણી જવાબદારી છે કે આપણે આપણા તમિલ વારસા વિશે જાણીએ, દેશ અને દુનિયાને જણાવીએ. આ વારસો આપણી એકતા અને 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાનું પ્રતીક છે. આપણે તમિલ સંસ્કૃતિ, સાહિત્ય, ભાષા અને તમિલ પરંપરાને સતત આગળ વધારવી પડશે, એમ PMએ સમાપન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp