નેહરુની ભૂલને કારણે PoK બન્યું, નહીં તો આજે ભારતનો ભાગ હોત: અમિત શાહ

PC: aajtak.in

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જમ્મુ અને કાશ્મીર સંબંધિત બે નવા બિલ પર ચર્ચા કરી હતી. આ અંગે વાત કરતા અમિત શાહે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી કેટલાક લોકો પરેશાન છે.

અમિત શાહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર આરક્ષણ સુધારો અધિનિયમ 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 2023એ લોકોને ન્યાય આપવા માટેનું બિલ છે જેમની સિત્તેર વર્ષથી અન્યાય, અપમાન અને અવગણના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કલમ 370 ત્યાંના 45 હજાર લોકોના મોત માટે જવાબદાર છે, જેને PM મોદી સરકારે હટાવી દીધી છે.

અમિત શાહે પણ અહીં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ની સમસ્યા સૌથી પહેલા PM જવાહરલાલ નેહરુના કારણે ઊભી થઈ હતી. આખું કાશ્મીર આપણા હાથમાં આવ્યા વિના યુદ્ધવિરામ લાદવામાં આવ્યો, નહીંતર તે ભાગ કાશ્મીરનો હોત. શાહના આ નિવેદન પર ગૃહમાં હોબાળો પણ થયો, ત્યારપછી વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યું.

પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, બિલના નામ સાથે સન્માન જોડાયેલું છે, ફક્ત તે જ લોકો તેને જોઈ શકે છે, જેઓ પાછળ રહી ગયેલા લોકોની આંગળી પકડીને કરુણાથી આગળ વધવા માંગે છે. તે લોકો આ સમજી શકતા નથી, જે મતબેંક માટે તેનો ઉપયોગ કરે છે.

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, PM નરેન્દ્ર મોદી એવા નેતા છે, જે ગરીબ પરિવારમાં જન્મ્યા છે અને દેશના PM બન્યા છે, તેઓ પછાત અને ગરીબોની પીડા જાણે છે. અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી કેટલાક લોકો પરેશાન છે.

અમિત શાહે લોકસભામાં કહ્યું કે, 370 હટાવવાથી કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, લોહીની નદીઓ તો છોડો, પથ્થર ફેંકવાની કોઈની હિંમત નથી. શાહે કહ્યું કે, દેશ પાસે એક જ પ્રતીક અને માત્ર એક જ ધ્વજ હોવો જોઈએ. કલમ 370 પહેલાથી જ હટાવી દેવી જોઈતી હતી.

કાશ્મીર પર વાત કરતા શાહે કહ્યું કે, અમે લાલ ચોક પર તિરંગો ફરકાવવા પણ ગયા હતા, પરંતુ અમને રોકવામાં આવ્યા. તે સમયે તિરંગો ફરકાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. આજે દરેક ઘરમાં ત્રિરંગો છે. ખીણમાં એક પણ ઘર એવું નથી જ્યાં ત્રિરંગો ન હોય. શાહે વધુમાં કહ્યું કે, J-Kમાં 3 વર્ષથી ઝીરો ટેરર પ્લાન લાગુ કરવામાં આવ્યો છે અને તેને 2026 સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.

અમિત શાહે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, '1980 પછી આતંકવાદનો યુગ આવ્યો અને તે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતું. જે લોકો આ ધરતી પર પોતાનો દેશ માનીને રહેતા હતા તેઓને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા અને તેમની કોઈએ પરવા નહોતી કરી. જે લોકો તેને રોકવા માટે જવાબદાર હતા તેઓ ઈંગ્લેન્ડમાં રજાઓ માણી રહ્યા હતા. જ્યારે કાશ્મીરી પંડિતો વિસ્થાપિત થયા ત્યારે તેઓને પોતાના દેશમાં શરણાર્થી તરીકે રહેવાની ફરજ પડી હતી. વર્તમાન આંકડાઓ અનુસાર, લગભગ 46,631 પરિવારો અને 1,57,968 લોકો તેમના પોતાના દેશમાં વિસ્થાપિત થયા હતા. આ બિલ તેમને અધિકાર આપવા માટે છે, આ બિલ તેમને પ્રતિનિધિત્વ આપવા માટે છે.'

લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, હું તમને ચેલેંજ આપું છું કે, કોઈ એક તારીખ નક્કી કરવી જોઈએ અને કાશ્મીર મુદ્દે નેહરુના યોગદાન પર ચર્ચા થવી જોઈએ. ચૌધરીએ દાવો કર્યો હતો કે, BJPના કેટલાક નેતાઓ નેહરુ પર કાશ્મીર મુદ્દાને યોગ્ય રીતે ન સંભાળવાનો આરોપ લગાવી રહ્યા છે. શાહે તરત જ આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, સરકાર આ પડકાર સ્વીકારે છે અને હમણાં જ ચર્ચા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp