ચેકપોસ્ટ પર રોજ 5 લાખની ખંડણી,પોલીસ અધિકારીની મહિને દોઢ કરોડની કમાણી
ઉત્તર પ્રદેશનો બલિયા જિલ્લો આ દિવસોમાં ગેરકાયદે ખંડણીને કારણે ચર્ચામાં છે. UP-બિહાર બોર્ડર પર ભરૌલી ચેકપોસ્ટ પર ટ્રકો પાસેથી ગેરકાયદેસર ખંડણી ઉઘરાવવાનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો. જ્યારે બુધવારે રાત્રે ADG અને DIGએ સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો, ત્યારે સ્થળ પરથી બે પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. આટલું જ નહીં, 16 વચેટિયા પણ ઝડપાયા હતા જેઓ પોલીસ તરફથી પૈસા ઉઘરાવવાનું કામ કરતા હતા. આ પછી જે ખુલાસો થયો તે સાંભળીને બધા ચોંકી ગયા. આ રેકેટમાં આખું પોલીસ સ્ટેશન જ સામેલ હોવાનું બહાર આવ્યું છે. નરહી પોલીસ સ્ટેશન હેઠળ આવતી કોરન્ટાડીહ પોલીસ ચોકીને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
મામલો સામે આવ્યા પછી યોગી સરકારે SP અને એડિશનલ SPને હટાવીને વેઇટિંગ લિસ્ટમાં મૂક્યા છે જ્યારે COને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત CO, SHO અને ચોકીના ઈન્ચાર્જની મિલકતોની વિજિલન્સ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. હકીકતમાં, ચેકપોસ્ટ પર પોલીસકર્મીઓ દ્વારા ગેરકાયદેસર ખંડણી ઉઘરાવવાની સતત ફરિયાદો આવતી હતી. ત્યાર પછી ઉચ્ચ અધિકારીઓ વતી ADG અને DIGને તપાસ સોંપવામાં આવી હતી. જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે 37.5 હજાર રૂપિયા, 14 બાઇક અને 25 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી બે પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ત્રણ નાસી છૂટ્યા હતા. 16 દલાલો પણ ઝડપાયા છે.
ભરૌલી ચેકપોસ્ટ ગંગા નદીના કિનારે બનેલ છે. UP અને બિહારથી ટ્રકો અહીંથી આવે છે અને જાય છે. આ ટ્રકો દ્વારા દારૂ, ઢોર અને લાલ રેતીની દાણચોરી કરવામાં આવે છે. ઘટનાસ્થળેથી ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ હરદયાલ સિંહે જણાવ્યું કે, આ ચેકપોસ્ટ પરથી દરરોજ રાત્રે લગભગ 1000 ટ્રક પસાર થાય છે. 500 રૂપિયા પ્રતિ ટ્રક લેવામાં આવે છે. એટલે કે એક દિવસમાં 5 લાખ રૂપિયા ભેગા થઈ રહ્યા હતા. એટલે કે માસિક કમાણી 1.5 કરોડ રૂપિયા હતી. પોલીસકર્મીઓ પોતાના લોકોને દલાલ બનાવીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા.
ફરિયાદના આધારે DIG આઝમગઢ વૈભવ કૃષ્ણા અને ADG વારાણસી ઝોન પીયૂષ મોરડિયાએ સિવિલ ડ્રેસમાં મોબાઈલ પોસ્ટ પર દરોડો પાડ્યો હતો. બે પોલીસકર્મી નાસી છૂટ્યા હતા, પરંતુ બે ઝડપાઈ ગયા હતા. આ સાથે 16 દલાલોની પણ ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી જપ્ત કરાયેલ રોકડ પણ મળી આવી હતી. ત્યાર પછી બંને અધિકારીઓ ટીમ સાથે કોરંટાડીહ પોલીસ ચોકી પહોંચ્યા, ત્યાં પણ રિકવરી કરવામાં આવી રહી હતી. મળેલી ફરિયાદ સાચી જણાતી હતી, આ પછી તેઓ નરહી પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યાં પણ એ જ દ્રશ્ય જોવા મળ્યું. અધિકારીઓને જોઈને પોલીસ સ્ટેશનમાં હંગામો મચી ગયો હતો. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પન્ને લાલ દિવાલ કૂદીને નાસી છૂટ્યો હતો. DIg વૈભવ કૃષ્ણાએ કહ્યું કે, નરહી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પન્ને લાલની સાથે પોલીસ સ્ટેશનના કોરન્ટાડીહ પોલીસ ચોકીના ઈન્ચાર્જ સહિત ત્યાં તૈનાત તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દર મહિને રૂ. 1.5 કરોડની ઉચાપત કરતો હતો અને જિલ્લાના SPને તેની જાણ સુદ્ધાં નહોતી. દલાલો વાહનોના નંબર ગણીને તે મુજબ પોલીસ સ્ટેશન હેડ નરહીને પૈસા આપતા હતા. તમામ હિસાબો નોટબુકમાં નોંધાયેલા હતા. અહી સવાલ એ થાય છે કે, શું પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પોતે આખી રકમ ખિસ્સામાં ભરી રહ્યા હતા. આખરે આટલી મોટી રકમ ક્યાં જતી હતી? પોલીસ મથકના વડા પોતે એકલા લઇ લેતા હતા કે આગળ ઉપર પણ પહોંચાડવામાં આવતી હતી, તે તપાસનો વિષય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp