તમને વિશ્વાસ નહીં આવે પણ ખરેખર આઝાદી પછી પહેલીવાર અહીં પહોંચી પોલીસ
ભારતમાં લોકશાહીની સ્થાપનાને 75 વર્ષ વીતી ગયા છે, પરંતુ સોમવારે પહેલીવાર દેશના કોઈ ભાગમાં પોલીસ પહોંચી શકી હતી. આ વિસ્તાર કોઈ દૂરના ટાપુ કે દરિયાકાંઠાનો વિસ્તાર નથી પરંતુ મહારાષ્ટ્રના જ ગઢચિરોલી જિલ્લામાં આવેલ ગરદેવાડા છે. આજ સુધી પોલીસને આ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં કોઈ પહોંચ નહોતી.
અહીં પહેલીવાર પોસ્ટ બનાવવામાં આવી છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તાર પર આવેલો આ જિલ્લો નક્સલવાદીઓના પ્રભાવમાં છે અને સુરક્ષા દળો પર ભીષણ હુમલાઓ થયા છે. હવે અહીં બનેલી પોસ્ટ માઓવાદીઓના ગઢ અબુઝહમાદથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલી છે. આ સંદર્ભમાં નક્સલવાદીઓ સાથે વ્યવહાર કરવામાં આ પોસ્ટ મહત્વની બની રહેશે.
આ પોલીસ ચોકીની સ્થાપના માટે લગભગ 600 કમાન્ડો ગયા હતા. આ સમય દરમિયાન, તેઓએ લેન્ડમાઇન અને ઝાડીઓમાં છુપાયેલા નક્સલવાદીઓની સંભાવના પર પણ નજર રાખી હતી. આ દુર્ગમ વિસ્તારમાં પોલીસ ચોકી ઉભી કરવી એ એટલું મુશ્કેલ કામ હતું કે, આ કમાન્ડોને ગરદેવાડા પહોંચવા માટે 60 કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું. આટલું જ નહીં, ત્યાં પહોંચ્યા પછી, લગભગ 1500 લોકોને રોજગારી આપવામાં આવી અને ઝડપથી કામ કરી, એક જ દિવસમાં કાયમી પોસ્ટ બનાવવામાં આવી. આ સંકુલમાં પોલીસ જવાનોને રહેવાની પણ પુરતી સગવડ હશે અને સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવશે.
આ પોસ્ટ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ હશે કારણ કે તે પૂર્વીય વિદર્ભના એટાપલ્લી તાલુકામાં છે, જે અબુઝહમદની નજીક છે. બીજી તરફ, તે છત્તીસગઢના કાંકેરમાં સ્થિત મરબેડા પોલીસ કેમ્પથી પણ માત્ર 5 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર માઓવાદીઓની ગુફા તરીકે જાણીતો છે. અહીં નક્સલવાદીઓના ટ્રેનિંગ કેમ્પો છે. આ સિવાય તેઓ પોતાના હથિયારો પણ અહીં છુપાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે તેઓ આ વિસ્તારને તેમના દૃષ્ટિકોણથી ખૂબ જ સુરક્ષિત માને છે, કારણ કે અત્યાર સુધી અહીં સુરક્ષા દળોની પહોંચ નહોતી.
ગરદેવારા 2019માં ચર્ચામાં આવ્યું જ્યારે માઓવાદીઓએ લોકસભા ચૂંટણી દરમિયાન મતદાન શિબિરમાં અરાજકતા ઊભી કરી. માઓવાદીઓએ અહીં ત્રણ બ્લાસ્ટ કર્યા હતા. અહીં એક મોટું નાળું પણ વહે છે, જેમાં વરસાદની મોસમમાં ઘણું પાણી રહે છે. જેના કારણે આ વિસ્તાર વર્ષમાં કેટલાક મહિનાઓ સુધી બાકીના પ્રદેશોથી કપાયેલો રહે છે. આવી સ્થિતિમાં માઓવાદીઓ માટે અહીં છુપાઈ જવું સરળ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પોલીસ ચોકીની સ્થાપના પછી અહીં એક પુલ પણ બનાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp