PM પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો હું શું..’ શંકરાચાર્યએ અયોધ્યા ન જવાની કરી જાહેરાત

PC: zeenews.india.com

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈને તૈયારીઓ જોરો પર છે. આ સમારોહને ભવ્ય બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર અને અયોધ્યા પ્રશાસન પૂરી તૈયારીઓમાં લાગ્યા છે. રામ મંદિરનું પ્રથમ તળ બનીને તૈયાર છે. તેને સજાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે એટલે કે આ વાતની પૂરી સંભાવના છે કે વડાપ્રધાન પોતાના હાથોથી જ રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન કરાવશે.

તેને લઈને ઓરિસ્સાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ વિરોધ કર્યો છે. તેમણે બુધવારે રતલામમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરી 2024ના રોજ થનારા પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં સામેલ થવા માટે તેઓ અયોધ્યા નહીં જાય. રતલામમાં ત્રિવેણી તટ પર હિન્દુ જાગરણ સંમેલનને સંબોધિત કરવા આવેલા શંકરાચાર્ય નિશ્ચલાનંદે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘મોદીજી લોકાર્પણ કરશે, મૂર્તિનો સ્પર્શ કરશે તો હું ત્યાં શું હું તાળીઓ વગાડીને જય જયકાર કરીશ? મારા પદની પણ મર્યાદા છે. રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રો મુજબ થવી જોઈએ, એવા આયોજનમાં હું શા માટે જાઉ.’

રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળેલા નિમંત્રણ બાબતે શંકરાચાર્યએ કહ્યું કે, મને જે નિમંત્રણ મળ્યું છે તેમાં લખ્યું છે કે તમે અને તમારી સાથે માત્ર એક વ્યક્તિ આયોજનમાં આવી શકે છે. એ સિવાય અમારી સાથે કોઈ પ્રકારનો અત્યાર સુધી સંપર્ક કર્યો નથી, જેથી હું આયોજનમાં નહીં જાઉ. રામ મંદિર પર જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે એ ન થવી જોઈએ. આ સમયની રાજનીતિમાં કંઇ સારું નથી. પૂરીના શંકરાચાર્યએ ધર્મ સ્થળો પર બનાવવામાં આવી રહેલા કોરિડોરની પણ નિંદા કરી.

સ્વામી નિશ્ચલાનંદ સ્વામીએ કહ્યું કે, આજે બધા પ્રમુખ ધર્મ સ્થળોને પર્યટન સ્થળ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારે તેમને ભોગ વિલાસતાની વસ્તુઓ સાથે જોડવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી. દુનિયામાં પાછી જે પણ ધર્મના લોકો હોય, એ બધાના પૂર્વજ હિન્દુ હતા. ઉલ્લેખનીય છે કે નિશ્ચલાનંદ સરસ્વતી પૂરીના પૂર્વામ્નાય શ્રીગોવર્ધન પીઠના વર્તમાન 145માં જગદ્વગુરુ શંકરાચાર્ય છે. તેમનો જન્મ 1943માં બિહારના મધુબની જિલ્લામાં થયો હતો. તેઓ દરભંગાના મહારાજાના રાજ પંડિતના પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp