દિલ્હી એરપોર્ટની છત તૂટી પડતા, કેન્દ્રીય મંત્રી કહે-'આ 2009માં બની હતી'
28મી જૂને સવારે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ પછી દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1ની છત તૂટી પડી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. છત ધરાશાયી થવાને કારણે ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે. વિપક્ષ આને લઈને મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે. આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ઘટનાસ્થળે પહોંચી પત્રકારો સાથે વાત કરી હતી. વાતચીતમાં તેણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર ઘટના છે. આ ઉપરાંત, તેમણે એવિએશન રેગ્યુલેટર DGCA દ્વારા આ મામલે સંપૂર્ણ તપાસ કરવાની પણ વાત કરી છે.
આ ઘટના અંગે મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું, 'આ દુખદ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, ફાયર સેફ્ટી ટીમ અને CISF, NDRFની ટીમો મોકલી. તમામ લોકો સ્થળ પર હાજર હતા. તેઓએ સંપૂર્ણ તપાસ કરી છે, જેથી વધુ કોઈ જાનહાનિ ન થાય. તેથી હાલ સ્થિતિ કાબુમાં છે. ટર્મિનલ બિલ્ડિંગના બાકીના ભાગને બંધ કરી દેવામાં આવ્યું છે અને દરેક વસ્તુની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. જેથી કરીને અહીં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને.'
કેન્દ્રીય મંત્રીએ મૃતકોને 20 લાખ રૂપિયા અને ઘાયલોને 3 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. દરમિયાન તેમને પૂછવામાં આવતા કેટલાક બીમ પર કાટ લાગી ગયો હતો. ત્યારે રામ મોહન નાયડુએ કહ્યું કે, આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. એરપોર્ટ પ્રશાસનને તપાસ કરવા કહેવામાં આવ્યું છે. મંત્રાલય અને DGCA પણ અલગથી તપાસ કરશે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં પત્તાના ઘર જેવા નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પતન માટે ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી જવાબદાર છે. મંત્રીએ તેને ખોટા સમાચાર ગણાવ્યા છે. તેમણે કહ્યું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, PM નરેન્દ્ર મોદીએ જે ઈમારતનું ઉદ્ઘાટન કર્યું છે, તે બીજી બાજુ છે અને અહીં જે ઈમારત પડી છે તે જૂની ઈમારત છે. તે 2009માં બનાવવામાં આવી હતી. PM મોદીએ ટર્મિનલ 1 નહીં પરંતુ બીજા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. જે સમયે આ કેનોપીનું નિર્માણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર સત્તામાં હતી.'
#WATCH | Union Minister of Civil Aviation Ram Mohan Naidu Kinjarapu says, "...A section of the canopy which is outside of the airport has collapsed due to heavy rains. We express our condolence to the life that has been lost in this tragic incident, four people have also been… https://t.co/8Bs7Jm5A1Z pic.twitter.com/gmArDd6ydz
— ANI (@ANI) June 28, 2024
આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર થયેલા અકસ્માતને લઈને વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ સરકાર પર આક્ષેપો કર્યા છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, ચૂંટણી પ્રચાર માટે વિસ્તૃત ટર્મિનલ-1નું ઉદ્ઘાટન ઉતાવળમાં કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp