જો રાહુલ ગાંધી ભાજપમાં હોત તો તેમની શું સ્થિતિ હોત? પ્રણવદાની દીકરીએ પૂછયો સવાલ

PC: news.jan-manthan.com

ભારતીય જનતા પાર્ટી (BJP) વંશવાદના મુદ્દે કોંગ્રેસને ઘેરી રહી છે. હવે પૂર્વ રાષ્ટ્રપતિ અને દાયકાઓથી કોંગ્રેસના અગ્રણી નેતા પ્રણવ મુખર્જીની પુત્રીએ પણ પાર્ટીને સલાહ આપી છે. પોતાના પિતા પ્રણવ મુખર્જી પર લખાયેલ પુસ્તક અને તેમાં કરવામાં આવેલા અનેક મહત્વના ઘટસ્ફોટોને લઈને હેડલાઈન્સ બનાવી રહેલી શર્મિષ્ઠાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો કોંગ્રેસને ભારતીય રાજનીતિમાં ફરીથી મહત્વ મેળવવું હોય તો તેને વંશવાદની રાજનીતિમાંથી બહાર આવવું પડશે. તેમણે રાહુલ ગાંધીનું નામ લઈને સીધો પ્રહાર પણ કર્યો અને કહ્યું કે કોંગ્રેસ બે વખત લોકસભા ચૂંટણી હારી ચૂકી છે.

શર્મિષ્ઠા મુખર્જીએ સોમવારે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં આ ટિપ્પણી કરી હતી, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. મુખર્જીએ કહ્યું, 'કોંગ્રેસે માત્ર એક કે બે કારણોસર મહત્વ ગુમાવ્યું નથી. આ કેટલાક વર્ષોના સમયગાળા દરમિયાન થયું. જો કોંગ્રેસે ભારતીય રાજકારણમાં ફરીથી મહત્વ મેળવવું હોય તો તેણે વંશવાદી રાજકારણમાંથી બહાર આવવું જોઈએ. મીડિયા સૂત્રો સાથે વાત કરતી વખતે, શર્મિષ્ઠાએ પણ પોતાની વાતનો પુનરોચ્ચાર કર્યો અને નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.

મુખર્જીએ કહ્યું, 'જુઓ, કોંગ્રેસ માટે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, રાહુલ ગાંધી 2014માં ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયા હતા. 2019માં પણ તેઓ જ ચહેરા તરીકે હતા અને ખરાબ રીતે હારી ગયા હતા. લોકસભાની બે ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. કોઈપણ રાજકીય પક્ષમાં કોઈ પણ લીડર વારંવાર હારતો હોય, તો શું BJPમાં આવું થતે, કોઈના નેતૃત્વમાં કોઈ પક્ષ વારંવાર હારતો હોય તો પક્ષના આગેવાનોએ વિચારવાની જરૂર છે કે, પાર્ટીનો ચહેરો કોણ હશે.'

મીડિયા સૂત્રો સાથે વાત કરતા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે, લોકસભામાં કોંગ્રેસની સીટોની સંખ્યા ઘટી હોવા છતાં પણ રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસની હાજરી ખૂબ જ મજબૂત છે, કારણ કે તે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. તેમણે કહ્યું, 'કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ છે. તેનું સ્થાન નિર્વિવાદ છે. પરંતુ આ હાજરીને કેવી રીતે મજબૂત કરવી? આ પ્રશ્ન છે. પરંતુ આ અંગે વિચારવાનું કામ કોંગ્રેસના નેતાઓનું છે.' શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે, પાર્ટીમાં લોકશાહીની પુનઃસ્થાપના, સભ્યપદ અભિયાન, પાર્ટીની અંદર સંગઠનાત્મક ચૂંટણીઓ અને નીતિગત નિર્ણયોમાં દરેક સ્તરે તળિયાના કાર્યકરોને સામેલ કરવાની જરૂર છે.

નેતૃત્વના પ્રશ્ન પર શર્મિષ્ઠાએ કહ્યું, 'કોંગ્રેસના નેતાઓએ આનો જવાબ આપવો પડશે. પરંતુ કોંગ્રેસ સમર્થક અને જવાબદાર નાગરિક હોવાના કારણે મને પાર્ટીની ચિંતા છે અને ચોક્કસપણે નેતૃત્વ માટે ગાંધી-નેહરુ પરિવારની બહાર જોવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ સમર્થક હોવાને કારણે, પાર્ટી પાસેથી અપેક્ષાઓ અંગે શર્મિષ્ઠાએ કહ્યું, 'કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ કે, શું તે આજે ખરેખર પક્ષની વિચારધારાને આગળ લઈ રહી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp