સંસદમાં ફરી ઉઠ્યો રાહુલ ગાંધીના માઈકનો મુદ્દો, સ્પીકરે કહ્યું- મારી પાસે બટન નથી

PC: khabarchhe.com

NEET પેપર લીકનો મુદ્દો આજે સંસદમાં પણ ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર પાસેથી NEET પેપર લીક પર ચર્ચાની માંગ કરી અને વિપક્ષે સ્થગિત દરખાસ્ત આપી. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો છે. અમે સંસદમાં પક્ષ વિપક્ષની ચર્ચા કરીને વિદ્યાર્થીઓને એક સામાન્ય સંદેશ આપવા માંગીએ છીએ.

લોકસભાના સ્પીકર ઓમ બિરલા તરત જ NEET પર ચર્ચા કરવા સંમત થયા ન હતા. રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા કર્યા પછી સ્પીકર NEET પર ચર્ચા કરવા માંગતા હતા. વિપક્ષના સ્થગિત પ્રસ્તાવને ફગાવી દેવાયા પછી ભારે હોબાળો થયો હતો અને ત્યારપછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ સ્પીકર પાસે બે મિનિટનો સમય માંગ્યો હતો. તેના પર સ્પીકરે કહ્યું કે, તમે માત્ર બે મિનિટ નહીં પરંતુ તમારી પાર્ટીનો જેટલો સમય છે તે તમામ લઈ શકો છો. તમે સંપૂર્ણ વિગતથી બોલજો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તમે વિપક્ષના નેતા છો, સંસદીય મર્યાદાનું પાલન કરો. આ પછી રાહુલ ગાંધીએ કંઈક કહ્યું, જેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, હું માઈક બંધ કરતો નથી, અહીં કોઈ બટન નથી હોતું.

આ દરમિયાન કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ મોટો આરોપ લગાવતા કહ્યું કે, ગૃહમાં રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, 'પેપર લીક થવાથી યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે... NEET પરીક્ષામાં પણ પેપર લીક થાય છે અને સરકાર કંઈ કરતી નથી.. આજે આ લોકોએ ગૃહમાં રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દીધું હતું.'

માઈક બંધ કરવા પર સ્પીકર અને રાહુલ ગાંધી વચ્ચે આ પ્રમાણે ચર્ચા થઈ: સ્પીકરે કહ્યું, તમે ગૃહમાં વિપક્ષના નેતા છો.. તમે સંસદીય મર્યાદાનું પાલન કરશો. રાહુલ ગાંધીએ કહ્યું, NEET મુદ્દો ગંભીર મુદ્દો છે. ત્યારે અન્ય વિપક્ષી સાંસદોએ એકસાથે કહ્યુંઃ રાહુલ જીનો માઈક બંધ છે. ત્યારે સ્પીકરે કહ્યું, મેં પહેલેથી જ કહ્યું છે કે, મારી પાસે માઈક બંધ કરવાનું કોઈ બટન નથી. રાહુલ ગાંધીએ કહ્યું, સાહેબ, કૃપા કરીને મારું માઈક ચાલુ કરી દો. સ્પીકરે કહ્યું, તમે જે કહો છો તે અત્યારે રેકોર્ડ પર નહીં જાય.

કોંગ્રેસે આ મુદ્દે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, 'એક તરફ PM નરેન્દ્ર મોદી NEET પર કંઈ નથી બોલી રહ્યા, તો બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગૃહમાં યુવાનોનો અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ આવા ગંભીર મુદ્દા પર માઈક બંધ કરવા જેવી હલકા પ્રકારનું કૃત્ય કરીને યુવાનોનો અવાજ દબાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

સરકારી સૂત્રોએ કહ્યું, 'રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન સ્થગિત દરખાસ્ત લાવવાની કોઈ પરંપરા નથી, વિપક્ષ બિનજરૂરી માંગણી કરી રહ્યો છે. સરકાર NEETના મુદ્દે બોલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષ NEETનો મુદ્દો ઉઠાવશે, તો સંબંધિત મંત્રી (શિક્ષણ મંત્રી) ધર્મેન્દ્ર પ્રધાન ચોક્કસપણે જવાબ આપશે.'

આ પહેલા, સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'ગઈકાલે તમામ વિપક્ષી પાર્ટીઓના ફ્લોર લીડર્સની એક બેઠક થઈ હતી અને બધા સાથે એ વાત પર સહમતિ થઈ હતી કે, NEETના મુદ્દા પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. હું PM મોદીને વિનંતી કરું છું કે, આ યુવાનોનો મુદ્દો છે અને તેના પર યોગ્ય રીતે ચર્ચા થવી જોઈએ. તમારે પણ ચર્ચામાં જોડાવું જોઈએ, કારણ કે આ યુવાનોની વાત છે. આ સંદેશ સંસદમાંથી જવો જોઈએ કે, ભારત સરકાર અને વિપક્ષ સાથે મળીને વિદ્યાર્થીઓ વિશે વાત કરી રહ્યા છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp