ચૂંટણી હાર્યા બાદ પણ મંત્રી પદના શપથ લેનારા રવનીત સિંહ બિટ્ટુ કોણ?

PC: bjp.org

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ 18મી લોકસભાની રચના થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. તેની સાથે જ તેમના મંત્રીમંડળનો હિસ્સો બનનારા સાંસદોએ પણ મંત્રી પદના શપથ લીધા. શપથ લેનારા સાંસદોમાં રવનીત સિંહ બિટ્ટુનું નામ પણ છે, જે પંજાબથી સિખ ચહેરાના રૂપમાં મોદી સરકારનો હિસ્સો હશે. લોકસભાની ચૂંટણીમાં ભલે રવનીત સિંહ બિટ્ટુ લુધિયાણાથી હારી ગયા હોય, પરંતુ તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે.

ભાજપે પટિયાલાના પૂર્વ સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના પત્ની પરનીત કૌર, અમૃતસરથી હારનારા પૂર્વ રાજનીતિક તરનજીત સિંહ સંધૂ, બંઠીડાથી હારનારા પૂર્વ IAS અધિકારી પરમપાલ કૌર સિદ્ધુ અને ફરીદકોટથી હારનારા સિંગર હંસ રાજ હંસની જગ્યાએ રવનીત સિંહ બિટ્ટુને પસંદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ પંજાબમાં ખાતું પણ ન ખોલી શકી.

કોણ છે રવનીત સિંહ બિટ્ટુ?

3 વખત કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા રવનીત સિંહ બિટ્ટુ પહેલી વખત વર્ષ 2009માં આનંદપુર સાહિબથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2014 અને વર્ષ 2019માં લુધિયાણાથી જીત્યા હતા. હાલમાં જ થયેલી લોકસભાની ચૂંટણી અગાઉ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા, પરંતુ પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વારિંગથી લગભગ 20 હજાર વૉટથી હારી ગયા. રવનીત સિંહ બિટ્ટુએ 5 શહેરી વિસ્તારમાં લીડ હાંસલ કરી, પરંતુ ભાજપ વિરુદ્ધ ખેડૂતોના વિરોધના કારણે ગ્રામીણ વિસ્તારમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.

રવનીત સિંહ બિટ્ટુની ઉંમર માત્ર 11 વર્ષ હતી, જ્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું અને 20 વર્ષની ઉંમરમાં તેમના દાદા અને પંજાબના મુખ્યમંત્રી બેઅન્ત સિંહની 31 ઑગસ્ટ 1995ના રોજ ચંડીગઢમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓએ હત્યા કરી દીધી. વર્ષ 2007માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ રવનીત સિંહ બિટ્ટુ રાજનીતિમાં આવ્યા. આ અગાઉ રવનીત સિંહ બિટ્ટુ એક નાનકડી સિમેન્ટ પ્રોડક્શન યુનિટ ચલાવતા હતા. વર્ષ 2008માં 33 વર્ષની ઉંમરમાં રવનીત સિંહ બિટ્ટુની પંજાબ કોંગ્રેસ યુવા અધ્યક્ષ તરીકે વરણી થઈ હતી.

ખલિસ્તાની સમર્થકોના નિંદાકાર રહ્યા છે રવનીત સિંહ બિટ્ટુ:

લુધિયાણા જિલ્લાના કોટલા અફઘાના ગામથી સંબંધ ધરાવનાર રવનીત સિંહ બિટ્ટુનો પરિવાર કોંગ્રેસી રહ્યો છે. તેઓ ભાજપમાં આવ્યા બાદ પરિવારમાં રાજનીતિક મતભેદ થઈ ગયો છે. તેમના કાકા તેજ પ્રતાપ સિંહ પૂર્વ કેબિનેટ મંત્રી હતા અને તેમના પિતરાઇ ભાઈ ગુરકીરત કોટલી 2 વખતના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. બંને અત્યારે પણ કોંગ્રેસમાં છે અને લોકસભાની ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરી ચૂક્યા છે.

ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી અવાજોના મુખ્ય નિંદાકાર કહેવાતા રવનીત સિંહ બિટ્ટુને ઘણી વખત ધમકીઓ પણ મળી ચૂકી છે. રવનીત સિંહ બિટ્ટુએ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જલાલાબાદથી તત્કાલીન નાયબ મુખ્યમંત્રી સુખબિર સિંહ બાદલ અને તત્કાલીન રાજ્ય AAP પ્રમુખ ભગવંત માન વિરુદ્ધ ચૂંટણી લડી હતી અને ત્રીજા નંબર પર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp