પોતાના જ મુખ્યમંત્રીને હટાવવા BJPના ધારાસભ્યોએ જ PM મોદીને પત્ર લખ્યો
મણિપુરમાં વિરોધ પછી BJPના ધારાસભ્યોએ પણ CM N બિરેન સિંહ વિરુદ્ધ મોરચો ખોલી લીધો છે. પાર્ટીના 19 ધારાસભ્યોએ PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને CM બિરેન સિંહને CM પદેથી હટાવવાની માંગ કરી છે. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં વિધાનસભાના અધ્યક્ષ થોકચોમ સત્યવ્રત સિંહ, મંત્રી થોંગમ વિશ્વજીત સિંહ અને યુમનમ ખેમચંદ સિંહનો સમાવેશ થાય છે.
આ પહેલા 19 નવેમ્બરે દિલ્હીમાં મણિપુરના BJPના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પહેલીવાર પાર્ટીના મૈતેઈ, કુકી અને નાગા ધારાસભ્યોએ ભાગ લીધો હતો. બેઠક પછી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ 20 નવેમ્બરે PM મોદીને પત્ર સોંપ્યો હતો. અહેવાલો અનુસાર, પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મણિપુરના લોકો BJPની આગેવાનીવાળી સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે કે, રાજ્યમાં અત્યાર સુધી શા માટે શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. તેનો ઉકેલ જલ્દીથી શોધવો પડશે, કારણ કે લોકોએ તેમના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યોના રાજીનામાની માંગ પણ શરૂ કરી દીધી છે.
ધારાસભ્યોએ પત્રમાં વધુમાં લખ્યું છે કે, 'અમે BJPના ઉત્સાહી સમર્થકો છીએ. અમને લોકોએ જનાદેશ આપ્યો છે. તેથી, મણિપુરને બચાવવાની સાથે સાથે રાજ્યમાં BJPને પતનથી બચાવવાની જવાબદારી અમારી છે. ધારાસભ્યોનું માનવું છે કે, બંને સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો CM બિરેન સિંહને હટાવવાનો છે.'
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મણિપુરની સમસ્યા માત્ર સુરક્ષા દળો મૂકી દેવાથી ઉકેલાશે નહીં. જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો, એક દેશ તરીકે ભારતની છબી કલંકિત થશે. ધારાસભ્યોએ સમાધાન અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે તમામ પક્ષો સાથે વાતચીતની હિમાયત કરી હતી. તેમણે PM મોદીને વિનંતી કરી છે કે, તેઓ વાટાઘાટોમાં અવરોધરૂપ કારણોની તપાસ કરે અને ચર્ચા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે.
પત્રના અંતમાં, ધારાસભ્યોએ ચેતવણી આપતા લખ્યું છે કે, ખૂબ મોડું થાય તે પહેલાં, તેઓ મણિપુરની સુરક્ષા માટે તમામ હિતધારકો સાથે શાંતિ વાટાઘાટોની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 2 મેથી મણિપુરમાં હિંસક અથડામણ અટકી નથી. Meitei અને Kuki સમુદાયો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો ઉપસ્થિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp