38 વર્ષ અગાઉ કોર્ટમાં કરી હતી છૂટાછેડાની અરજી, બાળકોના લગ્ન બાદ આવ્યો નિર્ણય

PC: hindustantimes.com

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી એક દંપતીને છૂટાછેડા માટે 38 વર્ષની રાહ જોવી પડી. વર્ષ 1985માં પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી નાખી હતી. એ જ અરજી પર હવે નિર્ણય આવ્યો છે. કોર્ટે બંનેને છૂટાછેડાની મંજૂરી આપી દીધી છે. એ પણ 38 વર્ષ બાદ. રાહ એટલી લાંબી જોવી પડી કે છૂટાછેડાની અરજી કરનારા એન્જિનિયરના બાળકોના પણ લગ્ન થઈ ચૂક્યા છે. આવો આ આર્ટિકલમાં જાણીએ શું છે આખો મામલો અને આ દંપતીના છૂટાછેડામાં એટલો સમય કેમ લાગી ગયો.

પત્ની સાથે છૂટાછેડા માટે આ કેસ ભોપાલ કોર્ટથી શરૂ થયો હતો. ત્યારબાદ વિદિશા ફેમિલી કોર્ટ, ગ્વાલિયરની ફેમિલી કોર્ટ, પછી હાઇ કોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી ચાલ્યો. રિટાયર્ડ એન્જિનિયર ભોપાલનો રહેવાસી છે, જ્યારે તેની પત્ની ગ્વાલિયરની રહેવાસી છે. ઍન્જિનિયરને હવે 38 વર્ષ બાદ પહેલી પત્ની સાથે વિધિવત છૂટાછેડાની મંજૂરી મળી છે. પહેલી પત્ની સાથે આ રિટાયર્ડ એન્જિનિયરના લગ્ન વર્ષ 1981માં થયા હતા. પરંતુ પત્નીને બાળકો ન થવાના કારણે વર્ષ 1985માં અલગ થઈ ગયા હતા.

4 વર્ષ સુધી બાળકો ન હોવા પર જુલાઇ 1985માં પતિએ ભોપાલમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ તેનો દાવો ફગાવી દેવામાં આવ્યો. ત્યારબાદ પતિએ વિદિશા કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. તેની વિરુદ્ધ ડિસેમ્બર 1989માં પત્નીએ સંબંધોની પુનર્સ્થાપના માટે ફેમિલી કોર્ટ ગ્વાલિયરમા અરજી કરી. પતિ અને પત્નીની એક-બીજા વિરુદ્ધ અપીલોના કારણે આ કેસ લાંબા સમય સુધી કોર્ટમાં ફરતો રહ્યો. પતિની છૂટાછેડાની અરજી પર કોર્ટે એકપક્ષીય કાર્યવાહી કરતા પતિને છૂટાછેડા લેવાનો અધિકારી માન્યો અને તેના પક્ષમાં નિર્ણય આપી દીધો, પરંતુ પહેલી પત્નીએ છૂટાછેડાના આદેશ વિરુદ્ધ અપીલ કરી હતી, જે કોર્ટમાં સ્વીકારવામાં આવી.

એપ્રિલ 2000માં પતિનો વિદિશામાં લંબિત છૂટાછેડાનો કેસ કોર્ટે ફગાવી દીધો. ત્યારબાદ પતિએ હાઇ કોર્ટેમાં અપીલ કરી. હાઇ કોર્ટે પતિની અપીલ વર્ષ 2006માં ફગાવી દીધી. તેની વિરુદ્ધ પતિએ સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરી, પતિની SLP પણ સુપ્રીમ કોર્ટથી વર્ષ 2008માં ફગાવી દેવામાં આવી હતી. પતિએ ફરી છૂટાછેડા માટે વર્ષ 2008માં અરજી કરી. જુલાઇ 2015માં વિદિશા કોર્ટે પતિની અરજી નકારી દીધી હતી. ત્યારબાદ તેણે હાઇ કોર્ટની ગ્વાલિયર બેન્ચમાં અપીલ દાખલ કરી હતી. અંતતઃ 38 વર્ષોની રાહ જોયા બાદ હાઇ કોર્ટથી બંનેને છૂટાછેડા મળી ગયા. પતિ-પત્ની બંનેમાં અણબનાવ હોવાના કારણે બંને અલગ-અલગ રહેતા હતા. વર્ષ 1990માં પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. બીજી પત્ની સાથે આ રિટાયર્ડ એન્જિનિયરના બે બાળકો પણ છે, જેમના લગ્ન પણ થઈ ગયા છે.

38 વર્ષની કાયદાકીય લડાઈ બાદ અંતે પતિ અને પહેલી પત્ની સહમતીથી છૂટાછેડા માટે રાજી થઈ ગયા છે. હાઇ કોર્ટે પતિને આદેશ આપ્યો પહેલી પત્નીને 12 લાખ રૂપિયા ચૂકવશે. મહિલાના પિતા પોલીસમાં અધિકારી હતા. તે ઈચ્છતો હતો કે દીકરીનો પરિવાર ન તૂટે. એટલે મહિલા વારંવાર કોર્ટમાં છૂટાછેડા રોકવાની અપીલ કરી રહી હતી, પરંતુ મહિલાના ભાઈઓ દ્વારા સમજાવ્યા બાદ પતિ-પત્ની સહમતીથી છૂટાછેડા લેવા માટે રાજી થઈ ગયા. હાઇ કોર્ટે રિટાયર્ડ એન્જિનિયરને આદેશ આપ્યો કે તે પત્નીને છૂટાછેડાના રૂપમાં 12 લાખ રૂપિયાનું ભરણ-પોષણ ભથ્થું આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp