22 વર્ષ પછી જોગી બની ઘરે પાછો ફર્યો દીકરો નીકળ્યો ઠગ, પિંકુ નીકળ્યો નફીસ

PC: navbharattimes.indiatimes.com

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાનો એક હૃદયસ્પર્શી વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. તેમાં જોગીના વેશમાં એક યુવક સારંગી વગાડતા ગીતો ગાતો જોવા મળ્યો હતો. યુવક 22 વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયો હતો અને હવે જોગી બનીને પાછો ફર્યો હોવાનું બહાર આવ્યું છે. પુત્રને પરત મળતા પરિવારજનો હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. જોકે વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ છે. હવે એ વાત સામે આવી છે કે, જે વ્યક્તિ જોગીના રૂપમાં ઘરે પરત ફર્યો હતો તે પરિવારનો પુત્ર પિંકુ નહીં પરંતુ ઠગ નફીસ છે.

મામલો જાયસ પોલીસ સ્ટેશન વિસ્તારના ખરૌલી ગામનો છે. આ જગ્યાનો રહેવાસી રતિપાલ સિંહ તેની પત્ની અને એક પુત્ર પિંકુ સાથે દિલ્હીમાં રહેતો હતો. દરમિયાન તેની પત્નીનું મૃત્યુ થયું હતું. રતિપાલ સિંહે ભાનુમતી સાથે લગ્ન કર્યા. ત્યારબાદ વર્ષ 2002માં પિંકુ ગાયબ થઈ ગયો. તે સમયે પિંકુની ઉંમર માત્ર 11 વર્ષની હતી. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ પિંકુ મળ્યો ન હતો.

22 વર્ષ પછી એક જોગીએ કથામાં પ્રવેશ કર્યો. તે પોતાને પિંકુ કહીને અમેઠી પહોંચ્યો હતો. પરિવારને મળ્યો અને ગીતો વગાડ્યા. તેણે કહ્યું કે તેણે સન્યાસ લઇ લીધો છે અને તે ઝારખંડમાં પારસનાથ મઠ પરત ફરશે. પહેલા તો પરિવારજનો તેમના પુત્રના જતા રહેવાથી દુ:ખી થયા હતા, પરંતુ ત્યાર પછી સંમત થયા હતા.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, જોગીએ પરિવારને એક વાર્તા સંભળાવી. તેણે કહ્યું કે તેના ગુરુએ તેને અયોધ્યા જવા અને પરિવારના સભ્યો પાસેથી ભિક્ષા લેવા કહ્યું હતું. ગ્રામજનોએ મળીને તેને 13 ક્વિન્ટલ અનાજ ભિક્ષા તરીકે આપ્યું. ફોઈએ પણ 11 હજાર રૂપિયા આપ્યા. સંપર્કમાં રહેવા માટે ફોન નંબર પણ આપવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીએ જોગીએ ગામ છોડી દીધું.

થોડા દિવસો પછી, તેણે ફોન પર કહ્યું કે, તે ઘરે પરત ફરવા માંગે છે જેના માટે તેણે મઠને 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પુત્રને પાછો મેળવવા પિતાએ પોતાની જમીન વેચી દીધી. તેણે પિંકુને કહ્યું કે તે મઠમાં આવીને પૈસા આપી દેશે. પિંકુ તેના પિતાને મઠમાં આવતા અટકાવવા માટે ઘણા બહાના કરવા લાગ્યો. બેંક અથવા UPI દ્વારા પૈસા મોકલવાનું કહ્યું. પરિવારને આ વાત પર શંકા ગઈ અને પૂછપરછ શરૂ કરી.

ઝારખંડમાં પારસનાથ નામનો કોઈ મઠ ન હોવાનું બહાર આવ્યું હતું. આ પછી રતિપાલે જાયસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી. જોગી બનેલો યુવક પિંકુ નહીં પણ નફીસ હોવાનું બહાર આવ્યું હતું. અને પરિવાર સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આરોપીએ બિહારના દરભંગામાં રહેતા શાહિદના પરિવારને પણ નિશાન બનાવ્યો છે. સમાચાર છે કે તે બે મહિના પહેલા જ ત્યાં ગયો હતો. તેણે પોતાને દિલ્હીથી ગુમ થયેલા પરિવારનું બાળક કહેવાનું શરૂ કર્યું અને 2 લાખ રૂપિયાની માંગણી કરી. તેણે જણાવ્યું કે તે ગોરખપુરના મઠમાં રહે છે. જો કે પરિવારે પૈસા ન ચુકવ્યા, ત્યાર પછી આરોપી ફરાર થઈ ગયો હતો. નફીસનો ભાઈ રશીદ પણ કથિત રીતે આવા જ કામમાં વ્યસ્ત છે. આરોપ છે કે, જુલાઈ 2021માં તેણે 14 વર્ષ પહેલા ખોવાઈ ગયેલા પુત્ર બતાવીને પરિવાર સાથે લાખોની છેતરપિંડી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp