રોહતાશે એક કલાકમાં આટલી પુશઅપ્સ લગાવીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

PC: twitter.com/DCPSouthDelhi

'બૉક્સિંગનું મારું કરિયર ધીરે ધીરે આગળ વધી રહ્યું હતું. ભરોસો હતો કે દેશ માટે ક્યારેક ને ક્યારેક મેડલ જીતીને લાવીશ, પરંતુ પછી વર્ષ 2007માં થયેલા અકસ્માતે બધુ જ બદલી દીધું. હવે મારું ઉઠવા-બેસવાનું પણ મુશ્કેલ હતું. સંબંધી-પાડોશી જે દીકરા દીકરા કહેતા હવે તેઓ બિચારો બિચારો કહેવા લાગ્યા હતા. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત પોતાનું નામ નોંધાવી ચૂકેલા રોહતાશ ચૌધરી પોતાની જૂની વાતો યાદ કરતા આજે પણ ભાવુક થઈ જાય છે. પોતાની ઓળખ સાથે જોડાયેલા બિચારા શબ્દને હટાવવાનુ રોહતાશ ચૌધરીએ મન બનાવી લીધું હતું.

તેના દૃઢ નિશ્ચયનું જ પરિણામ છે કે રોહતાશ આજે ન માત્ર ફિટ છે, પરંતુ નવો ગિનીઝ રેકોર્ડ પણ કાયમ કરી લીધો છે. દિલ્હીના ખાનપુરમાં રહેનારા રોહતાશે 12 જાન્યુઆરીના રોજ 1 કલાક (3600 સેકન્ડ)માં 743 પુશઅપ્સ લગાવી. જો તમને એ સરળ લાગી રહ્યું છે તો જાણી લો આ દરમિયાન પીઠ પર 37 કિલો 100 ગ્રામ (લગભગ 80 LB) વજન પણ હતું. હવે કમર પર લગભગ 37 કિલો વજન લાદીને એક કલાકમાં સૌથી વધુ પુશઅપ્સ લગાવવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ રોહતાશ ચૌધરીના નામે થઈ ગયો છે.

આ અગાઉ આ રેકોર્ડ સ્પેનના એક વ્યક્તિના નામે હતો. તેણે 36 કિલો 500 ગ્રામ વજન કમર પર લાદીને એક કલાકમાં 537 પુશઅપ્સ લગાવી હતી. રોહતાશે જણાવ્યું કે, રેકોર્ડ અટેમ્પટ માટે 12 જાન્યુઆરીને એટલે પસંદ કરી કેમ કે એ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ પણ હતો. રોહતાશે જણાવ્યું કે, વર્ષ 2007માં જે તેનો અકસ્માત થયો હતો, તેનાથી રિકવર કરવામાં તેને લગભગ દોઢ વર્ષનો સમય લાગી ગયો. ત્યારબાદ તે બોક્સિંગ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યો. પછી વર્ષ 2011થી તેણે ફરી પોતાના શરીર પર કામ કરવાનું શરૂ કર્યું.

શું અગાઉ પણ કંઈક એવું ટ્રાઇ કર્યું હતું? આ સવાલ પર રોહતાશે કહ્યું કે, 'મેં આ અગાઉ પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. વર્ષ 2016માં મેં યોગ દિવસ પર એક મિનિટમાં 51 પુશઅપ્સ કરીને ગિનીઝ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારે પણ 36 કિલો વજન મારી પીઠ પર હતું. આ અગાઉ આ રેકોર્ડ ઈંગ્લેન્ડના વ્યક્તિના નામે હતો, તેણે એક મિનિટમાં 38 પુશઅપ્સ લગાવી હતી. રોહતાશે પોતાનો ગિનીઝ રેકોર્ડ દિલ્હી પોલીસને સમર્પિત કરી દીધો છે. દિલ્હી પોલીસના અકાઉન્ટ પરથી તેને ટ્વીટ કરવામાં આવી છે. રોહતાશ કહે છે કે કોરોના દરમિયાન 79 પોલીસકર્મી ડ્યૂટી કરતા શહીદ થયા હતા. G20માં પોલીસકર્મીઓએ તનતોડ મહેનત કરી. એટલે હું આ રેકોર્ડ તેમને સમર્પિત કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp