રાષ્ટ્રવિરોધી નારા લગાવવા પર આટલા રૂ. દંડ, JNUમાં નવા નિયમો? મશાલ રેલી કાઢી

PC: jagran.com

દિલ્હીમાં સ્થિત દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. ક્યારેક વિદ્યાર્થીઓ પર દેશવિરોધી સૂત્રોચ્ચાર કરવાના આક્ષેપો થાય છે તો, ક્યારેક પ્રતિબંધિત ફિલ્મના સ્ક્રીનિંગની પણ અહીં ચર્ચા થાય છે. હવે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ફરી એકવાર સમાચારોમાં ચમકી છે અને આ વખતે અહીં વિદ્યાર્થીઓએ મશાલ સરઘસ કાઢ્યું છે. હકીકતમાં, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી મેનેજમેન્ટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે, જેના વિરુદ્ધ વિદ્યાર્થીઓએ શનિવારે મશાલ સરઘસ કાઢ્યું હતું. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન જેવા કે, AISA, SFI અને NSUI સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થી સંગઠનો અને હોસ્ટેલ પ્રમુખોએ મશાલ સરઘસ કાઢ્યું હતું.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ચીફ પ્રોક્ટર કચેરીના મેન્યુઅલનો વિરોધ કરી રહ્યા હતા અને તેને સરમુખત્યારશાહી ગણાવી રહ્યા હતા. નવા નિયમો અનુસાર હવે JNUના પ્રતિબંધિત વિસ્તારોમાં વિરોધ કરવા પર વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાથી વધુ અને રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ નવા નિયમોનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ 'CPO મેન્યુઅલ પાછું લો' અને 'દંડ રાજ બંધ કરો' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગંગા ઢાબા પાસે એકઠા થયા અને ચંદ્રભાગ હોસ્ટેલ સુધી કૂચ કરી હતી.

JNUSUએ કહ્યું કે CPO મેન્યુઅલ સામે તેમનો વિરોધ ચાલુ રહેશે અને જો તેને પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાળ પર પણ જશે. વિદ્યાર્થી સંગઠને કહ્યું કે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની પરંપરા બની ગઈ છે કે, વિદ્યાર્થી સંગઠનો તાનાશાહી નિયમો સામે લડે છે અને વિદ્યાર્થી સંગઠનો પોતાનો અવાજ ઉઠાવતા રહ્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આયશી ઘોષે કહ્યું, 'અમે CPO મેન્યુઅલનો વિરોધ કરીશું અને જો જરૂર પડશે તો અમે ભૂખ હડતાળ પર પણ બેસીશું. જેથી યુનિવર્સિટીમાં લોકશાહીનું રક્ષણ થઈ શકે.

વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે, તેઓ ટૂંક સમયમાં નવા નિયમો વિરુદ્ધ તેમની યોજનાની જાહેરાત કરશે. તેઓ યુનિવર્સિટી પ્રશાસનને સહકાર આપશે નહીં. જો કે, આયશી ઘોષે મીડિયા સૂત્રોને જણાવ્યું છે કે, વિદ્યાર્થી સંગઠને આ મુદ્દાને ઉકેલવા માટે યુનિવર્સિટી પ્રશાસન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખ્યા છે. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે લાંબા સમય સુધી આંદોલન કરતા રહીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp