RSSમાં મહિલાઓની એન્ટ્રી, મુસ્લિમો વચ્ચે ઇમેજ સુધારવાની તૈયારી, 6 પોઈન્ટમાં સમજો

PC: organiser.org

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક હરિયાણાના પાનીપતમાં થઈ રહી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે RSS ગઠનના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. શતાબ્દી વર્ષ માટે સંઘ સંગઠનના વિસ્તાર અને સામાજિક સમરસતાનો માહોલ બનાવવાના એજેન્ડા પર આગળ વધશે. અહીં સંઘ પોતાની શાખાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને મુસલમાનોને શિક્ષિત કરવા પર પણ મંથન કરવાનું છે. પ્લાન બનાવીને RSS આ મિશનને પૂર્ણ કરવાની કવાયદ કરી રહ્યું છે.

સંઘ મહિલાઓની વધારશે ભાગીદારી

RSS મહિલાઓ માટે પોતાના દરવાજા ખોલવા જઈ રહ્યું છે. સંઘની શાખાઓમાં મહિલા સ્વયંસેવક પણ દેખાઈ શકે છે. આ વાતના સંકેત અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સંઘના સહ સરકાર્યવાહક ડૉ. મનમોહન વૈધે આપ્યા છે. તેમણે મીડિયાને કહ્યું કે, મહિલાઓના શાખામાં જોડાવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં તેના પર વિચાર કરવામાં આવશે અને તેને બાદમાં જણાવવામાં આવશે. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે, મહિલાઓ માટે શાખાઓ અલગ હશે કે પછી સંગઠન જ અલગ હશે.

મહિલા વિરોધી છબિને તોડવાનો પ્રયત્ન

RSS પર મહિલા વિરોધી હોવાનો આરોપ લાગતો રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ સમય-સમય પર સંઘ પર આરોપ લગાવતી રહી છે કે આ સંઘ ખોટી વિચારસરણી ધરાવે છે અને તેમનું હિંદુ રાષ્ટ્રનું સપનું હિંદુસ્તાનની એકતા માટે જોખમી છે. શાખાઓમાં મહિલાઓને જોડવાનો મુદ્દો ત્યારે ગરમાયો હતો જ્યારે રાહુલ ગાંધીએ તેને લઈને સંઘ પર નિશાનો સાધ્યો હતો. ગુજરાતમાં મહિલાઓની એક સભામાં તેમણે પૂછ્યું હતું કે, શું તેમણે સંઘની શાખાઓમાં કોઈ મહિલાને શૉર્ટ્સ પહેરેલી જોઈ છે. RSS પર મહિલા વિરોધી હોવાનો આરોપ સમય-સમય પર રાહુલ ગાંધી અને તેમની પાર્ટી કોંગ્રેસ લગાવતી રહી છે.

રસપ્રદ વાત એ છે કે, રાષ્ટ્ર સેવિકા સમિતિ, એબીવીપી, દુર્ગા વાહિની, ભારત વિકાસ પરિષદ જેવા સંગઠનોમાં મોટી સંખ્યામાં મહિલાઓ હોવા છતા RSS પર મહિલા વિરોધી હોવાનો આરોપ લાગતો રહ્યો છે પરંતુ, સંઘ હરિયાણાની બેઠકમાં મહિલાઓને ડાયરેક્ટ શાખામાં જોડવાનો એક મોટો નિર્ણય લેવાવાનો છે, જે વિરોધીઓને મોટા જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે.

જોકે, RSS પહેલા જ પુણેમાં પરિવાર શાખાઓનું આયોજન ખૂબ જ પહેલા શરૂ કરી ચુક્યુ છે અને યુરોપ, અમેરિકામાં આ પરિવાર શાખાઓ છે. મળતી જાણકારી અનુસાર, પરિવાર શાખાના આયોજનની અવધારણા વર્તમાનમાં સંઘના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબાલે લાવ્યા હતા, જેના દ્વારા મહિલાઓને શાખા સાથે જોડવાની રણનીતિ છે. આ પહેલા સુધી શાખાઓમાં મહિલાઓને જોડવા અંગે સંઘ ના પાડતું આવ્યું છે કારણ કે, તેની પાછળ મોટું કારણ મધ્યમ અને નિમ્નવર્ગની મહિલાઓના પરિવારોમાં કામકાજની સ્થિતિ માનવામાં આવી રહી છે પરંતુ, સમયની સાથે સમાજમાં પણ બદલાવ આવ્યો તો સંઘ પણ પોતાને બદલી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા સંઘમાં આ મોટો બદલાવ જોવા મળી શકે છે.

મુસ્લિમોમાં ફેલાવો કરવાની કવાયદ

અલ્પસંખ્યક સમુદાયની વચ્ચે સંઘ પોતાના વિસ્તાર માટે સંપર્ક અને સંવાદ કાર્યક્રમ કરી રહ્યું છે. દરેક સમાજની ધાર્મિક આસ્થા પ્રમાણે તેમની સાથે સંવાદ વધારવા અને તેમના કાર્યક્રમોમાં સામેલ થવુ. ખ્રિસ્તીથી લઈને મુસ્લિમ સમુદાયના ધર્મ ગુરુઓ અને બુદ્ધિજીવીઓની સાથે સંઘના લોકો મળી રહ્યા છે. હરિયાણામાં સંઘની થઈ રહેલી બેઠકમાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સહયોગથી સમુદાયના વિવિધ ક્ષેત્રોના પ્રમુખ લોકો સાથે સંવાદ વધારવા પર વાતચીત થશે. સંઘ પ્રત્યે જે ભ્રમણાઓ છે, તેને દૂર કરવામાં આવશે અને રાષ્ટ્ર-સમાજ માટે એકસાથે કામ કરવાના સમન્વય પર ચર્ચા થશે.

PM મોદી પણ હૈદરાબાદ અને નવી દિલ્હીમાં BJPની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં સ્પષ્ટ કહી ચુક્યા છે કે બોહરા અને પસમાંદા મુસ્લિમોને પાર્ટી સાથે જોડવા માટે વધુમાં વધુ સંપર્ક કરવો જોઈએ. BJP યુપી અને બિહારમાં ઘણા પસમાંદા સંમેલન કરી ચુક્યુ છે. પાર્ટી તમામ પસમાંદા નેતાઓને રાજકીય મહત્ત્વ પણ આપી રહી છે. આ પ્રકારે સંઘ અને BJP બંને જ પોતપોતાના સ્તર પર મુસ્લિમોની વચ્ચે પોતાની પકડ જમાવી રહ્યા છે.

મિશન 2024 અને ચૂંટણી વર્ષ પર ફોકસ

RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કર્ણાટકમાં ચૂંટણીઓ યોજાવાની છે અને વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિત છ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને 2024નું સેમિફાઇનલ માનવામાં આવી રહ્યું છે કારણ કે, ત્યારબાદ જ આવતા વર્ષે લોકસભા ચૂંટણી છે. સંઘ નિશ્ચિતરીતે ઈચ્છશે કે જ્યારે 2025માં તેમના ગઠનના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તો તેમની વિચારધારાવાળી પાર્ટી દેશની સત્તા પર રહે. માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી રાજ્યોમાં સંઘના પ્રતિનિધિના રૂપમાં BJPમાં કામ કરી રહેલા નેતાઓની ભૂમિકામાં પણ પરિવર્તન કરવા અંગે ચર્ચા થઈ શકે છે.

સંઘનો વિસ્તાર કરવાનો પ્લાન

સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યે કહ્યું કે, 2025માં સંઘ પોતાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. વર્તમાનમાં સંઘ 71355 સ્થાનો પર પ્રત્યક્ષરીતે કાર્ય કરી રહ્યું છે અને આવનારા એક વર્ષ સુધી એક લાખ સ્થાનો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. 2020માં આવેલી કોરોના આપત્તિ બાદ પણ સંઘ કાર્ય વધ્યું છે. 2020માં 38913 સ્થાનો પર 62491 શાખા, 20303 સ્થાનો પર સાપ્તાહિક મિલન તેમજ 8732 સ્થાનો પર માસિક મંડળી ચાલી રહી હતી. 2023માં આ સંખ્યા વધીને 42613 સ્થાનો પર 68651 શાખાઓ, 26877 સ્થાનો પર સાપ્તાહિક મિલન અને 10412 સ્થાનો પર માસિક મંડળી સુધી પહોંચી ગઈ છે. સંઘ દ્રષ્ટિથી દેશભરમાં 911 જિલ્લા છે, જેમાંથી 901 જિલ્લાઓમાં સંઘનું પ્રત્યક્ષ કાર્ય ચાલે છે. 6663 ખંડોમાંથી 88 ટકા ખંડોમાં 59326 મંડળોમાંથી 26498 મંડળોમાં સંઘની પ્રત્યક્ષ શાખાઓ ચાલે છે. શતાબ્દી વર્ષમાં સંઘ કાર્યને વધારવા માટે સંઘના નિયમિત પ્રચારકો તેમજ વિસ્તારકોના વધારાના 1300 કાર્યકર્તા બે વર્ષ માટે શતાબ્દી વિસ્તારક નીકળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp