રૂદ્રાક્ષ,ત્રિપુંડ,ભગવા પોશાક, કાશી મંદિરમાં ભક્તો વચ્ચે આ રીતે પોલીસ હાજર રહેશે

PC: twitter.com

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા રેકોર્ડ તોડ વધારો થઇ રહ્યો છે. આ અંગે પોલીસ કમિશનરેટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કાશી વિશ્વનાથના ગર્ભગૃહમાં પોલીસકર્મીઓનો પહેરવેશ પૂજારીઓ જેવો હશે. અહીં તૈનાત સુરક્ષાકર્મીઓ ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ત્રિપુંડ અને ભગવા પોશાક પહેરેલા જોવા મળશે.

હાલમાં મંદિરમાં જે રીતે પોલીસ તૈનાત છે, તેના કારણે દૂરદૂરથી આવતા ભક્તોને ધક્કા મુક્કીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત તેમની સાથે ખરાબ વ્યવહાર થયાની ફરિયાદો પણ મળી રહી હતી. આની નોંધ લેતા વારાણસીના પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે નિર્ણય લીધો છે કે, મંદિરની પોલીસિંગની એક અલગ વ્યવસ્થા હોવી જોઈએ, જેના માટે કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં ખાસ કરીને પુજારીઓના વેશમાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે.

કમિશનરે કહ્યું કે, ભક્તો સામાન્ય રીતે પૂજારીની વાત સરળતાથી સ્વીકારી લે છે. તેથી, આવા સ્થળોએ, પોલીસકર્મીઓ પૂજારીના વેશમાં આવશે. તેમણે કહ્યું કે, અહીં તૈનાત પોલીસ કર્મચારીઓ ભક્તોને માર્ગદર્શન પણ આપશે કે, તેઓએ બાબા વિશ્વનાથના દર્શન માટે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે ભીડ દરમિયાન ભક્તો મંદિરની ઝગમગાટમાં ખોવાઈ જાય છે અને સારી રીતે બાબા વિશ્વનાથના દર્શન કરી શકતા નથી.

પોલીસ અધિકારીએ કહ્યું કે, એવું નથી કે, તમામ પોલીસકર્મીઓ પૂજારીના વેશમાં હશે. કેટલાક પોલીસકર્મીઓ તેમના યુનિફોર્મમાં તૈનાત રહેશે અને મહિલા પોલીસકર્મીઓ મહિલાઓને દર્શન કર્યા પછી આગળ વધવાની અપીલ કરતી રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, આ નવા પ્રયોગમાં 'નો ટચ' પોલિસી પણ અમલમાં હશે, કારણ કે સામાન્ય રીતે પોલીસકર્મીઓ VIP મૂવમેન્ટ દરમિયાન ભક્તોને ત્યાંથી હટાવી દે છે. આનાથી તેમને દુઃખ થાય છે અને તેઓ નકારાત્મક વિચારો સાથે મંદિર છોડી દે છે.

કમિશનર મોહિત અગ્રવાલનું કહેવું છે કે, આનાથી બચવા માટે VIP મુવમેન્ટ દરમિયાન દોરડા વડે સર્કલ બનાવવામાં આવશે. આ સાથે, ભક્તો ધક્કો માર્યા વિના આપોઆપ ચોક્કસ અંતરે રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવશે કારણ કે મંદિરમાં ફરજ બજાવવી અને પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવવી બંન્ને સંપૂર્ણપણે અલગ છે.

મંદિરમાં તૈનાત કરાયેલા પોલીસકર્મીઓને મૃદુભાષી હોવાની સાથે અન્ય ભાષાઓનું જ્ઞાન પણ થોડું થોડું આપવામાં આવશે, જેથી કરીને તેઓ અન્ય રાજ્યોમાંથી આવતા ભક્તોને સમજાવી શકે. આ માટે પ્રશાસન દ્વારા મંદિરમાં હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, તાલીમ દરમિયાન પોલીસકર્મીઓને કાશીના મહત્વના સ્થળો વિશે પણ જણાવવામાં આવશે અને તેમને ભક્તોને આપવા માટે પેમ્ફલેટ પણ આપવામાં આવશે. આનાથી તેઓ ભક્તોની જિજ્ઞાસાને સંપૂર્ણપણે સંતોષી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp