100 કરોડના કેસમાં CM કેજરીવાલની ધરપકડ, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

PC: indiatoday.in

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આબકારીનીતિ કૌભાંડ કેસમાં ઘેરાતા નજરે પડી રહ્યા છે. દિલ્હી હાઇ કોર્ટે આ કેસમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કેજરીવાલને ધરપકડથી રાહત નહી મળે. આ દરમિયાન EDનો શકંજો કેજરીવાલ પર કસાતો જઇ રહ્યો છે. ગુરૂવારની સાંજે EDની ટીમે પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ કરી. ED કેજરીવાલને 9 વખત સમન્સ મોકલી ચૂકી હતી.

જો કેજરીવાલની સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ નેટવર્થ 3.44 કરોડ રૂપિયા છે. કેશના મામલે તેમની પાસે માત્ર 12,000 અને પત્ની પાસે 9,000 રૂપિયા છે. તેમના પરિવારમાં 6 બેંક અકાઉન્ટ છે, જેમાં કુલ 33.29 લાખ રૂપિયા જમા છે. કેજરીવાલ ઉપર કોઈ દેવું નથી. આવો જાણીએ ઍસેટ ક્યાં ક્યાં છે? વર્ષ 2020ના ચૂંટણી એફિડેવિટ મુજબ, મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની પાસે 32 લાખ રૂપિયાનું 320 ગ્રામ સોનું અને 40 હજાર રૂપિયાનું એક કિલો ચાંદી હતું.

તો તેમની પત્નીના નામે મ્યૂચ્યુઅલ ફંડમાં 15.31 લાખ રૂપિયા જમા છે. કેજરીવાલના નામે કોઈ વાહન નથી, પરંતુ તેમના પત્નીના નામે 6.20 લાખ રૂપિયાની મારુતિ બલેનો છે. હરિયાણાના ગુરુગ્રામમાં અરવિંદ કેજરીવાલની પત્નીના નામે એક આલીશાન ઘર છે, જેને તેમણે વર્ષ 2010માં ખરીદ્યું હતું. વર્ષ 2020માં એ ઘરની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા આંકવામાં આવી. જ્યારે આ ઘરને ખરીદવામાં આવ્યું હતું, એ સમયે તેની કિંમત 60 લાખ રૂપિયા હતી.

myneta.info મુજબ, અરવિંદ કેજરીવાલના નામે ગાઝિયાબાદ અને હરિયાણામાં નોન એગ્રીકલ્ચર લેન્ડ છે, જેની કિંમત વર્ષ 2020 મુજબ 1.77 કરોડ રૂપિયા છે. કેજરીવાલ ઉપર કોઈ દેવું નથી. તેમણે કોઈ પણ બેંક કે ફાઇનાન્સ કંપનીઓ પાસે પર્સનલ લોન પણ નથી લીધી. એ સિવાય LIC અને કોઈ અન્ય સરકારી યોજનાઓ જેમ NSC, પોસ્ટલ સેવિંગ કે વીમામાં પણ રોકાણ કર્યું નથી. જો કે, તેમની પત્નીના નામે PPF અકાઉન્ટમાં 13 લાખ રૂપિયા જમા છે. મુખ્યમંત્રી કેજરીવાલે વર્ષ 1989માં IIT ખડગપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગથી B.Techની ડિગ્રી લીધી હતી. તેમનો મતવિસ્તાર ચાંદની ચોક છે. તેમના પત્ની એક રિટાયર્ડ કર્મચારી છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની આબકારીનીતિ 2021-22માં કથિત કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલી ED અત્યાર સુધી 9 સમન્સ જાહેર કરી ચૂકી હતી. કેજરીવાલને ગયા વર્ષે 2 નવેમ્બરે પહેલું સમન્સ મોકલ્યું હતું. આ સમન્સ PMLA હેઠળ જાહેર કરવામાં આ હતું. કહેવામાં આવી રહ્યું છે કે, કેસ લગભગ 100 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડ સાથે જોડાયેલો છે. આ કેસમાં અત્યાર સુધી મનીષ સિસોદિયા, સંજય સિંહ , સંચાર પ્રભારી વિજય નાયર અને કવિતાની ધરપકડ થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp