સંજય રાઉતની મોટી જાહેરાત, કહ્યું- શિવસેના MVA ગઠબંધનમાંથી નીકળવા માટે તૈયાર,પણ..

PC: twitter.com

મહારાષ્ટ્રમાં આજે પણ રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. બીજા ઘણા ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. આનાથી ઠાકરે વધુ નબળા પડ્યા છે. આ પહેલા ગઈકાલે સીએમ ઉદ્ધવ ઠાકરે તેમના મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી નીકળીને માતોશ્રી (તેમના ઘર) પર પહોંચ્યા હતા. ઠાકરેએ અત્યારે સીએમ પદ છોડ્યું નથી, પરંતુ તેમણે સંકેત આપ્યો કે જો બળવાખોર ધારાસભ્યો આવીને વાત કરશે તો તેઓ તેના માટે પણ તૈયાર છે. બુધવારે ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ આવીને બળવાખોરોને સીધો સંદેશો આપ્યો હતો. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, કોઈએ ગદ્દારી કરવાને બદલે સીધા તેમની પાસે આવીને તેમની સાથે વાત કરવી જોઈએ. ઉદ્ધવના આ નિવેદન બાદ એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે, મહાવિકાસ અઘાડી એક અસંગત ગઠબંધન છે, જેનો અંત આવવો જોઈએ.

રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ધારાસભ્યો ઈચ્છે તો શિવસેના મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનથી અલગ થવા માટે તૈયાર છે. સંજય રાઉતે કહ્યું કે, ધારાસભ્યોએ ગુવાહાટીથી સંદેશો ન આપવો જોઈએ. તેમણે મુંબઈ પાછા આવીને વાત કરવી જોઈએ, મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી જોઈએ. જો તમામ ધારાસભ્યો ઈચ્છતા હશે કે અમે MVA ગઠબંધનમાંથી બહાર આવીએ તો આ અંગે પણ વાતચીત થશે. પરંતુ તે પહેલા તેમણે આવીને મુખ્યમંત્રી સાથે વાત કરવી પડશે. સંજય રાઉતે હાલમાં મહારાષ્ટ્રમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો (ઉદ્ધવની છાવણીના) પણ હાજર છે. રાઉતે કહ્યું કે, શિવસેનાના ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, ફ્લોર ટેસ્ટ થશે તો અમે જ જીતીશું.

સંજય રાઉત બાદ ધારાસભ્ય કૈલાશ પાટીલે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, હું મહામુશ્કેલીથી મુંબઈ પાછો આવ્યો છું. ત્યાં ઘણા ધારાસભ્યો એવા છે કે જેઓ પોતાની મજબૂરીને કારણે પાછા આવી શકતા નથી. કૈલાશ પાટીલે કહ્યું કે, અમને બળજબરીથી સુરત લઈ જવામાં આવ્યા હતા. હું ત્યાં ઘણા કિલોમીટર સુધી દોડ્યો. અમે શિવસેના સાથે દગો નહીં કરીએ. વધુમાં, શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે બહુ જલ્દી 'વર્ષા' બંગલામાં પરત ફરશે. ગુવાહાટીમાં 21 ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે અને જ્યારે તેઓ મુંબઈ પરત ફરશે ત્યારે તેઓ અમારી સાથે આવશે.

એકનાથ શિંદેની સાથે ગુવાહાટીમાં હાજર તમામ ધારાસભ્યોનો ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે બેસીને 'શિવસેના ઝિંદાબાદ', 'બાલાસાહેબ ઠાકરે કી જય'ના નારા લગાવી રહ્યા છે. આ ધારાસભ્યો 'એકનાથ શિંદે તુમ સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ હૈ' ના નારા પણ લગાવી રહ્યા છે. જેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સાથે અપક્ષ ધારાસભ્યો પણ સામેલ છે. તેમની કુલ સંખ્યા 42 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp