ધીરેન્દ્ર શાસ્ત્રી કાર્યક્રમ કરશે, તેની સુરક્ષા માટે 1000 પોલીસ જવાન તૈનાત રહેશે
બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં થનારા 3 દિવસના કથા કાર્યક્રમ માટે ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષાની સાથે મંડપમાં પણ સિક્યોરિટીની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કથાનું આયોજન ભાજપના મધ્ય પ્રદેશના એક મંત્રી દ્રારા કરવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની 3 દિવસ માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1000 કરતા વધારે પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે, જેમાં ક્વીક રિસ્પોન્સ ટીમ પણ સામેલ કરવામાં આવી છે.
હવે તમને સવાલ થશે કે એવું તે શું થયું કે બાબાની સિક્યોરીટી આટલી બધી વધારી દેવામાં આવી? તો જાણવા મળેલી વિગત એવી છે કે થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના બરેલીના એક યુવકે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી પછી યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ એ યુવકને કોર્ટે જામીન પર છોડી દીધો છે. યુવકના પરિવાજનોએ પણ બાબાની માફી માંગી લીધી છે.
આ બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીના ચીફ મેનેજર નિકેન્દ્ર ચૌબેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બરેલીના જે યુવકે ધમકી આપી હતી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેમના નિવાસ સ્થાનથી કથાના મંડપ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૌબેએ કહ્યુ કે બાગેશ્વર બાબા દેશ- વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે જેને કારણે કેટલાંક લોકોને મરચાં લાગી રહ્યા છે.
નિતેન્દ્ર ચૌબેએ કહ્યું કે 6 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યાથી બાગેશ્વર બાબાની 3 દિવસની હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને સાંભળવા માટે હજારો શ્રધ્ધાળુઓ હાજર રહેવાના છે. દરેક જગ્યા પર કડક વ્યવસ્થા રહેશે. આ કથાનું આયોજન ભાજપના અર્બન ડેવલેપમેન્ટ મંત્રી ભૂપેન્દ્ર સિંહે કર્યું છે. તેમના તરફથી પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર અનીસ અંસારીને કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. અનીસ અંસારી ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી છે. અનીસે સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રી માટે આપત્તિજનક ટીપ્પણી કરી હતી. જેના માટે હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એ પછી પોલીસે અનીશ અંસારીની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp