દિલ્હી CM કેજરીવાલ માટે રાહત માંગવી મોંઘી પડી, કોર્ટે 75 હજારનો દંડ ફટકાર્યો

PC: twitter.com/ArvindKejriwal

દિલ્હી હાઈકોર્ટે તમામ ફોજદારી કેસોમાં CM અરવિંદ કેજરીવાલ માટે વચગાળાના જામીનની માંગ કરતી PILને ફગાવી દીધી છે. કોર્ટે ફક્ત આ PILને ફગાવી જ ન હતી પરંતુ અરજદાર પર 75 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે, દિલ્હીના CMને તમામ ફોજદારી કેસોમાં અસાધારણ વચગાળાના જામીન આપવામાં આવે. PILમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી કેજરીવાલ CM છે અથવા ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને તમામ કેસમાં વચગાળાના જામીન આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.

અરજીને ફગાવી દેતા, દિલ્હી હાઈકોર્ટમાં કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની ખંડપીઠે કહ્યું, 'કોર્ટ ઉચ્ચ હોદ્દા પર રહેલા વ્યક્તિ સામે પડતર ફોજદારી કેસમાં અસાધારણ વચગાળાના જામીન આપી શકે નહીં. કોર્ટના આદેશ પર કોઈ વ્યક્તિ ન્યાયિક કસ્ટડીમાં છે. આ પડકાર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેઓ પગલાં લઈ રહ્યા છે અને ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે. કાયદો દરેક માટે સમાન છે.'

કોર્ટે કહ્યું, 'લોકોના વાલી હોવાના અરજદારના દાવા માટે કોઈ આધાર નથી. અરજદાર પાસે CM અરવિંદ કેજરીવાલ વતી કોઈ અંગત બોન્ડ જમા કરાવવા માટે કોઈ પાવર ઑફ એટર્ની નથી. કોર્ટે કહ્યું કે, CM કેજરીવાલ પાસે કેસ દાખલ કરવા માટેના સાધનો અને સંસાધનો છે અને તેમણે આ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આવું કર્યું પણ છે. કોર્ટે કહ્યું કે, અગાઉ દાખલ કરવામાં આવેલી આ જ પ્રકારની અરજીઓને ફગાવી પણ દેવામાં આવી હતી અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હવે મજાની વાત એ છે કે, CM કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ પણ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. અરજદારે દાવો કર્યો હતો કે, તે ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને દિલ્હીના લોકોના કલ્યાણની ચિંતા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp