MVA ગઠબંધન વિધાનસભાની ચૂંટણી સાથે લડે તો CM ચહેરો કોણ? જાણો શરદ પવારનો જવાબ

PC: abplive.com

જો મહારાષ્ટ્રમાં MVA સરકાર સત્તામાં આવે છે, તો તેના CM કોણ હશે? આ પ્રશ્નનો જવાબ હજુ સુધી MVA નેતાઓ કે તેમના પક્ષો તરફથી મળ્યો નથી. આ એવો પ્રશ્ન છે જે મહારાષ્ટ્રના લોકો પણ જાણવા માંગે છે.

જ્યારે શિવસેના (ઉદ્ધવ જૂથ) આગ્રહ કરી રહી છે કે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ અઘાડી (MVA)ના CMના ચહેરા તરીકે રજૂ કરવામાં આવે, ત્યારે NCP (SP)ના વડા શરદ પવારે શનિવારે કોઈ વ્યક્તિને CMના ચહેરા તરીકે રજૂ કરવાના વિચારને ફગાવી દીધો હતો.

જ્યારે કોલ્હાપુરમાં પત્રકારો દ્વારા શરદ પવારને પૂછવામાં આવ્યું કે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આગ્રહ કર્યો કે ઠાકરેને MVAના CMપદના ચહેરા તરીકે રજૂ કરવા જોઈએ. આ પ્રશ્નના જવાબમાં શરદ પવારે કહ્યું કે, અમારું જોડાણ અમારો સામૂહિક ચહેરો છે. એક વ્યક્તિ અમારા CM પદનો ચહેરો ન બની શકે. સામૂહિક નેતૃત્વ એ અમારું સૂત્ર છે.' NCP (SP)ના વડાએ કહ્યું, 'ત્રણેય ગઠબંધન ભાગીદારો સાથે મળીને આ અંગે નિર્ણય લેશે.'

MVAમાં તમામ ડાબેરી પક્ષો અને PM નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓને સામેલ કરવાની હાકલ કરતાં પવારે કહ્યું, 'તાજેતરની લોકસભા ચૂંટણી દરમિયાન, PWP (ભારતીય ખેડૂત અને કામદાર પાર્ટી), AAP અને સામ્યવાદી પક્ષોએ અમને મદદ કરી. જો કે MVAમાં અમે ત્રણ ભાગીદાર છીએ, પરંતુ અમારે આ તમામ પક્ષોનો સમાવેશ કરવો જોઈએ. PM મોદીનો વિરોધ કરનારા તમામ લોકોએ MVAનો ભાગ બનવું જોઈએ. CMપદના ચહેરા અંગે જે પણ નિર્ણય લેવાનો હશે, તે ચર્ચા દ્વારા અને બધાને વિશ્વાસમાં લીધા બાદ લેવામાં આવશે.'

દરમિયાન, રાઉતે શનિવારે ફરીથી કહ્યું કે, MVAને CMનો ચહેરો રજૂ કરવાની જરૂર છે. રાઉતે અગાઉ કહ્યું હતું કે, 'MVA માટે મહારાષ્ટ્રમાં CMના ચહેરા વગર ચૂંટણી લડવી ખતરનાક હશે. મહારાષ્ટ્રએ જોયું છે કે, ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને કેવી રીતે સંભાળ્યું, ખાસ કરીને કોવિડ-19ના નિર્ણાયક સમયગાળા દરમિયાન. ઉદ્ધવ ઠાકરેની લોકપ્રિયતાને કારણે લોકોએ MVAને મત આપ્યો... એક ચહેરા વિનાનું ગઠબંધન અમને ચૂંટણી જીતવામાં મદદ કરશે નહીં.'

શનિવારના રોજ, રાઉતે INDIA બ્લોકની કામગીરી અને PMપદની ગેરહાજરીનો ઉલ્લેખ કરીને તેમના મુદ્દા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, 'જો INDIA બ્લોકે રાહુલ ગાંધીને PMપદના ચહેરા તરીકે રજૂ કર્યા હોત, તો અમને 25-30 વધુ બેઠકો મળી હોત... લોકોને ખબર હોવી જોઈએ કે, તેઓ કોને મત આપી રહ્યા છે. લોકોએ ઈન્દિરા ગાંધી અને PM નરેન્દ્ર મોદીને મત આપ્યા. તેઓ ચહેરો જાણવા માંગે છે. અમારો CMપદનો ચહેરો કોણ હોવો જોઈએ તે અંગે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. અમે એક થઈને ચૂંટણી લડવા મક્કમ છીએ. અમે 175થી 180 વિધાનસભા બેઠકો જીતીશું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp