ચૂંટણી પંચે શિવસેના નામ અને તેનું નિશાન બંને શિંદે જુથને આપી દીધા, ઠાકરેને ઝટકો

PC: twitter.com

મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. શિવસેનાના નામ અને પ્રતીક પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે અને CM એકનાથ શિંદે વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ શિવસેનાનું નામ અને પક્ષનું ચિહ્ન ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે પક્ષનું નામ અને શિવસેનાનું પ્રતીક તીર કમાન CM એકનાથ શિંદે જૂથને સોંપી દીધું છે.

કોર્ટના આ નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેની ટીમને ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીનું નામ અને ઓળખ (ચૂંટણી પ્રતીક) બંને ગુમાવી દીધા છે. ચૂંટણી પંચને જાણવા મળ્યું કે, ઉદ્ધવ જૂથની પાર્ટીનું બંધારણ અલોકતાંત્રિક છે. જેમાં કોઇપણ જાતની ચૂંટણી વગર લોકોની નિમણૂંક કરવામાં આવી હતી. આ સાથે, કોર્ટને એ પણ જાણવા મળ્યું કે શિવસેનાના મૂળ બંધારણમાં ગુપ્ત રીતે અલોકતાંત્રિક પદ્ધતિઓ પાછી લાવવામાં આવી હતી, જેણે પાર્ટીને ખાનગી જાગીર જેવી બનાવી દીધી હતી. આ પદ્ધતિઓને 1999માં ચૂંટણી પંચે નકારી કાઢી હતી. આ સાથે હવે મહારાષ્ટ્રમાં શિવસેના તરફથી ઉદ્ધવ જૂથનો દાવો ખતમ થઈ ગયો હોવાનું માનવામાં આવે છે.

હકીકતમાં, જ્યારે CM એકનાથ શિંદેએ ગયા વર્ષે જૂનમાં બળવો કર્યો હતો, ત્યારે પાર્ટીમાં બે જૂથો પડી ગયા હતા. પાર્ટી ઉદ્ધવ ઠાકરે અને CM એકનાથ શિંદેના સમર્થકો વચ્ચે વહેંચાઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં CM શિંદે જૂથના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર પછી એકનાથ શિંદેએ CM અને દેવેન્દ્ર ફડણવીસે DyCM તરીકે શપથ લીધા હતા.

આ પછી ઉદ્ધવ જૂથ અને CM એકનાથ શિંદે જૂથ અસલી શિવસેનાની ઓળખ માટે સામસામે આવી ગયા. જ્યાં CM એકનાથ શિંદે જૂથે કહ્યું કે, અમે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને આગળ લઈ જઈ રહ્યા છીએ. જ્યાંરે, ઉદ્ધવ જૂથ શિવસેના પર પોતાનો દાવો કરી રહ્યું હતું.

આ અગાઉ, રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી જ અસલી શિવસેના છે અને જ્યારે સુપ્રીમ કોર્ટ 21 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરશે ત્યારે સત્યનો વિજય થશે. શિવસેના બે જૂથોમાં વિભાજિત થયા પછી જૂન 2022માં સર્જાયેલી મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી સંબંધિત અરજીઓને 2016 નાબામ રેબિયાના ચુકાદાની સમીક્ષા કરવા માટે સાત ન્યાયાધીશોની બેન્ચને મોકલવાનો સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 21 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, તે લાયકાત પર વિચાર કરશે કે શું ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સ્પીકરની સત્તા પર 2016ના ચુકાદામાં સંદર્ભની જરૂર હતી કે કેમ. જ્યાંરે, આ અંગે પ્રતિક્રિયા આપતા CM શિંદેએ કહ્યું કે, અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, યોગ્યતાના આધારે નિર્ણય લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp