હવે મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરના લાડુઓની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ, શું છે વિવાદ?

PC: freepressjournal.in

આંધ્ર પ્રદેશના તિરૂપતિ સ્થિત બાલાજી મંદિરના લાડુઓમાં પશુ ચરબીની ભેળસેળ કરવાના ખુલાસા અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડ્યા બાદ હવે મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના લાડુઓની શુદ્ધતા પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં ઉંદરોના બચ્ચા હતા. ત્યારબાદ એ સવાલ ઉઠવા લાગ્યા કે પ્રસાદ ચોખ્ખી જગ્યા પર બનાવીને રાખવામાં આવતો નથી અને એ અશુદ્ધ છે. આ આરોપ એક વીડિયોના આધાર પર લગાવવામાં આવી રહ્યા છે, જેમાં સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓને વહેચાતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદરોના બચ્ચા મળ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, CCTV ફૂટેજમાં પ્રસાદના પેકેટમાં ઉંદરો દેખાઇ રહ્યા છે. આ આરોપ પર સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના સચિવ વિના પાટીલે એ માનવાનો ઇનકાર કરી દીધો છે કે આ ફૂટેજ મંદિર ટ્રસ્ટની અંદરની છે. જો કે, તેમણે કહ્યું કે, તેઓ એ તસવીરો અને વીડિયો ફૂટેજની તપાસ કરાવશે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં રોજ 50 હજારની આસપાસ લાડુ બને છે. પ્રસાદના એક પેકેટમાં 50-50 ગ્રામના 2 લાડુ હોય છે. તહેવારના સમયમાં પ્રસાદની માગ વધી જાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓ વચ્ચે વહેચવા અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી આ લાડુમાં ઉપયોગ થતી વસ્તુઓની નિયમિત તપાસ કરે છે અને સર્ટિફાઇડ કરે છે. લેબ ટેસ્ટ રિપોર્ટ મુજબ આ લાડુઓને 7-8 દિવસ સુધી સંભાળીને રાખી શકાય છે, તે ખરાબ થતા નથી. પરંતુ લાડુઓમાં ઉંદરોના બચ્ચા મળી આવવાની તસવીરો સામે આવ્યા બાદ મંદિરની અંદર ચોકસાઇ અને પ્રસાદની શુદ્વતાને લઇને મોટા સવાલ ઊભા થઇ રહ્યા છે.

બીજી તરફ તિરૂપતિ મંદિરના લાડુઓમાં પશુ ચરબી મળવાના મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તિરૂમાલા તિરૂપતિ બાલાજી મંદિરમાં લાડુ પ્રસાદમ માટે ઘીનો પુરવઠો પૂરો પાડનારી એક કંપનીને કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. જાણકારો મુજબ, મંત્રાલયે મંદિરમાં ઘીનો પુરવઠો પૂરો પાડનારી કંપનીઓના ઉત્પાદનાં નમૂના માગ્યા હતા અને તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી એક કંપનીના ઉત્પાદનના નમૂના માનાંકો મુજબ નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp