સિદ્ધુ મુસેવાલાની માતાની મુશ્કેલી વધી, કેન્દ્રએ પંજાબ સરકાર પાસે રિપોર્ટ માગ્યો

PC: instagram.com/sidhu_moosewala

દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના ઘરમાં ફરી ખુશીનું વાતાવરણ છવાયું છે. સિદ્ધુની માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહના ઘરે બાળકનો જન્મ થયો છે. આ માહિતી ખુદ બલકૌર સિંહે આપી હતી. ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનિક દ્વારા આ બાળકને જન્મ આપ્યો હતો. હવે આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી ચરણ કૌરની IVF સારવાર અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

ભારતમાં IVFને લઈને બનેલા નિયમો અનુસાર 21 થી 50 વર્ષની વયની મહિલા જ ટેક્નોલોજીની મદદથી બાળકને જન્મ આપી શકે છે. પરંતુ દિવંગત ગાયિકાની માતા ચરણ કૌર 58 વર્ષના છે. કૌરની ઉંમરનો ઉલ્લેખ કરતા મંત્રાલયે જણાવ્યું હતું કે કાયદા મુજબ મહિલાને Assisted Reproductive Technology (ART) સેવાઓમાંથી પસાર થવાની વય મર્યાદા 21 થી 50 વર્ષની વચ્ચે છે.

માનસા જિલ્લામાં સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કર્યાના લગભગ બે વર્ષ પછી, 17 માર્ચે બલકૌર સિંહ અને તેની પત્ની ચરણ કૌરને ત્યાં એક બાળકનો જન્મ થયો હતો. આ માટે તેમણે IVF ટેકનિક પસંદ કરી હતી. બાળકના જન્મ પછી, બલકૌર સિંહે, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે, ચાહકો સાથે ખુશખબર શેર કરી અને નાના મહેમાન સાથેનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, સિદ્ધુના ચાહકોના આર્શીવાદથી પરમાત્માએ સિદ્ધુના નાના ભાઇને અમારી જોળીમાં આપ્યો છે. વાહે ગુરુના આર્શીવાદથી પરિવાર સ્વસ્થ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 14 માર્ચે પંજાબ સરકારને એક પત્ર લખીને એક મીડિયા રિપોર્ટને ટાંકીને ચરણ કૌરના IVFનો રિપોર્ટ માંગ્યો છે. કહેવાય છે કે કૌરે 58 વર્ષની ઉંમરે IVF ટ્રીટમેન્ટ કરાવી હતી. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ, 2021ની કલમ 21 (g) (i) હેઠળ, સ્ત્રી માટે ART સેવાઓમાંથી પસાર થવા માટે નિર્ધારિત વય મર્યાદા 21-50 વર્ષની વચ્ચે છે. તેથી, તમને આ બાબતની તપાસ કરવા અને ART (રેગ્યુલેશન) અધિનિયમ, 2021 મુજબ આ બાબતે કરવામાં આવેલી કાર્યવાહી અંગે આ વિભાગને અહેવાલ સુપરત કરવા વિનંતી કરવામાં આવે છે.

સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે, હજુ તો ઘરમાં ખુશી છવાઇ છે ત્યાં સરકાર અમને પરેશાન કરી રહી છે. તેમણે કહ્યું કે, હું પંજાબના મુખ્યમંત્રીને વિનંતી કરવા માંગુ છુ કે, હજુ ટ્રીટમેન્ટ તો પુરી થવા દો. હું અહીં જ છું, પંજાબ છોડીને જવાનો નથી. એ પછી તમે જ્યાં બોલાવશો ત્યાં હું આવી જઇશ. આમ છતા તમને વિશ્વાસ ન આવતો હોય તો મારી સામે FIR કરીને મને જેલમાં નાંખી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp