'સર, મહેરબાની કરીને મને મારી પત્નીથી બચાવો...' લગ્ન પછી શિક્ષકની વિનંતી

PC: biharteacher.org

બિહારના હાજીપુરમાં બળજબરીથી લગ્ન કર્યા પછી, BPSC પાસ શિક્ષક ગૌતમને હવે પોતાના જીવનો ડર સતાવી રહ્યો છે, કારણ કે તેની શાળા એ જ ગામમાં છે, જ્યાં તેના છોકરી સાથે બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. ગૌતમે પહેલાથી જ દુલ્હનને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી છે પરંતુ હવે તેને શાળાએ જતા પણ ડર લાગવા લાગ્યો છે.

ગૌતમે આ મામલે શિક્ષણ વિભાગ અને તેના અધિક સચિવ K. K. પાઠક પાસેથી મદદ માંગી છે. ગૌતમ ઈચ્છે છે કે, તેને કોઈ અન્ય શાળામાં બદલી કરી દેવામાં આવે. ગૌતમે કહ્યું છે કે, મારા લગ્ન જબરદસ્તીથી કરાવવામાં આવ્યા છે, તેથી હું શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરી પાસે રક્ષણની વિનંતી કરી રહ્યો છું.

આ બાબતે શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહ્યા છે, પરંતુ BPSC શિક્ષક પુનઃસ્થાપનના નવા નિયમો હેઠળ શિક્ષકની બદલી કરવી મુશ્કેલ છે. જોકે, તેમણે ખાતરી આપી છે કે, બળજબરીથી કરાવાયેલા લગ્નનો ભોગ બનેલા શિક્ષકને ચોક્કસ મદદ કરવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, BPSC શિક્ષકની નવી ભરતીની જોગવાઈઓ અનુસાર, શિક્ષકોએ ઘણા વર્ષો સુધી એક જ શાળામાં રહેવું પડે છે અને અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફરને લઈને ખૂબ જ કડક નિયમો છે. આવી સ્થિતિમાં K. K. પાઠક અપહરણ અને બળજબરીથી લગ્નનો ભોગ બનેલા તેના શિક્ષક ગૌતમને મદદ કરશે કે કેમ તે મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

ભાગલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન K. K. પાઠકે નવા શિક્ષકોને કહ્યું હતું કે, હવે તમે વર્ષોના વર્ષો સુધી એક જ શાળામાં રહેશો, ગામના લોકો તમને ખૂબ માન આપશે, દરેકની શાળા ગામમાં જ છે, તેથી તમને ઘણો આદર સમ્માન મળશે.

જ્યારે ગૌતમના બળજબરીથી કરાવાયેલા લગ્ન અંગે હાજીપુર જિલ્લા શિક્ષણ અધિકારી વીરેન્દ્ર નારાયણે કહ્યું કે, ઘટનાના દિવસે જ બ્લોક એજ્યુકેશન ઓફિસર દ્વારા તેની માહિતી મળી ગઈ હતી. ગૌતમ નામના શિક્ષકનું શાળામાંથી અપહરણ કરીને બળજબરીથી લગ્ન કરી લેવાયા હતા. 2 ડિસેમ્બરે શિક્ષક અને તેના પરિવારના સભ્યો મને મળવા આવ્યા હતા, તેઓએ અરજી આપી છે કે, તેઓ ડરી ગયા છે.

તેમણે કહ્યું, 'વિભાગની વર્તમાન માર્ગદર્શિકા જણાવે છે કે, કોઈપણ શિક્ષકની બદલી અથવા પ્રતિનિયુક્તિ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં તેને અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફર કરવી મારા માટે શક્ય નથી. આ ઘટના અંગે વિભાગને જાણ કરવામાં આવી છે. જે અનુસાર ઉપરથી આદેશ આવશે તે પ્રમાણે શિક્ષકને મદદ કરવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, BPSC પાસ શિક્ષક ગૌતમ જ્યારે હાજીપુરની સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યા હતા, ત્યારે ફિલ્મી સ્ટાઈલમાં સ્કોર્પિયોમાં કેટલાક લોકોએ તેનું અપહરણ કર્યું હતું અને પછી તેના લગ્ન કરાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp