'...તો હું રાજનીતિ છોડી દઈશ', અયોધ્યા જીત્યા બાદ અવધેશ પ્રસાદ આવું કેમ બોલ્યા?

PC: livehindustan.com

સમાજવાદી પાર્ટી (SP)ના નેતા અવધેશ પ્રસાદ ફૈઝાબાદ (અયોધ્યા)થી સાંસદ તરીકે ચૂંટાયા પછી ખાલી પડેલી મિલ્કીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. અવધેશ પ્રસાદ આ મિલ્કીપુર સીટથી ધારાસભ્ય હતા. SP-BJPએ મિલ્કીપુર સીટ પર પેટાચૂંટણીની તૈયારી કરી લીધી છે. આ દરમિયાન અવધેશ પ્રસાદે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, અમને મિલ્કીપુરમાં જીતતા કોઈ રોકી શકશે નહીં. અવધેશ પ્રસાદે એવો પણ દાવો કર્યો હતો કે, 2027ની વિધાનસભા ચૂંટણીમાં BJPને 50 બેઠકો પણ નહીં મળે અને જો આમ થશે તો હું રાજકારણ છોડી દઈશ.

અહીં તમને જણાવી દઈએ કે, UPમાં કુલ 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થવાની છે, પરંતુ મિલ્કીપુર સીટ ચર્ચાના કેન્દ્રમાં છે. આ દરમિયાન મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને અવધેશ પ્રસાદનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો કે ગમે તે થાય, સમાજવાદી પાર્ટી કોઈપણ સંજોગોમાં મિલ્કીપુર પેટાચૂંટણી જીતશે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા અવધેશ પ્રસાદે કહ્યું કે, કોઈપણ આવી જાય. આખી દુનિયાની તાકાત તેની પાછળ લગાવી દે, મિલ્કીપુરની ચૂંટણીમાં તેઓ કંઈ કરી શકશે નહીં. તેમની પાસે પોલીસ છે, સરકાર છે, સત્તા છે, તેઓ હલકાઈ પર ઉતરી આવશે અને ખુલ્લેઆમ પ્રદર્શન કરશે. તેઓ ખુલ્લેઆમ સરકારી નાણાં અને સરકારી મશીનરીનો ઉપયોગ કરશે, પરંતુ ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે, જ્યારે સરકાર અને જનતા વચ્ચે લડાઈ થઈ છે ત્યારે સરકારની હાર થઈ છે. જનતાની જીત થઈ છે.

અવધેશ પ્રસાદના કહેવા પ્રમાણે, મિલ્કીપુરમાં અમને જીતતા કોઈ રોકી શકશે નહીં. 2027માં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. BJPને 50 બેઠકો પણ નહીં મળે. જો આમ નહીં થાય તો હું રાજકારણ છોડી દઈશ. હું કંઈ સામાન્ય વાત નથી કહેતો. સમાજવાદી પાર્ટીની PDA ફોર્મ્યુલા જબરદસ્ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો, કરહલ, મિલ્કીપુર, સિસામઉ, કુંદરકી, ગાઝિયાબાદ, ફૂલપુર, મઝવાં, કટેહરી, ખેર અને મીરાપુર માટે પેટાચૂંટણી પ્રસ્તાવિત છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન અને મતગણતરીની તારીખો હજુ જાહેર કરવાની બાકી છે. તેમાંથી 9 બેઠકો ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાઈ આવવાને કારણે ખાલી થઈ છે, જ્યારે કાનપુરની સિસામઉ બેઠક એક કેસમાં 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા પછી SP નેતા ઈરફાન સોલંકીની ધારાસભ્યપદ રદ થવાને કારણે ખાલી પડી છે. પેટાચૂંટણી યોજાનારી વિધાનસભા મતવિસ્તારોમાં અયોધ્યાની મિલ્કીપુર અને આંબેડકર નગરની કટેહરી બેઠકોનો પણ સમાવેશ થાય છે.

BJPએ હજુ સુધી પેટાચૂંટણી માટે એકપણ બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી. માનવામાં આવે છે કે CM યોગી આદિત્યનાથ અને BJP સંગઠન ઘણા નામો પર ચર્ચા કરી રહ્યા છે. પરંતુ સમાજવાદી પાર્ટી તરફથી બે નામ ચાલી રહ્યા છે, જેમાં અવધેશ પ્રસાદના પુત્રને મિલ્કીપુરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે, જ્યારે લાલજી વર્માની પુત્રી છાયા વર્માને કટેહરી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.

મિલ્કીપુરમાં લગભગ 65 હજાર બ્રાહ્મણો, 55 હજાર પાસીઓ, 22 હજાર કોરી, 15 હજાર હરિજન, 25 હજાર ક્ષત્રિય, 23 હજાર મુસ્લિમ, 20 હજાર ચૌરસિયા, 17 હજાર બનિયા અને 55 હજાર યાદવ મતદારો છે. અનામત બેઠકોને કારણે તમામ પક્ષોના ઉમેદવારો દલિત સમાજના હશે. આ વખતે BSP અને ચંદ્રશેખર (આઝાદ સમાજ પાર્ટી) પણ પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp