સ્પીકર નિષ્ફળ જશે, તો અમે નક્કી કરીશું,CM શિંદેના MLAને ગેરલાયક ઠેરવવા પર SC કડક
મહારાષ્ટ્રમાં સૌથી મોટી રાજકીય ઉથલપાથલ પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પીકરને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી કોર્ટે એમ પણ કહ્યું છે કે, જો સ્પીકર આ મામલે નિર્ણય લેવામાં નિષ્ફળ જશે તો તે પોતે જ ચુકાદો આપશે. હવે આ મામલે આગામી સોમવારે સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો સ્પીકર પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સંશોધિત કાર્યક્રમ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો કોર્ટ સમયમર્યાદા નક્કી કરશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, 'અમે આ કોર્ટની ગરિમા જાળવવા માટે ચિંતિત છીએ. અમારા આદેશોનું પાલન થવું જોઈએ.'
અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ગુરુવારે CM એકનાથ શિંદે અને તેમના પુરોગામી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના પ્રતિસ્પર્ધી શિવસેના જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓની સુનાવણી કરી હતી, જોકે શિંદે જૂથે અલગ સુનાવણીની માંગ કરી છે.
ઉદ્ધવની આગેવાની હેઠળના જૂથે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અરજીઓ પર અલગ સુનાવણીની જરૂર નથી, કારણ કે તમામ અરજીઓ પાછળનું કારણ એક જ હતું. વિરોધ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોના જણાવ્યા અનુસાર, નાર્વેકરે અગાઉ અરજીઓની સુનાવણીની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ CM શિંદે અને અન્ય 15 ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓની પ્રથમ વાસ્તવિક સુનાવણી ગુરુવારે વિધાનસભા ભવન ખાતે થઈ હતી. દિવસની સુનાવણીના અંત પછી, શિંદે જૂથના વરિષ્ઠ વકીલ અનિલ સખારેએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'અયોગ્યતાની અરજીમાં પક્ષકાર હોય તેવા દરેક વ્યક્તિનું તેના વિશે કંઈક કહેવું છે. તેથી, તમામ અરજીઓને એકસાથે એકત્રિત કરવાને બદલે, અમે તેમની અલગ સુનાવણીની માંગ કરી હતી.'
તેમની દલીલનો ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યસભાના સભ્ય અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, 'અમારી તમામ ગેરલાયકાતની અરજીઓને એકસાથે ક્લબ કરવાની અને પછી તેમની સુનાવણી કરવાની અમારી માગણી એ જ રહે છે, કારણ કે દરેક અરજીમાં ઉલ્લેખિત કારણો સરખા છે. શિવસેના (UBT) દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ શિંદે જૂથમાં જોડાયેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત છે.' દેસાઈએ કહ્યું, 'અમે વિધાનસભાના અધ્યક્ષને વિનંતી કરીએ છીએ કે, તેઓ અરજીઓ પર નિર્ણય લેવામાં વધુ વિલંબ ન કરે. કારણ કે, ન્યાયમાં વિલંબ એ ન્યાય ન મળવા બરાબર છે.'
આ વર્ષે 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, CM એકનાથ શિંદે મહારાષ્ટ્રના CM બની રહેશે. શિવસેના (UBT) નાર્વેકર પર ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવામાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ લગાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp