વિદ્યાર્થીને તેના પરિવારની સંમતિ વિના સાન્તાક્લોઝ ન બનાવવા, આ રાજ્યમાં નવો ઓર્ડર

PC: twitter.com

સમગ્ર વિશ્વમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવતા ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર ક્રિસમસ નજીક છે. 25મી ડિસેમ્બરે આવતા ક્રિસમસ તહેવાર પહેલા મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, તહેવારોના અવસર પર વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝ બનાવતા પહેલા ખાનગી શાળાઓએ વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે.

હકીકતમાં, નાતાલના અવસર પર, શાળાઓમાં યોજાતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ સાન્તાક્લોઝના પોશાક પહેરે છે, પરંતુ શાજાપુર જિલ્લા શિક્ષણ વિભાગે એક પત્ર બહાર પાડીને તમામ સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે, ક્રિસમસ પર, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝની જેવો પહેરવેશ પહેરાવતા પહેલા તેમના વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવાની રહેશે.

જિલ્લા શિક્ષણાધિકારી વિવેક દુબેના નામે બહાર પડાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ શાળા મેનેજમેન્ટ કોઈ પણ બાળકને માતા-પિતાની પરવાનગી વિના સાંતાક્લોઝના પોશાકમાં કાર્યક્રમમાં ભાગ લેવાનું કરાવશે, તો સંબંધિત શાળા સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આદેશનું ઉલ્લંઘન કરવાથી શાળાની માન્યતા રદ પણ થઈ શકે છે.

શાજાપુર જિલ્લા શિક્ષણ અધિકારી વિવેક દુબેએ જણાવ્યું હતું કે, દર વર્ષે એવું જોવા મળે છે કે નાતાલના તહેવાર પર, ઘણી શાળા સંચાલકો માતાપિતાની પરવાનગી વિના નાના બાળકોને સાન્તાક્લોઝ બનાવે છે, જે ઘણીવાર વિવાદો સર્જે છે. તેમણે કહ્યું કે વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને ફરિયાદ પણ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને શાજાપુર જિલ્લાની તમામ ખાનગી અને સરકારી શાળાઓને પહેલાથી જ સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, શાજાપુર જિલ્લામાં લગભગ 1500 સરકારી અને બિન-સરકારી શાળાઓ છે. તમામ શાળા પ્રબંધકોને લેખિત પરવાનગી વિના કોઈપણ નાના બાળકને સાન્તાક્લોઝ ન બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, પરિપત્ર આગામી તહેવારોની મોસમ દરમિયાન શાળાઓમાં કોઈપણ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકતો નથી. આવા વિવાદો થયા પછી પગલાં લેવાને બદલે અગાઉથી કાળજી લેવી વધુ સારું છે.

અહીં તમને જણાવી દઈએ કે, વિશ્વ હિન્દુ પરિષદે ભોપાલની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખીને હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવાની અપીલ કરી છે. શાળાઓને પણ વિશ્વ હિન્દુ પરિષદે આ અંગે ટ્વીટ કર્યું છે.

આ પત્રમાં VHPએ લખ્યું છે કે, 'મધ્ય ભારત પ્રાંતની તમામ શાળાઓમાં, સનાતન હિન્દુ ધર્મ અને પરંપરામાં માનનારા વિદ્યાર્થીઓને શાળામાં આયોજિત ક્રિસમસ કાર્યક્રમમાં સાન્તાક્લોઝ બનાવવામાં આવી રહ્યા છે અને ક્રિસમસ ટ્રી લાવવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ આપણી હિંદુ સંસ્કૃતિ પર હુમલો છે, આ હિંદુ બાળકોને ખ્રિસ્તી ધર્મ તરફ પ્રેરિત કરવાનું ષડયંત્ર છે અને આવા વસ્ત્રો કે વૃક્ષો લાવીને આર્થિક રીતે પણ વાલીઓને નુકસાન થાય છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp