KYC રોડું ન બને, 2 મહિનામાં બધાને આપો રાશનકાર્ડ,રાજ્યો પર રોષે ભરાઈ SC

PC: hindustantimes.com

સુપ્રીમ કોર્ટે હાલમાં જ પોતાના એક નિર્ણયમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, 2 મહિનાની અંદર એવા લોકોને રાશનકાર્ડ બનાવી આપો, જે કેન્દ્ર સરકારના ઇ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. એવા લોકોની સંખ્યા લગભગ 8 કરોડ છે. રાશન કાર્ડ બની જવાથી એવા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરાકરોની યોજનાઓ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા 2013 હેઠળ લાભ મળી શકશે. એક રિપોર્ટ મુજબ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાન અમાનુલ્લાહની ખંડપીઠે સામાજિક કાર્યકર્તા હર્ષ માંદર, અજીત ભારદ્વાજ અને જગદીપ છોકરની અરજી પર આ આદેશ પાસ કર્યો છે.

અરજીમાં સંઘ અને કેટલાક રાજ્યો દ્વારા સૂકા રાશન પર 2021માં જાહેર કરવામાં આવેલા સુપ્રીમ કોર્ટના આદેશોનું અનુપાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. 2021ના પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સૂકું રાશન ઉપલબ્ધ કરાવતી વખત રાજ્ય એ પ્રવાસી મજૂરો પાસે ઓળખ પત્ર નહીં માગે, જેમની પાસે રાશન કાર્ડ ઉપલબ્ધ નથી. કોર્ટે ત્યારે કોરોનાકાળમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અન્ય શહેરોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને સ્વ. ઘોષણા આધાર પર જ તેમને સૂકું રાશન આપવાનો આદેશ આપ્યો હતો.

ગયા વર્ષે એપ્રિલમાં એમ.આર. શાહ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે રાજ્ય સરકારોને એ પ્રવાસી કે અસંગઠિત શ્રમિકોને 3 મહિનાની અંદર રાશન કાર્ડ આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમની પાસે રાશન કાર્ડ નથી, પરંતુ તેઓ કેન્દ્રના ઇ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે. આ પોર્ટલ મુખ્ય રૂપે અસંગઠિત શ્રમિકોના આવશ્યક ડેટાના નામાંકન, રજીસ્ટ્રેશન, સંગ્રહ અને ઓળખ માટે બનાવવામાં આવ્યું છે. 19 માર્ચે સુનાવણી દરમિયાન અરજીકર્તાઓએ કોર્ટને જણાવ્યું હતું કે ઇ-શ્રમ પોર્ટલ પર કુલ 28.60 કરોડ લોકો રજિસ્ટર્ડ છે.

તેમાંથી 20.63 કરોડ લોકોના રાશન કાર્ડ છે અને તેમના ડેટા પોર્ટલ પર છે. આ પ્રકારે પોર્ટલ પર રજિસ્ટર્ડ લગભગ 8 કરોડ લોકોને અત્યાર સુધી રાશન આપવામાં આવ્યું નથી. અરજીકર્તાઓએ કહ્યું કે, આ કોર્ટે ગયા વર્ષે જ એમ કરવાનો આદેશ આપ્યો હતો. તેના પર સખત વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 2 મહિનાની અંદર પોર્ટલ પર રજિસ્ટર્ડ લગભગ 8 કરોડ લોકોને રાશન કાર્ડ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયોમાં રાજ્યોને એ વાત માટે પણ સૂચના આપી છે કે EKYCને રાશનકાર્ડ આપવાના માર્ગે રોડો ન બનાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp