આર્મી હોસ્પિટલના બ્લડથી જવાનને થયો HIV, મળશે આટલા કરોડનું વળતર

PC: deccanherald.com

સુપ્રીમ કોર્ટે એક અગત્યના ચૂકાદામાં મંગળવારે આર્મી હોસ્પિટલમાં સંક્રમિત બ્લડ ચઢાવવાના કારણે HIV પોઝિટિવ થયેલા વાયુસેનાના પૂર્વ અધિકારીને દોઢ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. વાયુસેનાના આ અધિકારી 2002માં પાકિસ્તાન સામે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન પરાક્રમ’ દરમિયાન ડ્યુટી પર બીમાર થઇ ગયા હતા અને ત્યારથી હોસ્પિટલમાં દાખલ હતા. જાણકારી છે કે, જમ્મુ કાશ્મીરની એક આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને એક યૂનિટ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું.

જુલાઈ 2002માં 171 આર્મી હોસ્પિટલ સાંબામાં પૂર્વ અધિકારીને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમના શરીરમાં 1 યૂનિટ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું. 2014માં તેઓ ફરી બીમાર પડી ગયા. ત્યારે ખબર પડી કે તેઓ HIVથી પીડિત છે. તેમણે જુલાઇ 2002 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવાની વ્યક્તિગત રિપોર્ટ માગી. તેમને મેડિકલ કેસ શીટ આપવામાં આવી. ત્યાર પછી 2014 અને 2015માં મેડિકલ બોર્ડ ગઠિત કરાયું. બોર્ડને જાણ થઇ કે જુલાઈ 2002માં એક યૂનિટ બ્લડ ચઢાવવાને કારણે તે HIV પોઝિટિવ થયા છે. ત્યાર પછી અધિકારીના સેવા વિસ્તારને અસ્વીકાર કરતા 31 મે, 2016ના રોજ તેમને સેવાથી મુક્ત કરી દેવામાં આવ્યા.

વાયુસેનાના પૂર્વ અધિકારીને HIV સંક્રમિત થવાની ખબર 12 વર્ષ પછી મળી. એવામાં 12 વર્ષ પછી એ સાબિત કરવું ઘણું મુશ્કેલ હતું કે તેમને આર્મી હોસ્પિટલમાં સંક્રમિત બ્લડ ચઢાવાયું હતું. ત્યાર પછી તેમણે 2017માં વળતર માટે NCDRC પાસે ગયા પણ વાયુસેનાના આ પૂર્વ અધિકારીની અરજી ફગાવી દેવામાં આવી.

2022માં સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

ત્યાર પછી પીડિત અધિકારીએ વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે આ બેદરકારી માટે ઈન્ડિયન એરફોર્સ અને ઈન્ડિયન આર્મી બંનેને સામૂહિક રીતે જવાબદાર માન્યા. સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન એરફોર્સને 6 અઠવાડિયામાં વાયુસેનાના પૂર્વ અધિકારીને 1 કરોડ 54 લાખ 73 હજાર રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

SCએ આદેશમાં શું કહ્યું

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, અરજીકર્તા ભારતીય વાયુસેના અને ભારતીય સેનાની મેડિકલ બેદરકારીના કારણે 1,54,73,000 રૂપિયા વળતર મેળવવાને હકદાર છે. અધિકારીને થયેલી તકલીફ માટે ઉત્તરદાયીઓ સંપૂર્ણરીતે જવાબદાર છે. આ કેસમાં વ્યક્તિગત જવાબદારી સોંપી શકાય નહીં, માટે પ્રતિવાદી સંગઠન ભારતીય વાયુસેના અને ભારતીય સેનાને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતથી જવાબદાર ગણવામાં આવે છે. રકમની ચૂકવણી ઈન્ડિયન એરફોર્સ દ્વારા 6 અઠવાડિયાની અંદર કરવાની રહેશે. કોર્ટે કહ્યું કે, ભારતીય વાયુસેના વળતરની અડધી રકમ ભારતીય સેના પાસેથી માગવા માટે સ્વતંત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp