ભાજપ સરકારને કોર્ટે આપ્યો ઝટકો, દુકાનદારોને ઓળખ જણાવવી જરૂર નથી પણ...

PC: indiatoday.in

ખાણી-પીણીની દુકાનો પર ફરજિયાત નામ લખવાના આદેશને લઈને સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અને મધ્ય પ્રદેશની સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દુકાનદારોને પોતાની ઓળખ ઉજાગર કરવાની જરૂર નથી. દુકાનદારોએ ફક્ત ભોજનનો પ્રકાર જણાવવાનો રહેશે. આ મામલે સુપ્રીમ કોર્ટે ત્રણેય રાજ્યોની સરકારને નોટિસ પણ ફટકારી દીધી છે. આ આદેશ પર રોક લગાવતા કેસની આગામી સુનાવણી 26 જુલાઈના રોજ થશે. કોર્ટે કહ્યું કે દુકાનદારોને ફક્ત એ જણાવવાની જરૂરિયાત રહેશે કે કયા પ્રકારનું ખાવાનું વેચી રહ્યા છો, એટલે કે દુકાનદારે જણાવવું પડશે કે તેઓ નોનવેજ વેચી રહ્યા છે કે શાકાહારી ભોજન વેચી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- ભોજન વેચનારાને પોતાની દુકાન પર માલિક અને સ્ટાફની ઓળખ જણાવવી જરૂરી નથી.

કેન્દ્રીયમંત્રીએ કહ્યુ-કાંવડ યાત્રી જાતિ ધર્મની ઓળખ કરી કોઈની સેવા નથી લેતો...

ઉત્તર પ્રદેશમાં કાંવડ યાત્રા માર્ગ પર દુકાનદારોને ફરજિયાત પોતાના નામ લખવાના આદેશનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. આમાં ભાજપની સહયોગી પાર્ટીઓ પણ પાછળ નથી. JDU, LJP બાદ હવે રાષ્ટ્રીય લોકદળ (RLD)એ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. RLDના પ્રમુખ અને કેદ્રીયમંત્રી જયંત ચૌધરીએ કહ્યું હતું કે, કાંવડ યાત્રી જાતિ ધર્મની ઓળખ કરીને કોઈની સેવા નથી લેતો, આ મુદ્દાને ધર્મ સાથે જોડવો ન જોઈએ. ભાજપને વધુ સમજીને નિર્ણય નથી લીધો. બસ આ નિર્ણય લઈ લીધો હવે તેના પર ટકેલી છે સરકાર. અત્યારે પણ સમય છે સરકારે નિર્ણય પાછો લેવો જોઈએ. હવે ક્યા-ક્યા લખવું પોતાનું નામ, શું તમે કૂર્તા પર પણ નામ લખાવશો કે એ જોઈને હાથ મળાવશો મને?

'જો રામદેવને ઓળખ જાહેર કરવામાં વાંધો નથી, તો રહેમાનને શા માટે?' યોગ ગુરુએ કહ્યું

ઉત્તર પ્રદેશની CM યોગી આદિત્યનાથ સરકારે શુક્રવારે કાવડ યાત્રાળુઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે રાજ્યભરમાં કાવડ યાત્રાના માર્ગો પર આવતી તમામ ફળોની દુકાનો, ખાણીપીણી અને રેસ્ટોરાંના માલિકોને 'નેમ પ્લેટ' લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. વિરોધ પક્ષોએ તેને BJPની સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજનીતિ ગણાવી છે. જ્યારે, BJPનું કહેવું છે કે, હિંદુઓને પણ અન્ય ધર્મના લોકોની જેમ તેમની આસ્થાની પવિત્રતા જાળવવાનો અધિકાર છે. હવે આ મામલે યોગ ગુરુ બાબા રામદેવની પ્રતિક્રિયા સામે આવી છે.

બાબા રામદેવે કહ્યું છે કે, 'જો રામદેવને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા નથી તો રહેમાનને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા કેમ છે? દરેક વ્યક્તિ તેમના નામ પર ગર્વ અનુભવે છે. નામ છુપાવવાની જરૂર નથી, કામમાં શુદ્ધતા જ જોઈએ. અહીં આપને જણાવી દઈએ કે, UP સરકારની આ પહેલ પછી ઉત્તરાખંડે પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે કાવડ યાત્રા રૂટ પર આવતી ફળોની દુકાનો અને ખાણીપીણીની દુકાનો પર માલિકની નેમ પ્લેટ લગાવવાનો આદેશ બહાર પાડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp