શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો, હિંદુ પક્ષને ઝાટકો

PC: hindustantimes.com

મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદના સંબંધમાં સુપ્રીમ કોર્ટે મોટું પગલું ઉઠાવ્યું છે. કોર્ટે આ મસ્જિદનો સર્વે કરનારા કમિશનરની નિમણૂક કરવાના અલ્લાહાબાદ હાઇ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને હિન્દુ પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ કેસમાં સુનાવણી કરતા અલ્લાહાબાદ હાઇ કોર્ટ તરફથી કેસ સાથે જોડાયેલા બધા કેસોને પોતાની પાસે સુનાવણી માટે ટ્રાન્સફર કરવાના આદેશ પર સવાલ ઉઠાવ્યા.

કોર્ટે કહ્યું કે, જ્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો, ત્યારે હાઇકોર્ટે પોતાની પાસે કેસ કેવી રીતે ટ્રાન્સફર કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્લાહાબાદ હાઇકોર્ટ કેસમાં મેટનબિલ્ટી પર સુનાવણી કરી શકે છે, પરંતુ કમિશનરની નિમણૂકને લઈને હાઈકોર્ટના જજ આગળ નહીં વધે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન હિન્દુ પક્ષની દલીલો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમારી અરજી ખૂબ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટ રૂપે બતાવવું પડશે કે તમે શું ઈચ્છો છો.

એ સિવાય ટ્રાન્સફરનો કેસ પણ આ કોર્ટમાં પેન્ડિંગ છે. અમારે તેના પર પણ નિર્ણય લેવાનો છે. સુપ્રીમ કોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂક વિરુદ્ધ દાખલ કરેલી મુસ્લિમ પક્ષની અરજી પર હિન્દુ પક્ષને નોટિસ આપી છે. આ કેસ પર હવે 23 જાન્યુઆરીના રોગ આગામી સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે અલ્લાહાબાદ હાઇકોર્ટે 14 ડિસેમ્બરે શાહી ઈદગાહ મસ્જિદના સર્વેક્ષણને લઈને એક કોર્ટ કમિશનરની નિમણૂક કરવા પર સહમતી આપી હતી.

શાહી ઈદગાહમાં સર્વેની માગ માટે ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન અને 7 અન્ય લોકોએ વકીલ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદનના માધ્યમથી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદ નીચે છે અને ત્યાં ઘણા સંકેત છે જે સ્થાપિત કરે છે કે, તે એક સમયે હિન્દુ મંદિર હતું.

હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે, અરજીમાં અલ્લાહાબાદ હાઇકોર્ટ સમક્ષ એ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કે ત્યાં એક કમળ આકારનો સ્તંભ ઉપસ્થિત છે જે હિન્દુ મંદિરોની વિશેષતા છે. એ સિવાય ત્યાં શેષનાગની એક છબી પણ ઉપસ્થિત છે જે હિન્દુ દેવતાઓમાંથી એક છે. તેમણે જન્મવાળી રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. કોર્ટમાં એ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું કે મસ્જિદના સ્તંભો નીચેના ભાગ પર હિન્દુ ધાર્મિક પ્રતિક અને નક્શી છે. અરજીકર્તાએ કોર્ટને અનુરોધ કર્યો હતો કે કેટલાક નિર્ધારિત સમયની અંદર શાહી ઈદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા બાદ પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરવા માટે વિશિષ્ઠ નિર્દેશો સાથે કમિશનની નિમણૂક કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp