સુપ્રીમ કોર્ટે કંઈ રીતે વિદ્યાર્થીને IITમાં પ્રવેશ અપાવ્યો?

PC: twitter.com

એક મહત્વના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે IIT ધનબાદને નિર્દેશ આપ્યો છે કે, તે દલિત વિદ્યાર્થી જે સમયસર ફી જમા ન કરી શકવાના કારણે પ્રવેશ મેળવી શક્યો નહોતો, તેમને પ્રવેશ આપવામાં આવે. આર્થિક સંકડામણને કારણે વિદ્યાર્થી તેની ફી ભરી શક્યો ન હતો. ત્યાર પછી તે આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના રહેવાસી અને રોજમદાર મજૂરનો પુત્ર 18 વર્ષીય અતુલ કુમાર, તેના છેલ્લા પ્રયાસમાં JEE પરીક્ષા પાસ કરી હતી. તેને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ વિભાગમાં સીટ ફાળવવામાં આવી હતી, પરંતુ 24મી જૂનની અંતિમ તારીખ સુધીમાં ફી જમા કરાવવામાં નિષ્ફળ જવાને કારણે તેણે પોતાની સીટ ગુમાવવી પડી હતી.

આર્થિક તંગી હોવા છતાં, અતુલે હાર ન માની અને ઝારખંડ હાઈકોર્ટ અને પછી મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો. અંતે તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા.

સોમવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, 'આવી યુવા પ્રતિભાને ગુમાવવાનું અમે પરવડી શકે તેમ નથી. તે ઝારખંડમાં કાનૂની શરણમાં ગયો, પછી ચેન્નાઈમાં કાનૂની સેવાઓમાં ગયો અને છેલ્લે હાઈકોર્ટમાં ગયો. એક દલિત છોકરાને દરેક વખતે દરવાજાથી બહાર ધક્કો મારવામાં આવ્યો હતો.'

અતુલના વકીલે જણાવ્યું કે, તેના પિતા રોજના 450 રૂપિયા કમાય છે. તેણે કહ્યું, 'તેના માટે 17,500 રૂપિયાની વ્યવસ્થા કરવી બહુ મોટું કામ હતું. પિતાએ આ રકમ ગ્રામજનો પાસેથી એકઠી કરી હતી.' IIT ધનબાદના વકીલે દાવો કર્યો હતો કે, નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)એ અતુલ કુમારને SMS મોકલ્યો હતો અને IITએ તેમને બે વોટ્સએપ ચેટ દ્વારા પેમેન્ટ વિશે જાણ કરી હતી. વકીલે કહ્યું, 'તે દરરોજ લોગિન કરતો હતો.'

તેના પર જસ્ટિસ પારડીવાલાએ IIT ધનબાદને કહ્યું, 'તમે આટલો બધો વિરોધ કેમ કરી રહ્યા છો? તમે તેમાંથી રસ્તો કાઢવાનો કોઈ પ્રયત્ન કેમ નથી કરતા? સીટ એલોટમેન્ટ સ્લિપ બતાવે છે કે, તમે ઇચ્છો છો કે તે પેમેન્ટ કરે? અને જો તેણે કર્યું હોય તો બીજા કશાની જરૂર નહોતી.'

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું, 'તે એક આદર્શ વિદ્યાર્થી છે. 17,000 રૂપિયાના અભાવે તેને રોકી દેવામાં આવ્યો હતો.' સુપ્રીમ કોર્ટે એ હકીકતની નોંધ લીધી હતી કે, ફી જમા કરાવવાની અંતિમ તારીખ 24 જૂને સાંજે 5 વાગ્યાની હતી. અતુલના માતા-પિતાએ 4.45 વાગ્યા સુધીમાં ફીની વ્યવસ્થા કરી દીધી હતી, પરંતુ જ્યારે તેઓએ ચુકવણી કરી ત્યારે પોર્ટલ પર સમસ્યાઓ આવવા લાગી અને સાંજે 5 વાગ્યે પોર્ટલ બંધ કરી દેવામાં આવ્યું.

કોર્ટે એ પણ નોંધ્યું કે, અતુલ લોગિન વિગતો સાથે નિયમિતપણે પોર્ટલમાં લોગ ઇન કરી રહ્યો હતો. તેણે આવું શા માટે કર્યું તેનું કોઈ યોગ્ય કારણ નહોતું, જો તેની પાસે ફી ન હતી તો તે આ કેમ કરશે? અમે એ જોઈ રહ્યા છીએ કે યુવા પ્રતિભાને ફક્ત આના કારણે પાછળ રહેવા દેવાય નહીં. અમે આદેશ આપીએ છીએ કે અરજદારને IIT ધનબાદમાં દાખલ કરવામાં આવે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp