ભાજપને મોટો ઝટકો, આ પાર્ટીએ કહ્યુ-BJP સાથે અમારું કોઇ ગઠબંધન નથી, ચૂંટણી સમયે...
તમિલનાડુની મુખ્ય વિપક્ષ પાર્ટી AIADMKએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં પાર્ટીએ કહ્યું કે, તેમનું ભાજપા જોડે કોઇપણ રીતનું ગઠબંધન નથી અને ગઠબંધનને લઇ ચૂંટણી સમયે વિચાર કરવામાં આવશે. AIADMKના વરિષ્ઠ નેતા ડી. જયકુમારે આ નિવેદન આપ્યું છે અને ચોખ્ખું કહી દીધું કે આ તેમનું અંગત નિવેદન નથી બલ્કે તેમની પાર્ટીનું સ્ટેન્ડ છે.
ડી જયકુમારે ભાજપા અધ્યક્ષ અન્નામલાઈને ઘેર્યા
ડી જયકુમારે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈ પર નિશાનો સાધ્યો છે. જયકુમારે આરોપ લગાવ્યો કે, અન્નામલાઈએ દ્રવિડ રાજકારણના દિગ્ગજ નેતા સીએન અન્નાદુરઈની ટીકા કરી અને તેમની પાર્ટીના કાર્યકર્તા આ સહન કરશે નહીં. અન્નામલાઈએ AIADMK નેતાઓના વિરોધમાં પણ નિવેદનબાજી કરી અને દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાની પણ ટીકા કરી હતી. AIADMK પાર્ટીએ આના પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી. ડી જયકુમારે કહ્યું કે, અન્નમલાઇ નથી ઈચ્છતા કે ભાજપાનું AIADMKની સાથે ગઠબંધન થાય. જોકે ભાજપા કાર્યકર્તા આ ગઠબંધનના પક્ષમાં છે. પણ અમે અમારા નેતાઓની ટીકા સહન કરીશું નહીં. જ્યાં સુધી વાત ગઠબંધનની છે તો AIADMKનું ભાજપા સાથે કોઇ ગઠબંધન નથી. ગઠબંધન જો થશે તો ચૂંટણી સમયે જ આ વિશે વાત થશે.
અન્નામલાઈએ અન્નાદુરઈની કરી હતી ટીકા
ડી જયકુમારે સાથે એવું પણ કહ્યું કે, અન્નામલાઈ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બનવાને લાયક નથી. જણાવીએ કે ભાજપા પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ પાછલા દિવસોમાં રાજ્યના ધાર્મિક મામલાના મંત્રી પીકે શેખર બાબૂ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જે કાર્યક્રમમાં ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મના વિરોધમાં ટિપ્પણી કરી હતી, તે કાર્યક્રમમાં પીકે શેખર બાબૂ પણ હાજર હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન અન્નામલાઈએ કહ્યું કે, 1950ના દશકામાં અન્નાદુરઈએ પણ સનાતન ધર્મના વિરોધમાં ટિપ્પણી કરી હતી. જેનો સ્વતંત્ર સેનાની પસુંપન મુથુરામાલિંગા થેવર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અન્નામલાઈના આ નિવેદન પર AIADMKએ આપત્તિ વ્યક્ત કરી છે. AIADMKના નેતાઓએ કહ્યું કે, અન્નામલાઈએ જાણીજોઇને અન્નાદુરઈનું અપમાન કરવાની કોશિશ કરી છે અને તેમને અન્નાદુરઈના રાજકારણ અને જ્ઞાન વિશેની સમજ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp