મંદિર રાતોરાત નથી બન્યું, રામ જન્મસ્થળનો 500 વર્ષનો ઈતિહાસ સંઘર્ષોથી ભરેલો છે

PC: twitter.com

લવ-કુશથી શરૂ કરી નંદ અને મોર્યવંશ સુધી શ્રીરામ જન્મભૂમિનો વૈભવ અખંડ રહ્યો. ઈશુના દોઢ સૈકા પહેલા યવનરાજ મિલિન્દ દ્વારા શ્રીરામજન્મભૂમિ ઉપર પહેલું આક્રમણ થયું. અને ભીષણ સંગ્રામ પછી મંદિર તોડી પડાયું. એ હજારો વર્ષો પછી શ્રીરામ જન્મભૂમિ પર પહેલું વિદેશી આક્રમણ હતું. યવનોની આ સફળતા લાંબો સમય સુધી ટકી નહીં. કેવળ ત્રણ મહિનામાં જ શુંગવંશીય રાજા ધુંમત્સેને જોરદાર આક્રમણ કરી કૌશંબી પર કબજો જમાવી દીધો. આ યુદ્ધમાં મિલિન્દ માર્યો ગયો. જાગૃત હિંદુ સમાજે અપમાનનો બદલો તુર્તજ લઈ લીધો.

આ પછી પણ થોડા વર્ષો સુધી કૃષાણોનાં આક્રમણો થતાં રહ્યા. એક પ્રબળ વિદેશી શક્તિનાં પ્રારંભિક સંઘર્ષને કારણે શ્રી રામજન્મભૂમિ મંદિરની નવરચનાનું કાર્ય ખોરંભે પડી ગયું. લગભગ 100 વર્ષ સુધી શ્રી રામજન્મભૂમિ મંદિર બેહાલ દશામાં પડી રહ્યું. છતાંય હિંદુઓ મંદિરનાં દર્શને જતા-આવતા હતા. પૂજા અર્ચના થતી રહેતી હતી.

મહારાજા કુશ પછી ઈસુના એક સૈકા પહેલા ઉજ્જૈન માલવણનાં મુખ્ય મહારાજા વિક્રમાદિત્યનાં મનમાં શ્રી રામજન્મભૂમિ મંદિરનો પુનઃઉદ્ધાર કરવાની ઈચ્છા જાગી. પ્રાચીન દસ્તાવેજોનાં આધારે શોધખોળ શરૂ થઈ. લક્ષ્મણઘાટ પાસેનાં એક ટેકરાનું ખોદકામ શરૂ થયું. ખોદકામ દરમ્યાન શ્રીરામજન્મભૂમિ મંદિરનાં અવશેષો મળવા માંડયાં. તેના આધારે કસૌટી પત્થરનાં સ્થંભો પર વિશાલ શ્રીરામજન્મભૂમિ મંદિર બંધાઈ ગયું.

ભારતમાં મહારાણા સાંગા પર બાબરે આક્રમણ કર્યુ. 16 માર્ચ 1527નાં રોજ મહારાણા સાંગાની હાર થઈ. જીતેલા બાબરે અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ મંદિરને તોડવાનો આદેશ એના સેનાપતિ મીરબાંકીને આપીને ગયો. હિંદુસમાજે સતત સંઘર્ષ કર્યો બલિદાન આપ્યા અને તોપગાળાના સહારે મંદિર તોડીને મસ્જીદ બનાવવા સફળ થયો. સને 1528માં (બાબરનામાંની નોંધ મુજબ) હિંદુ મંદિર તોડી તેની સામગ્રીથી જ આ મસ્જીદ બનાવી છે. — ઈતિહાસકાર શ્રી નેવિલ.

1528માં જલાલશાહને બાબરે બોલાવીને મસ્જીદ નિર્માણ કરવાનું કામ સોંપ્યું. શ્રીરામજન્મભૂમિ મંદિર તોડવામાં આવ્યુ ત્યારે હિંદુઓએ પોતાનાં પ્રાણોની હોડ લગાવી દીધી. એક લાખ સિત્તેર હજાર હિંદુઓની લાશ ઢળી. ત્યારપછી જ મીર બાંકીને મંદિરને તોપના ગોળાથી તોડવામાં સફળ થયો.– ઈતિહાસકાર કનિંધમ.

ભીટી નરેશ મહારાજ મહેતાબસિંહે શ્રીરામજન્મભૂમિ મંદિર પરનાં હુમલાના સમાચાર મળતાં બદરીનાથની યાત્રા અટકાવી શ્રીરામજન્મભૂમિનાં રક્ષણ કાજે 80000ની સેના સાથે 17 દિવસ સંઘર્ષ કર્યો.

જલાલશાહે હિંદુઓનાં લોહીના ગારાથી લાખોરી ઈટોને મસ્જીદના પાયામાં ચણી હતી. બારાબાંકીના ગેઝેટીયર હેમિલટનની નોંધ.

સૂર્યવંશીય ક્ષત્રિયોના પુરોહિત દેવીદીન પાંડેની શ્રીરામજન્મભૂમિ માટેની લાગણી પણ આવી હતી. શ્રીરામજન્મભૂમિને શાહી કબજામાંથી છોડાવવા માટે બે વાર હુમલા થયા. આ માણસે કેવળ ત્રણ કલાકમાં શાહી ફોજનાં 700 સૈનિકોને કાપી નાખ્યા.

અયોધ્યાથી 70-80 માઈલ દૂર હંસવર રાજય હતું તત્કાલીન રાજા રણવિજયસિંહ અને મહારાણી જયરાજકુમારી. એમના આનંદ સંપ્રદાયના પૂ.સ્વામી મહેશ્વરાનંદજી પ્રમુખ ધર્માચાર્ય હતા. શ્રીરામજન્મભૂમિ ઉપરનાં આક્રમણો વધશે એ સમજીને જ તેઓએ આજુબાજુનાં રાજા-મહારાજાઓને સંઘર્ષ કરવા પ્રેરણા આપી. દેવીદીન પાંડે (સૂર્યવંશી ક્ષત્રિયોના પુરોહિત)ની વીરગતિનાં સમાચારે રાજા રણવિજયસિંહ દુઃખી હતા.

શ્રીરામજન્મભૂમિ મંદિરને બચાવવા 15 દિવસ સુધી બાબરની સેના સાથે યુદ્ધ કર્યુ અંતે વીરગતિ પામ્યા. ત્યારબાદ મહારાણી જય રાજકુમારી અને સ્વામી મહેશ્વરાનંદજી એ પણ આ યુદ્ધમાં સંઘર્ષ કર્યો.

 મહારાણી જયરાજકુમારીએ ત્રણ હજર નારીદળ સાથે કહેવાતી બાબરી મસ્જીદ પર આખરી હુમલો (દશમીવાર)માં સફળતા મેળવી હતી. તે પછીનાં થોડા જ સમયમાં શાહી ફોજે મહારાણી અને સ્વામીજીની ઉપર હુમલો કર્યો જેમાં બંને સ્વર્ગે સિધાવ્યા.

સ્વામી મહેશ્વરાનંદજી અને મહારાણી જયરામકુમારીનાં સ્વર્ગે ગયા પછી અકબરનાં કાળમાં બલરામાચાર્યે સંઘર્ષનું નેતૃત્વ લીધુ હતું તે સમયે કયારેક હિંદુ જીતે તો કયારેક મુસલમાન સતત સંઘર્ષ ચાલ્યો.

દીવાન એ અકબરી ગ્રંથ લખે છે કે અકબરે બીરબલ અને ટોડરમલની સલાહથી બાબરી મસ્જીદ સામે ચબુતરો બાંધી તેનાં પર નાનુ શ્રીરામમંદિર બાંધવાની છુટ આપી. આ સ્વામી બલરાચાર્યે અકબરના કાળમાં કરેલ વીસ આક્રમણોનો પ્રભાવ હતો. આ સમાધાન જહાંગીર અને શાહજહાં સુધી અમલમાં રહ્યું હતુ.

ગુરૂ ગોવિંદસિંહ અને બાબા વૈષ્ણવદાસે છેલ્લો હુમલો કર્યો. તેમાં શાહી ફોજે મોટું નુકશાન વેઠવું પડયુ. આ લડાઈમાં શાહજાદા હસન અલી ખાન પણ માર્યા ગયા. આલમગીરનામા (ઔરંગાઝેબ લેખ છે) શ્રી રામજન્મભૂમિ ઉપરનો ચબુતરો અને મંદિર ઔરંગઝેબની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. ઈ.સ. 1664માં તે પોતે જ સેના લઈને અયોધ્યા પહોચ્યો હતો.

વિશાળ સેના સાથે સતત સંઘર્ષ કરવાથી હિંદુ સેના ક્ષીણ થઈ ગઈ. છેલ્લા યુદ્ધમાં દસ હજાર હિંદુઓનાં બલિદાન લેવાયા. મંદિરના પૂર્વ દરવાજે કંદર્પ કુવો હતો જેને હિંદુઓની લાશોથી ભરી દીધો. એને ગંજ શહીદા નામ આપવામાં આવ્યું. મુસલમાની સેના એ ચબુતરો અને મંદિર તોડી નાંખ્યા. (ખોદી નાંખ્યા)

ઔરંગઝેબનાં લાખો પ્રયત્ન છતાં હિંદુઓનાં પુજાપાઠ રોકી શકયા નહીં લાખો લોકો-શ્રદ્ધાળુંઓ અયોધ્યા આવતાં ચબુતરો અને મંદિરનાં સ્થાને ખાડાનું રૂપ લીધું હતુ તેમાં પત્ર-પુષ્પ-ફળ-પાણી ચઢાવતા અને ભારે હૃદયે અમે અમારી શ્રી રામજન્મભૂમિ પાછી લઈશું અને શ્રીરામની પુનઃપ્રતિષ્ઠા કરીશું. ત્યારે જ સુખનો શ્વાસ લઈશું નો સંકલ્પ કરતા.

છત્રપતિ શિવાજી પછી અખિલ ભારતીય સ્તરે મહારાષ્ટ્રના જે વીરપુરૂષોએ ભારતવર્ષમાં સ્વરાજય સ્થાપનાના ધ્યેયને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો. તેઓમાં મહાદજી સિંધિયાનું સ્થાન મોખરે છે. એમણે ઈ.સ. 1711માં દિલ્હીમાં પોતાનો ઝંડો ફરકાવી દીધો. મુઘલ બાદશાહ શાહઆલમને પદભ્રષ્ટ કરી ફરીથી એને જ પ્રતિનિધી તરીકે સિંહાસન પર બેસાડયો. મુઘલ બાદશાહ હવે નામ માત્રના શાસક રહી ગયા.

મહાદજી સિંધિયાનાં પ્રયાસોને કારણે ઈ.સ.1789માં શાહઆલમે હિંદુઓનો ભાવનાનો આદર કરી કરોડો હિંદુઓની ભાવનાનો આદર કરી કરોડો હિંદુઓની ભાવનાઓને આઘાત આપનાર ગોવધન બંધ કરાવ્યો. એક વર્ષ પછી 1790માં મથુરા વૃદાંવન અને કાશીના તીર્થ સ્થાનો મહાદજી સિંધિયાનાં પ્રયાસોથી હિંદુઓને પરત મળ્યા. 

દુર્ભાગ્યવશ મહાદજી સિંધિયા નાના ફડનવીસ અને શાહ આલમ અકાળે સ્વર્ગે સિંધાવ્યા. પરિણામે શ્રીરામજન્મભૂમિનું કામ અધુરુ રહ્યુ અને દિલ્હી પર યુનિયન ઝેકા ફરકવા લાગ્યો.

અમેઠીનાં રાજા ગુરૂદત્તસિંહ પિપારાનાં રાજા રાજકુમાર સિંહે શ્રીરામજન્મભૂમિ મંદિર પર પુનઃ અધિકાર સ્થાપવા નવાબી સેના પર પાંચ આક્રમણો કર્યા હતા. ગુરૂદત્તસિંહે નવાબી સેનાને હાર આપી. એ યુદ્ધ 1763માં લડાયું. એમ સુલતાનપુર ગેઝેટમાં લખાયું.

બહરાઈચનાં ગેઝેટમાં પિયર્સન લખે છે કે શ્રીરામ જન્મભૂમિ પર અધિકાર જમાવવા માટે નસીરૂદીનનાં સમયમાં મકરહીના તાલુકેદાર સાથે મળી-હિંદુઓની ભીડે જબરજસ્ત ત્રણવાર હુમલા કર્યા – નવાબી સેના છેલ્લા હુમલામાં હારી. પરંતુ ત્રીજે દિવસે જબરજસ્ત નવાબી કુમક આવી પહોંચી હિંદુઓ બુરી રીતે હારી ગયા.

વાજીદઅલી શાહનાં શાસન દરમિયાન બાબા ઉદ્ભવદાસ અને રામચરણ દાસે ભારે હુમલા કર્યા.

ગૌંડા નરેશ દેવી બખ્તસિંહ બાબા રામચરણદાસજી બાબા ઉદ્ભવદાસજી અને અમીર અલીએ 1857ની ક્રાંતિ જવાળા પ્રગટાવી અમીર અલીએ મુસ્લીમોને એકત્રિત કરી શ્રીરામ જન્મભૂમિ એ હિંદુઓનું શ્રદ્ધા સ્થાન હોઈ એમને પાછી સોંપવા સમજાવ્યા હતા. આ મુસ્લીમોએ પ્રસ્તાવ પસાર કર્યો હતો પણ 1857ની ક્રાંતિ અસફળ રહી. અંગ્રેજોએ –18 માર્ચ 1857 નાં દિવસે કુબેર ટેકરી પર આવેલ આંબલીના ઝાડ પર બાબા રામચરણદાસ અને અમીર અલીને ફાંસી આપવામાં આવી. અંગ્રેજો હિંદુ – મુસ્લીમોને પરસ્પર ઉશ્કેરવામાં સફળ થયા. હિંદુઓએ અંગ્રેજોનાં સમયમાં 1912 અને 1934માં બે આક્રમણો કર્યા.

બીજા આક્રમણ સમયે તથા કથિત બાબરી મસ્જીદને ભારે નુકશાન થયેલ. તોડીફોડી નાંખેલ. પરંતુ તાત્કાલીન ફૈજાબાદ નાયબ કમિશ્નર જે.પી.નિકલ્સને એ સ્થળે ફરીથી મસ્જીદ બનાવી દીધી તો પણ આ સમયથી આ આક્રમણ પછી ત્યાં નમાજ પઢવાની બંધ થઇ ગઈ.

સ્વાતંત્ર્ય બાદ પણ શ્રીરામજન્મભૂમિ સ્વતંત્ર ન થઇ.

15 મી ઓગષ્ટ 1947માં દેશના ભાગલા પડયા. દેશ આઝાદ થયો. બધાને એમ હતું કે હવે શ્રીરામજન્મભૂમિ મંદિર આઝાદ થશે. છતાંય એમ ના થયું. અયોધ્યાવાસીઓએ પ્રદેશ અને કેન્દ્ર સરકારને શ્રીરામજન્મભૂમિ મુકત કરી ગુલામીનું કલંક ધોવા વીનવ્યા. પણ બિનસાંપ્રદાયિક સરકારનાં બહેરા કાને સંભળાયું નહિ. 1949માં અયોધ્યામાં નવાહન રામાયણ પાઠના આયોજનનો મુસલમાનો એ વિરોધ કર્યો ફૈજાબાદનાં પ્રશાસને હિંદુઓને ધમકી આપી. બંધ કરો રામાયણપાઠ. ત્યારે 23/12/1949 નાં ઐતિહાસીક દિને પ્રાતઃ કાલ 4 વાગ્યે શ્રીરામજન્મભૂમિ મંદિરમાં બાલસ્વરૂપ શ્રી રામચંદ્રજીનો પ્રાદુંભાવ થયો. આ ઘટનાને નજરે જોનાર ચોકીદાર હવાલદાર અબુલ બકસે તત્કાલીન જિલ્લાધીસ કે.કે.નાયક સમક્ષ જુબાની ભરી અદાલતમાં આપી. જુબાની-હિંદુઓની કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ નથી. પણ 22-23 ડિસેમ્બર મધરાતે લગભગ 2 વાગ્યે બાબરી મસ્જીદમાં રોશની જોવા મળી. રોશનીમાં અત્યંત ખુબસુરત ચાર-પાંચ વર્ષનો બાળક દેખાયો. એના વાળ વાંકોળિયા હતા. આ જોઈને હું બેહોશ થઈ ગયો. હું ભાનમાં આવ્યો ત્યારે દરવાજાનું તાળુ તૂટીને જમીન પર પડેલુ. મસ્જીદમાં હિંદુઓની બેસુમાર ભીડ હતી. સિંહાસન પર કોઈ મૂર્તિ હતી. લોકો આરતી ઉતારતા હતા ને ગાતા હતા. ભયે પ્રકટ કૃપાલા-દીનદયાલા કૌશલ્યા હિતકારી…

શ્રીરામજન્મભૂમિ મંદિરમાં શ્રીરામલાલાની મૂર્તિ પ્રગટ થયા પછી મુસ્લીમોનું એક પ્રતિનિધિ મંડળ મૌલાના અબુલ કલામ આઝાદ અને 5.જવાહરલાલ નહેરૂંને મળીને શ્રીરામ જન્મભૂમિની પ્રતિમા હટાવવા માંગ કરી. 29 ડિસેમ્બર 1949 નાં દિવસે અતિરિકત મેજિસ્ટ્રેટ માર્કેડ સિંહનાં આદેશ મુજબ ભારતીય દંડ સંહિતા 145 પ્રમાણે ભવન પર જપ્તી લાવવામાં આવી. અંતે પોલીસ પહેરો બેસાડી દેવામાં આવ્યો.

અયોધ્યાનાં અનીસુંર રહેમાને પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કર્યુ કે મુસલમાનો ને 22 નવેમ્બર 1950 નાં રોજ નમાજ પઢવામાં ખલેલ પડેલ હતી. અને 26 નવેમ્બર 1949 થી અહીં બિલકુલ નમાજ પઢવામાં આવી ન હતી.

શ્રી ગોપાલસિંહે 1950માં એક અરજી કરી દાદ માંગી કે ભગવાન શ્રીરામ તેમજ અન્ય મૂર્તિઓને મુકદ્દમાનો છેવટનો નિર્ણય ન આવે ત્યાં સુધી જન્મસ્થાનમાંથી હટાવવામાં ન આવે. તેમજ મંદિરનાં પ્રવેશદ્વાર બંધ કરવામાં ના આવે. અંદર આવતા જતાં લોકોને પૂજા-પાઠ કરતા અટકાવવામાં ના આવે. તત્કાલીન સિવિલ જજે આ અરજી સ્વીકારી લીધી. અને અરજીમાં માંગ્યા મુજબનાં હુકમો કરી દીધા. આ હુકમ વિરૂદ્ધ અનીસુર-રહમાને અલ્હાબાદ વડી અદાલતમાં અપીલ કરી હતી પણ 30 મે 1950 ના દિવસે આ અરજી કાઢી નાંખવામાં આવી હતી. ન્યાયાલયના સ્પષ્ટ આદેશ પછી યે શ્રીરામજન્મ સ્થાન પર સરકારી તાળાં લાગેલા હતા.

શ્રી રામજન્મભૂમિ મુકિત અભિયાનની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂઆત.

7–8 એપ્રિલ 1984 નાં દિવસે દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મસંસદ યોજાઈ. ધર્મસંસદે શ્રીરામજન્મભૂમિ મુકિત આંદોલનની સઘળી જવાબદારી સ્વીકારી.

18 જુન 1984ને દિવસે દિગંબરી અખાડાના પૂ.મહંત સ્વામી રામચંદ્રદાસ પરમહંસનાં અખાડામાં (અયોધ્યામાં) ગૌરક્ષ પીઠાધીશ મહંત અવૈધનાથજી મણિરામ છાવણીનાં મુખ્ય મહંત પૂ.નૃત્યગોપાલદાસજી પૂ.સુગ્રીવ કિલાધીશ પુરૂષોતમાચાર્ય વિશ્વ હિન્દુ પરિષદનાં મા.અશોક સિંઘલ મળી દાઉદયાલ ખન્નાને શ્રીરામજન્મભૂમિ મુકિત યજ્ઞ સમિતિનાં સંયોજક બનાવ્યા. દાઉદયાલ ખન્ના એ મૂળ કોગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા.

21 જુલાઈ 1984 નાંરોજ શ્રીરામજન્મભૂમિ મુકિત યજ્ઞ સમિતિનાં સંમેલનમાં મહંત અવૈધનાથજી (ગૌરક્ષપીઠ) ને અધ્યક્ષ બનાવ્યા. ઉપાધ્યક્ષ તરીકે પૂ.નૃત્યગોપાલદાસજી અને પૂ.રામચંદ્ર પરમહંસને બનાવ્યા. દાઉદયાલ ખન્નાને મહામંત્રી બનાવ્યા.

22 નવેમ્બર 1984 નાંરોજ વિનય કટીયાર (એકક્ષ એમ.પી.) ના સંયોજક પદે બજરંગદળની સ્થાપના કરવામાં આવી.

શ્રીરામજન્મભૂમિ મંદિરનાં તાળાં ખોલાવવા અભિયાન–

અયોધ્યામાં 7 ઓકટોબર - 1984 ને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ભારતનાં સર્વપંથોના ધર્માચાર્યો એક મંચ પર સરયુ નદીનાં કિનારે હતા. હજારોની જનમેદનીને કેરલનાં સંત પૂ. સ્વામી ભૂમાનંદજી દેવવાણી સંસ્કૃતમાં સરયુની સાક્ષીમાં સંકલ્પ કરાવ્યો. તેનો હિંદી અનુવાદ જગદ્ગુરૂ પૂત્ર શિવરામાચાર્ય એ વાંચ્યો.

અયોધ્યામાં મર્યાદા પૂરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીની જન્મભૂમિ આપણાં પરતંત્ર કાળમાં તો પરકીયોનાં અધિકારમાં રહી જ. પરંતુ આજે દેશ સ્વતંત્ર થયાને આટલા વર્ષો થયા છતાં પણ જન્મભૂમિમાં બિરાજેલ ભગવાન શ્રીરામનું સ્વરૂપ આજે પણ તાળાંમાં બંધ છે. આપણાં પૂર્વજોએ લાખો બલિદાનો આપ્યા. પૂર્વજોના આ પવિત્ર સંકલ્પને પૂર્ણ કરવા માટે તન-મન-ધનપૂર્વક મારી જાતને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લઊં છું. 7 ઓકટોબર -1984ની અયોધ્યાની ધર્મસભામાં તાળાં ખોલવાની માંગ કરવામાં આવી. 8 ઓકટોબર -1984માં સવારે શ્રીરામ જાનકી રથયાત્રા અયોધ્યાથી લખનૌ પહોંચી ત્યારે વિરાટ જનસમુદાયનો સહયોગ છ લાખની જનમેદની લખનૌની સભામાં હતી.

26 માર્ચ 1985-અયોધ્યા મણીરામ છાવણીમાં યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદનો યોજનાથી સમિતિમાં 50 લાખ સત્યાગ્રહઓની ભરતી કરવાનો નિર્ણય.

આગામી 18 એપ્રિલ 1986 રામનવમી સુધી શ્રીરામજન્મભૂમિનાં તાળાં ખોલવા માંગ કરવામાં આવી. અને જો સરકાર નહીં માને તો બલિદાન ના માર્ગે જઈશ એવી ઘોષણા કરવામાં આવી.

21 ઓકટોબર 1985 નાં રોજ સાત- રામજાનકી રથો ઉત્તરપ્રદેશનાં ગામેગામ ભ્રમણ કરવા જન-જાગરણ કરવા નીકળ્યા. રામ-જાનકીની પ્રતિમાવાળા રથોને અભૂતપૂર્વ જન સમર્થન મળ્યુ.

19 નવેમ્બર-1985 વિજયાદશમી સુધીમાં ઉત્તરપ્રદેશમાં બધા પ્રખંડોમાં 1500 ધર્મસંમેલન યોજાયા. જેમાં લાખો રામભક્તો સંકલ્પબદ્ધ થયા.

દિગંબરી અખાડાના પ.પૂ. મહંત રામચંદ્રદાસજી પરમહંસે શ્રીરામજન્મભૂમિનાં તાળા ના ખૂલ્યા તો આત્મદાહની ઘોષણા કરી. સરકારનું સિંહાસન ડોલ્યુ ને 1/2/1986 નાં દિવસ ફૈજાબાદનાં એક એડવોકેટ ઉમેશચંદ્રજીની અરજીનો ચુકાદો આપતાં જિલ્લા ન્યાયાધીશ કૃષ્ણમોહને શ્રીરામજન્મભૂમિનાં તાળાં ર્તૃત જ ખોલી નાંખવાનો આદેશ આપ્યો.

આ આદેશ સાંભળતા જ અયોધ્યાની ગલીઓ -રામભક્તોનો ઘોડાપુર શ્રીરામજન્મભૂમિ મંદિર 5હોંચ્યા – શ્રીરામજી જેલ મુકત થયા. ઈતિહાસની આ શુભ ઘડી સ્વતંત્ર ભારતમાં હિંદુઓની સામુહિક શકિતનો પ્રથમ વિજય હતો.

1 ફેબ્રુઆરી 1986 નાંરોજ સાજે 5 કલાક 19 મીનીટે તાળાં ખૂલતાં જ.... અયોધ્યા – ફૈજાબાદનાં કેટલાંક મુસ્લીમોએ સ્વાગત કર્યુ. રાજનીતિ પ્રેરિત કેટલાંક મુસલમાને એ બાબરી મસ્જીદ એકશન કમિટી બનાવીને અયોધ્યામાં નમાજ પઢવાની જાહેરાત કરી કાળા વાવટા ફરકાવ્યા. મુસલમાનોનાં કાગારોળ સામે કોગ્રેસની સરકાર ઝુકી. રામજાનકી રથોને રોકી દીધા.

શાણા મુસ્લીમ નેતાઓએ શ્રીરામજન્મભૂમિનો પ્રશ્ન ન ચગાવવા અપીલ કરી. સુધારાવાદી મુસ્લીમ નેતા મુકતાર અબ્બાસ નકવી એ જણાવ્યું કે શ્રીરામ વિના ભારતની કલ્પના પણ કેવી રીતે કરી શકાય રામ જન્મભૂમિ હિંદુઓને સોંપી દેવામાં જ રાષ્ટ્રીય શાણપણ છે.

આરીફ મોહમદ બેગ એ જણાવ્યું કે એક મસ્જીદ માટે આટલો ઓહાપોહ કરવાની કઈ લાચારી છે આજે હિદુંસ્તાનમાં કેટલીય મસ્જીદોમાં નમાજ નથી પઢાતી. હરિયાણા-પંજાબમાં કેટલીય મસ્જીદોમાં ઢોર બંધાય છે.

ડૉ. અબ્બાસ મિર્જા ઈકલાબી મંત્રી ખુમૈની અરબી દારૂલઉલુમ લખનૌ એ એક નિવેદનમાં જણાવ્યું કે જે ભાગને બાબરી મસ્જીદ કહેવામાં આવે છે એ વાસ્તવમાં શ્રીરામજન્મભૂભિ છે અને સદા રહેશે. જે આ વાતનો ઈન્કાર કરે છે અને એ પોતાને મુસલમાન કહેવડાવે છે તેઓ દુનિયાને દગો આપે છે.

કોઈપણ સ્વાધીન રાષ્ટ્ર પોતાનાં ગુલામીનાં ચિહનોને ભૂંસી નાંખવાનું પોતાનું કર્તવ્ય સમજે છે. અંગ્રેજો ગયા તો તેની પ્રતિમાઓ બધે થી હટાવી દેવામાં આવી.

રાષ્ટ્રીય અસ્મિતાને આઘાત પહોંચાડનાર મહમુદ ગઝનીના ક્રુર કૃત્યરૂપ સોમનાથનાં મંદિરની જગ્યાએ પડેલા મસ્જીદનાં અવશેષોને સરદાર પટેલે મુસલમાનોની સંમતિથી દૂર કરી અપમાનનું કલંક દૂર કર્યુ.મહમુદ ગઝની અને બાબરે હિંદુઓનાં શ્રદ્ધાકેન્દ્રોને નષ્ટ કર્યા. એમણે તોડેલ શ્રીરામજન્મભૂમિ કૃષ્ણજન્મભૂમિ અને બાબા વિશ્વનાથ મંદિરનો સ્વતંત્ર ભારતમાં પુર્નરૂદ્ધાર થવા જ જોઇએ.

શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલન 1984 થી વિશ્વ હિન્દુ પરિષદના નેતા મા. અશોક સિંઘલનાં વિચાર-યોજના મુજબ જ ચાલ્યું.

વિવિધ મત પંથ સંપ્રદાયનાં સંતોની બનેલ ધર્મસંસદ અને વિશ્વ હિન્દુ પરિષદ આયોજીત સંત સંમેલન–ધર્મસંમેલન જનજાગરણનાં કાર્યક્રમોનું મહાન યોગદાન રહ્યું.

1984 –પ્રથમ ધર્મસંસદ -દિલ્હી – 76 પંથોનાં 558 સંતોની ઉપસ્થિતિમાં રામ-કૃષ્ણ-વિશ્વનાથની મુકિત માટે માંગ કરવામાં આવી.

દ્વિતિય ધર્મસંસદ– ઓકટોબર 1985 ઉડુપી (કર્ણાટક) દેશભરનાં 750 સંતો એ ભાગ લીધો. શ્રીરામ જન્મભૂમિ મંદિર પર લાગેલ તાળાં ખોલવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી.

19/1/1986 લખનૌમાં તાળાં ખોલાવવા માટે આંદોલનની તૈયારી- તાળાના ખુલે તો 8 માર્ચ 1986 થી તાળાં તોડો સંઘર્ષની જાહેરાત.

તૃતિય ધર્મસંસદ-પ્રયાગ - 1989 દેશભરમાં શ્રીરામ-જાનકી રથયાત્રાઓ દ્વારા થયેલ જાગરણથી 1/2/1986 નાંરોજ કોટ દ્વારા શ્રીરામજન્મભૂમિનાં તાળાં ખુલતાની સાથે જ દેશમાં ગામે ગામ રામશીલાઓનાં પૂજનના કાર્યક્રમો કરીને 9 નવેમ્બર -1989 નાંરોજ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ મંદિરનો શિાલાન્યાસ કરવાનો નિર્ણય કર્યો.

આ ધર્મસંસદમાં જગદ્ગુરૂ રામાનુજાચાર્ય સ્વામી વાસુદેવાચાર્યજીની અધ્યક્ષતામાં યુવા સંમેલન તથા જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી જયેન્દ્રસરસ્વતીજીની અધ્યક્ષતામાં તથા બ્રહ્મર્ષિ દેવરહાબાબાની ઉપસ્થિતીમાં સંત સંમેલન સંપન્ન થયા. 

શ્રી રામશીલા પૂજન :-

સૌંગધ રામ કી ખાતે હૈ મંદિર વહીં બનાયેંગે અવધપુરી ના ધામમાં ઈટ અમારા ગામની..... હિંદુ રકતનાં ટીપેટીપે મંદિર બનશે ઈટે ઈટે.....

શ્રી રામશીલા પૂજન અને શ્રીરામ મહાયજ્ઞનાં વિરાટ કાર્યક્રમ તા.30/9/1989 થી 09/11/1989 નાં 40 દિવસનો અભૂતપૂર્વ કાર્યક્રમ નકકી થયા.

વિશ્વ હિન્દુ પરિષદનાં નેતૃત્વમાં શ્રીરામજન્મભૂમિ ન્યાસનાં નામે પ્રત્યેક હિન્દુ પાસેથી સવારૂપિયો અને પ્રત્યેક ગામોમાંથી રામભકત હિંદુજનતા દ્વારા એક ઈટનું પૂજન જેને રામશીલા કહેવામાં આવી એનું પૂજન પ્રારંભ થયું.

ગામે ગામ મંદિરોમાં તથા સાર્વજનિક સ્થાનો પર ધર્મસભાનું આયોજન.

શ્રી રામજન્મભૂમિ મુકિતનો સંકલ્પ.

પ્રસ્તાવ પસાર કરીને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીને મોકલવા.

પ્રતિજ્ઞાપત્રો ભરાવીને ભારત સરકારને મોકલવા.

ગામે ગામ પુજીત રામશીલાઓ જિલ્લા કેન્દ્રમાં શ્રીરામ મહાયજ્ઞો આયોજીત થયા. 5 લાખ ગામોમાં શ્રી રામશીલાઓનું પૂજન અને 8 કરોડ રૂપિયાની રાશિ એકત્ર થઇ. જિલ્લા કેન્દ્રમાંથી રાજય સ્તરે રામશીલાઓ પહોંચીને વિરાટ ધર્મસભાએ શ્રી રામશીલાઓ અયોધ્યા પહોંચી.

દેશભરનાં સંતો –રામભક્તો અયોધ્યા પહોંચ્યા. કોગ્રેસની સરકારો- સેકયુલર નેતાઓનાં શ્રીરામ જન્મભૂમિ વિરોધી સૂર દબાઈ ગયા. જાગૃત હિંદુ શકિતનાં દર્શન અયોધ્યામાં દેખાયા. રામની ભકિત એ દેશની શકિત દેખાઈ. ત્યારે 9/11/1989 નાંરોજ શ્રીરામ જન્મભૂમિ ઉપર મંદિરનો શીલાન્યાસ કરવાનાં દૃઢ સંકલ્પ કરતાં સાધુ–સંતો-રામભક્તોની શકિત કેન્દ્રની કોગ્રેસ સરકાર ઝુકી. ગૃહમંત્રી બુટાસિંજી દ્વારા જાહેરાત થઇ કે શ્રીરામ જન્મભૂમિ – વિવાદીત જગ્યા છે જ પરંતુ સંતો જયાં શીલાન્યાસ કરવા માંગે છે તે જગ્યા વિવાદીત નથી. કેન્દ્રની સરકારે અનુમતી આપી. આ હિંદુઓનો ભવ્ય વિજય હતો. 9/11/1989 નાંરોજ એક હરિજન-દલિત શ્રી કામેશ્વરજી ચૌપાલ દ્વારા દેશનાં વરિષ્ઠ સંતો આરએસએસ - વિહિપ. નાં નેતાઓની હાજરીમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શીલાન્યાસ થયો.

તા. 10/11/1989 નાં રોજ અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદનાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક યોજાઈ. જેમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનાં શીલાન્યાસ પછી મંદિરનાં નિર્માણ માટે કારસેવા નો કાર્યક્રમ કરવાની અને જો નિર્માણકાર્ય શરૂ ના થાય તો સત્યાગ્રહ પ્રારંભ કરવાની જાહેરાત થઇ. 

તા.27–28 જાન્યુ.1990 પ્રયાગમાં શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ કરવા માટે 14/2/1990 નું મુર્હુત જાહેર કર્યુ. કેન્દ્ર સરકારએ ચર્ચાનો દોર શરૂ કરતા પ્રધાનમંત્રીને 4 મહિનાનો સમય આપવાનો નિર્ણય લીધો. તા. 23-24 જુન 1990 હરિદ્વારમાં યોજાયેલ કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠકમાં મંદિર નિર્માણનો પ્રારંભ કરવા 30 ઓકટોબર 1990ની તિથિ નકકી કરવામાં આવેલ. આ બેઠકમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો કે મંદિરનું પ્રારૂપ તિથિ ગર્ભગૃહ પર કોઈ વાતચીત કરવામાં નહીં આવે.

આ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કારસેવકોની ભરતી અભિયાન માટેની વ્યાપક યોજના હાથ ધરાઈ. રા.સ્વ.સંઘ દ્વારા પણ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલનને તત્કાલીન સરસંઘચાલકજીએ પૂર્ણ સમર્થન જાહેર કર્યું. દેશભરમાં જનજાગરણ માટે અયોધ્યામાં આયોજીત યજ્ઞમાં અરણીમંથનથી પ્રજવલીત જયોતને ગામે ગામ પહોંચાડવા આ વર્ષની દિવાળી શ્રીરામ જયોતથી પ્રગટવાનો સંકલ્પ અને ચલો અયોધ્યાનાં અભિયાનને તેજ કરવા શ્રીરામ જયોતિ રથયાત્રાનું ભ્રમણ શરૂ થયું. ગામેગામ ધર્મસભાઓમાં રામભક્તો અયોધ્યા જવા કારસેવક તરીકે નામ લખાવવા ઉમટી પડ્યા.

આ બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે જાહેર કર્યુ કે એક પંખી ભી પેર નહીં માર શકતા – અયોધ્યા ઉત્તરપ્રદેશમાં કારસેવકો નાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયા. અયોધ્યા અને ઉત્તરપ્રદેશમાં કોઈ પ્રવેશીના શકે એવી કિલ્લેબંધી કરી દીધી.

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મા.લાલકૃષ્ણ અડવાણીએ કારસેવા- 30 ઓકટોબર 1990 ને સમર્થન જાહેર કરી ચલો અયોધ્યાના અભિયાનને સફળ બનાવવા 25 સપ્ટેમ્બર 1990 નારોજ સોમનાથ થી અયોધ્યા રામ રથયાત્રા પ્રારંભ કરી. આ સોમનાથ -અયોધ્યા યાત્રાનાં સંયોજક તરીકે વર્તમાન પ્રધાનમંત્રી મા. નરેન્દ્રભાઈ મોદી હતા. આ યાત્રા એ શ્રી રામજન્મભૂમિ આંદોલનને ખુબ શકિત આપી અંતે બિહાર સમસ્તીપુર આ રથ પહોંચતા બિહાર સરકારે રથ અટકાવી લાલકૃષ્ણ અડવાણીને જેલ ભેગા કર્યા.

હિંદુ સમાજની પ્રતિષ્ઠાનો સવાલ હતો કોઈ પણ સંજોગોમાં 30 ઓકટોબર 1990 એ કારસેવા પ્રારંભ થાય. મુલાયમસિંહની કિલ્લેબંધી આખા ઉત્તરપ્રદેશને જેલમાં ફેરવી- અયોધ્યા જનારાઓ જયશ્રીરામ બોલનારા સૌને જેલ ભેગા કરવામાં આવી રહ્યા.

30 ઓકટોબર-90 અયોધ્યામાં કારસેવા થાય એ માટે રામભક્તોનાં દ્દઢ સંકલ્પથી કારસેવકો અયોધ્યા શ્રીરામજન્મભૂમિ પર પહોચવા સફળ થયા. જેનાં નેતા મા.અશોક સિંઘલનાં શીરે પોલીસની લાઠી વાગી લોહી લુહાણ થયા.

શ્રીરામજન્મભૂમિ મંદિર -અયોધ્યા ઉપરનાં ગુલામીનાં અવશેષોની નિશાનોઓને દૂર કરવા કારસેવકો નો જત્થો મંદિર સુધી પહોંચી ગયો. એટલું જ નહીં. કહેવાતા ઢાંચા પર ભગવો ધ્વજ ફરકાવીને કારસેવા કરી દીધી. કારસેવકો એ પ્રાણની હોળી ખેલી. જે હિંદુઓએ નકકી કરેલ કે 30 ઓકટોબર 1990 નારોજ કારસેવા થશે જ અને થઈ. આ સંગઠિત જાગૃત હિન્દુઓનો વિજય હતો. રાજસત્તા પરાજીત થતાં કારસેવકો પર ક્રુર લાઠીચાર્જ ગોલીબાર કરવામાં આવ્યા. અનેક કારસેવકો રામશરણ થયા. 2 નવેમ્બર 1990 નાંરોજ કારસેવક કોઠારી બંધુઓ ને મોતને ઘાટ ઉતારી દેવાયા.

વિશ્વ હિન્દુ પરિષદ તા. 13/1/1991 નાંરોજ પ્રયાગમાં વિરાટ સંત સંમેલન યોજાયું. ઓકટોબર 1990 – નવેમ્બર 1990ની કારસેવા દરમિયાન હુતાત્મા થયેલ કારસેવકોનાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા.

2-3 એપ્રિલ -1991 નારોજ નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત અધીવેશનમાં 30 ઓકટોબર 1990 - 2 નવેમ્બર 1990 નાંરોજ અયોધ્યામાં થયેલ સંતોના અપમાન અને હિંદુવિરોનાં બલીદાનને યાદ કરીને આવનારી ચૂંટણીમાં વિવેકપૂર્વક મતનો ઉપયોગ કરવા આહવાન કર્યુ. જેનું પરિણામ પણ દેખાયું. ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન વધતું ગયું.

4 એપ્રિલ 1991 નાંરોજ બોટકલબ પર દિલ્હીમાં 25 લાખની જનતાએ શ્રીરામજન્મભૂમિ મંદિરના સમર્થનમાં મહાપ્રદર્શન કર્યુ. વરિષ્ઠ સંતો રાજકીય નેતા મા.અટલજી મા.અડવાણીજી મા.મુરલી મનોહર જોશી મા.વિજયારાજે સિંધીયા સહિત સંઘ પરિવારના નેતાઓ એ ધર્મસભા ગજવી હતી.

પાંચમી ધર્મસંસદ -30 31 ઓકટોબર 1992 દિલ્હીમાં યોજાઈ. દેશભરનાં 5 હજાર સંતોએ ભાગ લીધો. અને અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992 નાંરોજ શ્રીરામજન્મભૂમિ મંદિર પુનનિર્માણની તિથિ નકકી કરવામાં આવી. તા.13/5/1992ની ઉજજૈનમાં યોજાયેલા સંત સંમેલનમાં 9 જુલાઈ 1992થી સર્વદેવ અનુષ્ઠાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તે મુજબ શ્રી રામપાદુકા પૂજન રથયાત્રા દ્વારા રામસેવકોની ભરતી કરી અયોધ્યા જવા આહ્વાન કરવામાં આવેલું હતું.

6 ડિસેમ્બર 1992ની કારસેવકને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નંદીગ્રામમાં પૂજીત શ્રીરામપાદુકા પૂજન કરીને ગામેગામ પૂજન કરવા અને ચલો અયોધ્યાના આહવાન કરવા શ્રીરામપાદુકા પૂજન રથયાત્રા ગામે ગામ ફરી. ખૂબ સફળતાપૂર્વક રથયાત્રાઓ દ્વારા અયોધ્યા જવા માટે કારસેવકોની ભરતી કરી. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી કલ્યાણસિંહજીનાં મંદિર નિર્માણનાં સંકલ્પને કારણે રામસેવકો અયોધ્યા પહોંચ્યા.

6 ડિસેમ્બર 1992 નાં રોજ કારસેવા માટે કોંટ દ્વારા આનાકાની અને અટકાવતા કારસેવકોનો ગુસ્સો કહેવાતા બાબરી ઢાંચા પર તૂટી પડયો. પાંચ કલાકમાં રામસેવકો – કારસેવકો દ્વારા ઢાંચાનો કાટમાળ સરયૂ નદીમાં વહાવી દીધો. અને સોંગધ રામ કી હમ ખાત હૈ મંદિર વહીં બનાયેંગે નો સંકલ્પ પૂર્ણ કર્યો. શ્રી રામલલાને બિરાજમાન કરાવી દીધા પછી સરકારે આ સ્થાનનો કબજો લીધો. 6 ડિસેમ્બર 1992 નારોજ થી રામલલા કંતાન – પ્લાસ્ટીકનાં ઝોંપડામાં રહેતા હતા.

6 ડિસેમ્બર 1992 નો ઢાંચો ધ્વસંત થતાં કેન્દ્રની કોંગ્રેસ સરકારે ભા.જ.પા.ની ચાર રાજયોની સરકારોને વિસર્જિત કરી નાખી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પર પ્રતિબંધ મુકી દીધો. ભારતમાં રામભક્તો અને બાબરભક્તો એમ બે ભાગમાં વહેંચાયો.

શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલનનાં કારણે 1992 પછી દેશમાં થયેલ વિરાટ હિન્દુ જાગરણથી રામજન્મભૂમિનાં રામભકત કોણ

રામ ભકત એ જ રાષ્ટ્રભકત.....

ભારતીય જનતા પાર્ટી એ ભારતની રાજનીતીમાં પોતાનો ડંકો વગાડી દીધો.

તીર્થરાજ પ્રયાગના મહાકુંભ 2001નાં અવસરમાં આયોજીત નવમી ધર્મસંસદમાં પધારેલા પૂજય ધર્માચાર્યો તથા સંતોએ સ્પષ્ટ ઘોષણા કરી કે શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણનાં સમસ્ત વિઘ્નોને અવિલંબ દૂર કરે જેથી મહાશિવરાત્રી 12 માર્ચ 2002 પછી કોઈ પણ શુભ દિવસે મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ કરી શકાય. જનજાગૃતિ અને સમર્થન માટે ધર્મસંસદમાં નીચે મુજબનાં ઘોષિત કાર્યક્રમ :-

  1. પુરૂષોતમ માસમાં ભગવાનને શંકરનો અભિષેક –

તા. 18-9-2001 થી 16-10-2001 આ સમય દરમિયાન ભારતભરમાં શિવાલયોમાં જલાભિષેક સાથે શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણના અવરોધ દૂર થાય એ માટે પ્રાર્થના કરવામાં આવી.

  1. વિજયમહામંત્ર શ્રીરામ જય રામ જય રામ જય જય રામના જપ

કોઈ એક મંત્રનાં 13 કરોડ જપ કરવાથી તે મંત્ર સિદ્ધ થઈ જાય છે. એક એક પ્રખંડમાં 13 કરોડ મંત્ર જાપ કરીને તે પ્રખંડને સિદ્ધક્ષેત્ર બનાવવા માટે 26 નવેમ્બર 2001 થી પ્રારંભ કરવામાં આવેલ. જેમાં લાખો મંદિરો કરોડો રામભક્તો રોજ 11 માળા શ્રીરામ જય રામ જય જય રામ નાં મંત્ર જાપમાં કરોડો રામ ભક્તો સામેલ થયા.

સમર્થ ગુરૂ રામદાસજી મહારાજે શ્રીરામ જય રામ જય જય રામ મંત્રના તેર કરોડ જપ કરીને મંત્ર સિદ્ધ કર્યો હતો. આ સંકલ્પ સિધ્ધીથી છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા હિન્દવી સ્વરાજયની સ્થાપના થઇ શકી. મંત્ર સિદ્ધ થવાથી સંકલ્પ સિધ્ધી થાય છે. 

નવમી ધર્મસંસદે ઘોષણા કરી ભારતમાં 10000 સિદ્ધક્ષેત્રોમાં ઉપર્યુકત વિજય મહામંત્રના જપ થશે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમસ્ત ગામ-નગર-વસ્તીમાં બે હજાર વ્યકિતઓ રોજ-26 નવેમ્બર 2001 થી 11 માળા જપ કરશે. 65 દિવસ રોજ 2000 વ્યકિતનો 11 માળા શ્રીરામ જય રામ જય જય રામના જય દ્વારા સિદ્ધક્ષેત્રનું નિર્માણ કરવાનું કાર્ય થયુ.

આ જપયજ્ઞની પૂર્ણાહુતિ માટે અયોધ્યામાં તા.17/2/2002 થી હોતાત્મક શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. પોતાના સિદ્ધક્ષેત્રમાંથી શ્રીફળ ઘી આહુતિ માટે હવન સામગ્રી પોતાની સાથે લઈને નિશ્ચિત તિથી એ આવવાની યોજના બની.

સિદ્ધક્ષેત્ર નાં નિર્માણ માટે કરોડો રામભક્તોની સામુહિક જપશકિત એ દેશમાં ખુબ જાગરણ કર્યુ.

  1. અયોધ્યાથી દિલ્હી સુધી ચેતવણી સંત યાત્રા 20-1-2001 થી 27-1-2001 સુધી યોજાઈ. તેના દ્વારા સિદ્ધક્ષેત્રોમાં હિંદુ સંમેલન યોજાયા.

આ વિરાટ કાર્યક્રમ દરમિયાન બજરંગદળ દ્વારા સપ્ટેબર- દ્વારા પણ બજરંગદળમાં હિંદુ યુવાનોની ભરતી અને જિલ્લાકેન્દ્ર પર સંકલ્પ રેલીનાં કાર્યક્રમો યોજાયા.

ગોધરાકાંડ:– (હિંદુશકિત પ્રગટીકરણ)

વિશ્વ હિન્દુ પરિષદની સંગઠનની રચના મુજબ ગુજરાતમાંથી 22-2-2002 નારોજ અયોધ્યા પૂર્ણાહુતિ યજ્ઞમાં ભાગ લેવા 2200 રામસેવકો-જપસાધકો જેમાં 600 મહિલાઓ સહિત નો પ્રથમ જથ્થો અયોધ્યા પહોચ્યો.

અયોધ્યા પૂર્ણાહુતિ યજ્ઞ 24-25 ફેબ્રુઆરી 2002માં ભાગ લીધો. 25-2-2002 નાંરોજ સાંજે સાબરમતી એકસપ્રેસમાં અમદાવાદ પરત આવવા નિકળ્યા. સવારે 27-2-2002 નાંરોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર રામસાધકોની એસ/6 બોગી પર બાબર ભક્તો એ હુમલો કર્યો. ટ્રેનને આગ લગાડી દીધી. એસ/6 બોગીમાં મહિલા રામભક્તો હતા. જેઓ ખુબ ખરાબ રીતે એસ/6 રામસાધકો બળીને ભસ્મ થઈ ગયા. મહિલાઓને બચાવવા માટે ભાઈઓએ પણ પ્રાણની હોળી ખેલવી પડી. ગુજરાત સહિત દેશભરમાં આ ઘટના એ હિન્દુ સમાજને હચમચાવી દીધો. દેશનાં મિડિયામાં આ ઘટનાએ સ્થાન જમાવી દીધું. નિર્દોષ સાધકોનાં બલીદાનથી સમગ્ર રામભકત હિંદુ સમાજ સ્તબ્ધ હતો તો કેટલાંક ભાગોમાં પ્રતિક્રીયા પણ થઇ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 28/2/2002 નાંરોજ ગુજરાત બંધનાં એલાન દ્વારા આ દુર્ઘટનાને વિરોધ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં પ્રતિક્રિયા સ્વરૂપે આમ રામભકત હિંદુ સમાજે જાગૃત શકિતને પરિચય આપ્યો.

આ જાગરણે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હિંદુઓનાં હૃદય સમ્રાટ બનાવી દીધા. નરેન્દ્ર મોદી – મુખ્યમંત્રી ના હોત તો હિંદુઓનો કોઈ બેલી જ ના હોત એવી ચર્ચાઓ થવા માંડી.

હિંદુ વિરોધી મિડિયા અને સેકયુલરવાદીઓનાં હિંદુદ્રોહીની માનસિકતા છતી થઈ. કોગ્રેસનાં નેતાઓની હિંદુ વિરોધની માનસિકતા છતી થઈ પરિણામે જાગૃત હિંદુ સમાજે પુનઃ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવીને ગુજરાતનાં મુખ્યમંત્રીપદે નરેન્દ્ર મોદીને બીરાજમાન કર્યા.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પરામર્શથી સતત ચાલતી કોંટ કાર્યવાહીમાં અંતે ભગવાન શ્રીરામલલાનો વિજય થયો. શ્રીરામજન્મભૂમિ મંદિરનું ભૂમિપુજન-શિલાન્યાસ દેશનાં પ્રધાનમંત્રી મા.નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સંપન્ન થયો. અને હવે પ્રાણપ્રતિષ્ઠા એ પણ ભારતના પ્રધાનમંત્રી મા.નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે સંપન્ન થશે. એ વિશ્વનાં હિન્દુઓ માટે ગૌરવની ક્ષણ બનશે.

1984 થી પ્રારંભ થયેલ શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણનાં આંદોલનથી સુસુપ્ત રહેલ હિંદુ સમાજ વિવિધ પંથ સંપ્રદાયનાં સૌ સંતોનાં સંગઠનની વિરાટ શક્તિથી જાગૃત હિંદુ સમાજે સત્તાનાં સિંહાસને રામભક્તોને બિરાજમાન કર્યા. પરિણામે 22 જાન્યુઆરી 2024 એ દુનિયામાં ગૌરવનો દિવસ બની જશે. લાખો રામભક્તોનાં બલિદાનથી સતત સંઘર્ષથી વર્તમાનમાં શ્રીરામજન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ એ ભારતને હિંદુ ભારતને વિશ્વગુરૂના પદે બિરાજમાન કરવા વિશ્વપુરૂષ વિકાસપુરૂષ ભારતનાં શ્રેષ્ઠ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે વિશ્વ નતમસ્તક થઈ રહ્યું છે.

સંકલન–અરવિંદભાઈ ત્રિકમભાઈ બ્રહ્મભટ્ટ (આર.એસ.એસ.ના પૂર્વ પ્રચારક-વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ કેન્દ્રીય મંત્રી-વર્તમાનમાં સંયોજક અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp