જાન આવવા પહેલા કન્યા ભાગી, પ્રેમી સાથે મંદિરમાં 7 ફેરા લીધા, પોલીસ સ્ટેશન પહોંચી

PC: hindi.news18.com

ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. ખુશીનો માહોલ હતો. બધા મહેમાનો આવી ગયા હતા. સાંજે લગ્નની જાન આવવાની હતી પરંતુ તે પહેલા જ દુલ્હન ઘરેથી ભાગી ગઈ હતી. તે ભાગી ગઈ અને તેના પ્રેમી સાથે મંદિરમાં સાત ફેરા લીધા હતા. ત્યારપછી તે તેના પ્રેમી સાથે પોલીસ પાસે પહોંચી હતી. અહી પરિવારજનોને આ વાતની જાણ થતાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

મામલો UPના કૌશામ્બી જિલ્લાનો છે. જ્યાં યુવતીએ કરારી પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસને રક્ષણ માટે અરજી કરતા કહ્યું કે, તે પુખ્તવયની છે, પરંતુ તેના પરિવારના સભ્યો તેની મરજી વિરુદ્ધ બીજે લગ્ન કરી રહ્યા છે. જેથી તેણે ભાગીને તેના પ્રેમી સાથે મંદિરે જઈને ત્યાં સાત ફેરા લઇ લીધા છે.

પોલીસને ફરિયાદ આપતાં યુવતીએ કહ્યું કે, તે 21 વર્ષની છે. આવી સ્થિતિમાં, મને મારો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. પરંતુ, મારા પિતા મારા પ્રેમ લગ્નથી ખૂબ જ નાખુશ છે અને તેઓ મને અને મારા બોયફ્રેન્ડને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેથી પોલીસને જાન-માલની સુરક્ષા માટે અપીલ કરવામાં આવી છે.

અહીં આપને જણાવી દઈએ કે, આ ઘટના કરારી પોલીસ સ્ટેશન વિસ્તારના ઈબ્રાહીમપુર ગવારા ગામમાં બની હતી, જ્યાં રહેતી એક યુવતી (21)એ કરારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે તેના ગામના એક યુવક સાથે પ્રેમમાં છે. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ છોકરીના પરિવારને આ વાતની જાણ થતાં જ તેઓએ એકબીજાને મળવા પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું.

યુવતીના કહેવા પ્રમાણે, અમારા પિતા આ સંબંધની વિરુદ્ધ હતા. તેઓ બીજા કોઈ છોકરા સાથે બળજબરીથી મારા લગ્ન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે તે ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરવા મજબૂર બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે દિવસે (7 ડિસેમ્બર) યુવતીના લગ્ન થવાના હતા, તે દિવસે સવારે તે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારપછી તે ગામથી દૂર ચાલી ગઈ અને એક મંદિરમાં તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. મંદિરના સાત ફેરા લીધા પછી યુવતી તેના પ્રેમી સાથે કરારી પોલીસ સ્ટેશન પહોંચી અને તેના પિતાથી તેના પ્રેમીના જીવને ખતરો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

આ દરમિયાન, જ્યારે છોકરી પક્ષ અને વર પક્ષને આ અંગેની માહિતી મળી, ત્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં ભારે હોબાળો થયો. જોકે પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. આ કેસમાં યુવતીનું કહેવું છે કે, તે પોતાની મરજીથી તેના પ્રેમી સાથે આવી છે. કોઈએ કોઈ મદદ કરી નથી. મારી ઈચ્છા મુજબ મેં આ લગ્ન કર્યા છે.

DSP સદર અભિષેક કુમાર સિંહે જણાવ્યું કે, તેમના ધ્યાન પર એક વીડિયો આવ્યો હતો જેમાં એક છોકરો અને છોકરીએ મંદિરમાં લગ્ન કર્યા હતા. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, બંને કરારી વિસ્તારના રહેવાસી છે અને એક જ જાતિ અને ગામના છે. બંને પુખ્ત પણ છે. આ વાતથી યુવતીના પિતા નારાજ હતા. પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા બંને પક્ષના લોકોને સમજાવવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્ટેશન ઈન્ચાર્જ કરારી અને ચોકીના ઈન્ચાર્જને સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp