કેન્દ્રના સસ્તી સારવારના પ્લાન ઊંધા, તબીબી ક્ષેત્રે ઉઘાડી લૂંટ

PC: ihealthkonnect.com

કેન્દ્ર સરકાર ગરીબો અને મધ્યમવર્ગને સસ્તી સારવાર મળે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ડૉક્ટર અને દવા બનાવતી કંપનીઓ વચ્ચેના નેક્સસને તોડવું કઠીન છે, કારણ કે સૌથી વધુ મલાઇ તો કન્સલ્ટન્સી કરતા દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખવામાં મળે છે. ડૉક્ટરો તેમજ હોસ્પિટલોમાં કોર્પોરેટ કંપનીઓના એજન્ટો વિવિધ પ્રલોભનો આપીને કંપનીની દવાઓ લખવા ડૉક્ટરોને મજબૂર કરે છે.

ગુજરાતમાં તો આ નેક્સસ માત્ર પ્રાઇવેટ હોસ્પિટલો કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો અને દવા કંપનીઓ વચ્ચે નથી પરંતુ સરકારી હોસ્પિટલોમાં પણ હવે તો આ સડો ઘૂસી ગયો છે. દવાની પ્રોડક્શન કિંમત કરતા અનેકગણા ભાવ લઇને દવાની કંપનીઓ તેમજ ડૉક્ટરો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આ વેપાર અબજો રૂપિયામાં ચાલે છે અને વૈશ્વિક છે.

કેન્દ્ર સરકારે જીવનજરૂરી 1014 દવાઓના ભાવ નિયત કરાવ્યા છે. આ દરથી જો દવાઓ વેચાય તો વર્ષે દહાડે દેશના નાગરિકોને 2810 કરોડ જેવી બચત થાય છે. વધુમાં ડૉકટરો પણ મેડીસીન પ્રિસ્કીપ્શન જેનેરીક દવાના નામથી લખે તે માટે સુચનાઓ આપવામાં આવેલી છે, સાથે જ જેનેરીક દવાઓનો વ્યાપ વધે તે માટે સરકારે દેશભરમાં 3000 થી વધુ જનઔષધિ સ્ટોર ખોલ્યા છે.

હૃદયના ઓપરેશનમાં બેસાડવાના સ્ટેન્ટની કિંમત જે પહેલા રૂ. 1.50 લાખથી રૂ.2 લાખ થતી હતી તે ઘટાડીને બેયર મેટલ સ્ટેન્ટ માટે 7400 અને ડ્રગ ઇલ્યુટિન્ગ સ્ટેંટ માટે 30180 મહત્તમ બાંધી દેવામાં આવી છે. જેના થકી વર્ષે 4450 કરોડથી પણ વધુ રકમની બચત હાર્ટના દર્દીઓને થઇ રહી છે. જો કે આ કિંમતના સ્ટેન્ટ આપવા માટે ડૉક્ટરો કે હોસ્પિટલો રાજી નથી કારણ કે તેમાં માર્જીનનું પ્રમાણ ખૂબ ઓછું છે. ડૉક્ટરો તેમના દર્દીને ડર બતાવે છે કે આવું સસ્તું સ્ટેન્ટ નાંખવું જોખમી છે તેથી ઇમ્પોર્ટેડ અથવા ઊંચી કિમતનું સ્ટેન્ટ નાંખવું જોઇએ કે જેનાથી જીવનભર કોઇ પ્રોબ્લેમ ઉભો ન થઇ શકે.

સસ્તા મેડીકલ ઇક્વિપમેન્ટ માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ એક નિર્ણય લીધો હતો. સરકારે પોતાના એક પ્રવચનમાં જ ઘૂંટણના ઓપરેશન ('ની' રીપ્લેસમેન્ટ)માં વપરાતા ઇમ્પ્લાન્ટસની કિંમત ઘટાડવાના સંકેત આપ્યા હતા,અને તુરંત જ કેન્દ્ર સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્મા વિભાગ દ્વારા 'ની' રીપ્લેસમેન્ટ ઇન્પ્લાન્ટસની કિંમત ઘટાડીને ફિક્સ કરી દેવામાં આવી છે.

ઘૂંટણની રીપ્લેસમેન્ટ માટે જુદી-જુદી ઈમ્પ્લાઈન્ટસ્ મુજબ હાલમાં જે ખર્ચ થયો હતો તેમાં માતબર ઘટાડો કરવામાં આવ્યો છે, તે પ્રમાણે ખૂબ જ પ્રચલિત કોબાલ્ટ ક્રોમિયમ ઈમ્પ્લાન્ટસનો હાલ 1.62 લાખ જેટલો ખર્ચ થતો હતો જે હવે રૂ.55,000 થશે. સ્પેશિયલ ધાતુ ટાઈટેનિયમ અને ઓક્સિડાઈઝ્ડ ઝીરકોનિયમનો હાલ સુધી ખર્ચ 2,50,000 થતો હતો, જે હવે ફક્ત 77,000 થશે.

એવી જ રીતે હાઈ ફ્લેક્સિબલ ઈમ્પ્લાન્ટસનો ખર્ચ 1,82,000 થતો હતો જે હવે 57,000 મહત્તમ થશે, જ્યારે ઈમ્પ્લાન્ટસની બીજીવારની સર્જરી માટે ખર્ચ 2,77,000 થતો હતો,જે હવે 1,20,000 થશે. આમ ઘૂંટણના દર્દીઓ માટે ખૂબજ ફાયદાકારક નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં અંદાજે 2 કરોડ જેટલા ઘૂંટણના દર્દીઓ છે, જેમાંથી 1.5 લાખથી 2 લાખ લોકો ઘૂંટણનું ઓપરેશન કરાવે છે, પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા ઘૂંટણની સારવાર સસ્તી કરાતા આ દર્દીઓને પણ હવે સારવાર મળી શકશે. આ નિર્ણયથી ઘૂંટણના ઇમ્પ્લાન્ટસની કિંમત ફિક્સ થવાથી દર્દીઓને દર વર્ષે અંદાજે 1500 કરોડની બચત થશે.

આમ, દવાની કિંમત, સ્ટેન્ટની કિંમત અને 'ની' રિપ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટની કિંમત નિયત કરવાથી, વર્ષે 8760 કરોડથી પણ વધુ રકમની બચત થવાનો પ્રાથમિક અંદાજ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંથી દેશના દર્દીઓને ગુણવત્તાયુકત તબીબી સારવાર સસ્તા ભાવે મળી રહી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ ડૉક્ટરો અને હોસ્પિટલો સરકારના ભાવે મેડીકલના સાધનો વેચવા તૈયાર નથી. સરકારના ભાવે દવા લખી આપવા માટે રાજી નથી.

કેન્દ્ર સરકારના દબાણ હેઠળ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ તેમની પોલિસીમાં ફેરફારો કરી રહી છે. મેક્સ બૂપા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(આઈએમએ)ના ડૉક્ટરોને હાલમાં જ એક સર્ક્યુલર જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા તમામ મેડિક્લેમ રોકી દેવામાં આવશે. માત્ર જેનેરિક દવાઓવાળા મેડિક્લેમ જ પાસ કરવામાં આવશે.

આ અંગે ડૉક્ટરોનું કહેવું છે કે, આ સર્ક્યુલરને માનવો અશક્ય છે, માત્ર જેનેરિક દવાઓ દ્વારા ઈલાજ કરવો શક્ય નથી. કેટલીક કેટલીક ગંભીર બીમારીઓ જેવી કે, કેન્સરના રોગ માટે જરૂરી દવાઓ માત્ર બ્રાન્ડ્સમાં જ ઉપલબ્ધ હોય છે. 21 એપ્રિલ 2017ના રોજ દેશની સર્વોચ્ચ મેડિકલ રેગ્યુલેરટર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સર્ક્યુલર જાહેર કર્યો હતો, તે અનુસાર તમામ ફિઝિશિયન્સે સ્પષ્ટપણે કેપિટલ લેટર્સમાં જેનેરિક દવાઓ જ લખવાની રહેશે, અને તેની સાથે તેનો નુસ્ખો અને ઉપયોગ પણ દર્શાવવાના રહેશે આમ છતા આ પ્રકારના આદેશોનું પાલન થતું નથી, ગુજરાતમાં જેનેરિક સ્ટોરમાં જરૂરી દવાનો જથ્થો હોતો નથી અથવા તો ઇરાદા પૂર્વક કંપનીઓ સ્ટોક આપતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp