આ બંનેના ચહેરા પર ન જતા, કરોડોનું ફૂલેકું ફેરવીને ભાગ્યા છે, આવી રીતે છેતરતા

PC: paripoornanews.com

UPના કાનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોક્કસ વય પછી દરેક મનુષ્ય વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે. 64 વર્ષની ઉંમરે 25 વર્ષનું દેખાવું એ દરેકની ઈચ્છા હોય છે, ખાસ કરીને મહિલાઓની. કાનપુરમાં એક દંપતીએ વૃદ્ધાવસ્થામાં યુવાન દેખાશોની લાલચ આપીને લોકોની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. આ દંપતીએ ઈઝરાયેલમાંથી 25 કરોડ રૂપિયાનું મશીન મંગાવીને અને 64 વર્ષના એક વ્યક્તિને 25 વર્ષનો દેખાતો હોવાનો દાવો કરીને ઓક્સિજન થેરાપી આપીને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી રહ્યા છે.

જીમ સંચાલક રાજીવ દુબે અને તેની પત્ની રશ્મિ દુબે, સ્વરૂપ નગરના પ્રણામ પ્રભુ એપાર્ટમેન્ટના રહેવાસી છે અને તેઓ વૈભવી જીવન જીવે છે. જેના કારણે સારા સમાજના લોકો તેમના તરફ આસાનીથી આકર્ષાયા હતા. રાજીવ દુબે અને તેની પત્ની રશ્મિ દુબેએ કિડવાઈ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત સાકેત નગરમાં રિવાઈવલ વર્લ્ડ નામની સંસ્થા ખોલી હતી. આ યુગલ સ્વભાવે ખૂબ જ સુંદર અને ખુશમિજાજનું હતું. જેના કારણે લોકો સરળતાથી કપલની જાળમાં ફસાઈ જતા હતા.

સારા સમાજની મહિલાઓ અને પુરુષો પોતાને ફિટ રાખવા માટે રાજીવ દુબેના જિમમાં આવતા હતા. રાજીવ અને રશ્મિ જિમમાં આવતા મધ્યમ વયના લોકોને યુવાન દેખાવાની ટિપ્સ કહેતા. આ કપલ તેમને કહેતું હતું કે, દુનિયાના સૌથી જુવાન અને સૌથી સુંદર લોકો ઈઝરાયેલમાં રહે છે. પરંતુ ઇઝરાયેલના લોકો આટલા સુંદર અને યુવાન કેમ છે, તેમની યુવાનીનું રહસ્ય ઓક્સિજન ઉપચાર છે.

દુબે દંપતીની જાળમાં જે પણ ફસાતા તેમને રિવાઇવલ વર્લ્ડ સંસ્થામાં બોલાવવામાં આવતા હતા. આ દંપતી તેમને ઈઝરાયેલી મશીનનો વીડિયો બતાવતા હતા, જેના દ્વારા ઓક્સિજન થેરાપી આપવામાં આવે છે. આ મશીનની કિંમત 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. દરેક વ્યક્તિ 64 વર્ષની ઉંમરે 25 વર્ષનો દેખાવા માંગતો હોય છે. દંપતીની જાળમાં જે ફસાતું તેની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હતી.

લોકો સાથે કનેક્ટિવિટી જાળવવા માટે કપલ નાની નાની પાર્ટીઓનું આયોજન કર્યા કરતું હતું. જેમાં આધેડ મહિલાઓ અને પુરૂષોને આમંત્રિત કરતા હતા. પાર્ટી દરમિયાન કપલ સોશ્યિલાઇઝ કરતું હતું અને તેમને વિશ્વાસમાં લેતું હતું. આ પછી દંપતી પાર્ટીમાં આવેલા લોકોને જુવાન દેખાડવાની આખી સ્કીમ સમજાવતા હતા. એટલું જ નહીં રાજીવ અને રશ્મિએ પોતાની સુંદરતાનું રહસ્ય પણ ઓક્સિજન થેરાપી બતાવતા હતા. દરેક વ્યક્તિ યુવાન દેખાવાની ઇચ્છામાં તેની જાળમાં ફસાઈ જતા હતા.

સ્વરૂપ નગરની રહેવાસી રેણુ સિંહે 20 સપ્ટેમ્બરે છેતરપિંડી કરનાર કપલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. DCP અંકિતા શર્માએ જણાવ્યું કે, 15 પીડિતોએ દંપતી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં છેતરપિંડીનો ભોગ બનેલા 20 લોકો સામે આવ્યા છે. પોલીસ આ મામલે એક્સપર્ટનો અભિપ્રાય લેશે અને CMO કાનપુરને પત્ર મોકલીને માહિતી માંગી છે. યુવાન દેખાવા માટે થેરાપી તરીકે જે મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ખરેખર એ જ થેરાપી છે કે કેમ, તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. હવે પોલીસે ચાર્જશીટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. ચાર્જશીટની સાથે પોલીસ કોર્ટમાં મજબૂત પુરાવા પણ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કપલની શોધમાં સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. ફરાર દંપતીએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ દંપતીને શોધવા માટે ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp