કોર્ટના નિર્ણયની અસર દેખાવા લાગી, કાંવડ માર્ગ પર દુકાનદારોએ નેમપ્લેટ હટાવી
શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને તેની સાથે જ પવિત્ર કાવડ યાત્રાનો પ્રારંભ થયો છે. માટલીમાં ગંગાજળ લઈને જતા ભક્તોની લાઇનો આજથી રસ્તાઓ પર જોવા મળશે. શિવભક્તિમાં તલ્લીન આ ભક્તોને લોકો 'ભોલે' કહે છે. મીડિયા સૂત્રને હરિદ્વારમાં બે ભક્તો ગંગા જળ લઈ જતા જોવા મળ્યા હતા. તેમાંથી એક હિંદુ અને બીજો મુસ્લિમ છે. તેમની ભક્તિ ગંગા-યમુનાની સંસ્કૃતિ અને સંવાદિતાનું જીવંત ઉદાહરણ છે. બીજી તરફ, શ્રાવણ મહિનાના પહેલા દિવસે નેમ પ્લેટના આદેશ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે અનેક દુકાનદારો અને લારી વિક્રેતાઓમાં ખુશીની લહેર છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોને નેમપ્લેટ લગાવવાનું ફરજિયાત બનાવવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના વચગાળાના સ્ટે પછી દુકાનદારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવે દુકાનો પરથી નેમપ્લેટ હટાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે UP, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારોને પણ નોટિસ પાઠવી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 26મી જુલાઈએ થશે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ચર્ચિત થયેલા આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, અમે ઉપરોક્ત સૂચનાઓના અમલીકરણ પર રોક લગાવવા માટે વચગાળાનો આદેશ પસાર કરવાનું યોગ્ય માનીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઢાબા માલિકો, ફળ વિક્રેતાઓ, હોકર્સ સહિતના ખાદ્ય વિક્રેતાઓએ ખોરાકનો પ્રકાર અથવા સામગ્રી દર્શાવવાની જરૂર પડી શકે છે, પરંતુ તેમને માલિકોની ઓળખ જાહેર કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. હાલમાં સુપ્રીમ કોર્ટે UP અને ઉત્તરાખંડની સરકારોને પણ નોટિસ પાઠવી છે. કોર્ટે કહ્યું કે જો અરજદારો અન્ય રાજ્યોનો ઉમેરો કરશે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે.
નેમપ્લેટ વિવાદ પર હરિદ્વારમાં કાવડ લઈ જઈ રહેલા બે ભક્તો સાથે મીડિયા સૂત્રએ વાત કરી હતી. તેમાંથી એકનું નામ હર્ષ કટારિયા અને બીજાનું નામ મોહમ્મદ સલમાન છે. આ બંને દિલ્હીથી આવ્યા છે. સલમાને કહ્યું કે, તે આ જળ શિવ મંદિરમાં ચઢાવશે. સલમાનના પરિવાર કે તેના સમાજને મંદિર જવાથી કોઈ વાંધો નથી.
હર્ષે કહ્યું કે, તે સલમાન સાથે મસ્જિદ પણ જાય છે. તેણે કહ્યું કે તેના મિત્ર સલમાને કાવડને લઈને તમામ નિયમો અને ધર્મનું પાલન કર્યું છે. નેમપ્લેટના વિવાદ પર તેણે કહ્યું કે, તે ખાણી-પીણી માટે ઢાબા પર જતી વખતે ભેદભાવ રાખતો નથી. હોટેલમાં જમતા પહેલા તેઓ ખાલી પૂછે છે કે, ખાવામાં લસણ અને ડુંગળી ઉમેરવામાં આવી છે કે નહીં. વાતચીત દરમિયાન ખબર પડી કે સલમાન પણ આ સમયે તેના મિત્રો સાથે લસણ અને ડુંગળી નથી ખાતો.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. SPના વડા અખિલેશ યાદવે કહ્યું, 'જે ક્ષણે મને માહિતી મળી, મેં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતે જ તેની નોંધ લેવી જોઈએ અને આવી કાર્યવાહી બંધ કરવી જોઈએ. જેમ એક દીવો ઓલવાતા પહેલા ફફડે છે, તેમ કોમવાદી રાજકારણનો આ દીવો ફફડી રહ્યો છે, તેથી જ આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. BJP દુખી છે કે સાંપ્રદાયિક રાજનીતિ ખતમ થઈ રહી છે.'
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે, બધાએ તેનું પાલન કરવું પડશે. જે કામ હિટલરે કર્યું, એ જ કામ તમે અહીં કરી રહ્યા છો. આ દેશ ધર્મથી ચાલશે કે બંધારણથી? સરકાર કોઈ એક સમુદાયની નથી, પરંતુ તમામ સમુદાયોની છે.
હકીકતમાં, ગયા અઠવાડિયે મુઝફ્ફરનગર પોલીસે કાવડ યાત્રા રૂટ પર સ્થિત તમામ ખાણીપીણીને તેમના માલિકોની નેમપ્લેટ લગાવવાની સૂચના આપી હતી. ત્યાર પછી CM યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે સમગ્ર રાજ્યમાં આ આદેશ લાગુ કર્યો હતો. ઉત્તરાખંડ સરકારે પણ આ અંગે આદેશ બહાર પાડ્યો છે. યોગી સરકારના આ પગલાની માત્ર વિપક્ષ દ્વારા જ નહીં પરંતુ NDAના સહયોગી JD(U) અને RLD સહિત અન્ય પક્ષોએ પણ ટીકા કરી હતી.
વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, આ આદેશ સાંપ્રદાયિક અને વિભાજનકારી હતો અને તેનો હેતુ મુસ્લિમો અને અનુસૂચિત જાતિ (SC)ને તેમની ઓળખ જાહેર કરવા દબાણ કરીને તેમને નિશાન બનાવવાનો હતો. જો કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સત્તામાં રહેલી BJPએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ અને યાત્રાળુઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp