યુનિવર્સિટીના સંશોધકના પેપરથી ઘમાસાણ,2019 લોકસભાની ચૂંટણીમાં ગરબડનો દાવો, થરૂર..

PC: livehindustan.com

સોનીપત, હરિયાણાની ખાનગી યુનિવર્સિટીના એક સંશોધકે રિસર્ચ પેપરમાં દાવો કર્યો છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ગરબડ થઇ હતી, જેને કારણે ભાજપને મોટી જીત મળી હતી. એ પછી ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. રિસર્ચ પેપરને કારણે રાજકીય ઘમાસાણ મચી ગયું છે.

અશોકા યુનિવર્સિટીના એક ફેકલ્ટીના રિસર્ચ પેપરને લઇને રાજકીય ઘમાસાણ શરૂ થઇ ગયું છે. યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર દ્રારા જાહેર કરવામાં આવેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ગરબડ થઇ હતી જેને કારણે ભાજપ જીતી હતી. જોકે, યુનિવર્સિટીએ રિસર્ચ પેપરમાં કરવામાં આવેલા દાવાઓથી પોતાને દૂર રાખ્યો છે. યુનિવર્સિટી તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે આ સંશોધન પેપરમાં કરવામાં આવેલા દાવા કોઈપણ સ્ટાફ અથવા વિદ્યાર્થી માટે વ્યક્તિગત હોઈ શકે છે. તેને યુનિવર્સિટી સાથે કોઈ લેવાદેવા નથી. તેને યુનિવર્સિટી જર્નલમાં સ્થાન પણ આપવામાં આવ્યું નથી.

અશોકા યુનિવર્સિટીમાં ભણાવતા સબ્યસાચી દાસે 50 પાનાનું રિસર્ચ પેપર બહાર પાડ્યું હતું જેમાં ચૂંટણી વ્યવસ્થા અને ભાજપ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આને લઈને રાજકીય ગલિયારામાં હવે વિવાદ છેડાયો છે. આ રિસર્ચ પેપર જણાવે છે કે નજીકમા મુકાબલામાં પ્રદેશોમાં ભાજપની અપ્રમાણસર જીત ચૂંટણી સમયે તે રાજ્યોમાં ભાજપના શાસનને કારણે છે.

સબ્યસાચી દાસનું કહેવું છે કે જે રાજ્યોમાં ભાજપ સરકાર હતી તે રાજ્યોમાં જોવા મળ્યું છે કે જ્યાં ક્લોઝ ફાઇટ હતી તેવી સીટો પર ભાજપને જીત મળી હતી. તેમનો દાવો છે કે બૂથ લેવલ પર ગરબડ કરવામાં આવી હતી. રિસર્ચ પેપરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપ શાસિત રાજ્યોના અધિકારીઓની સંખ્યા ઓબ્ઝર્વર તરીકે વધારે હતી ત્યાં ભાજપની જીત થઇ હતી.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે ચૂંટણી પંચ અને ભારત સરકારે આ દાવાઓનો જવાબ આપવો જોઈએ. તેઓએ વિગતવાર જવાબ આપવો જોઈએ. સીરિયસ સ્કોલર દ્વારા આપવામાં આવેલી દલીલો કોઈ રાજકીય વેરને કારણે નથી.

અસંગત મત ગણતરી અંગે પણ જવાબ આપવો જરૂરી છે. તેનાથી ભાગી શકાતું નથી. આ રિસર્ચ પેપર પર સવાલ ઉઠાવતા ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે બીજેપી સાથે મતભેદ હોવો ખોટો નથી, પરંતુ આ તો કઇંક વધારે જ થઇ ગયું. અધુરા રિસર્ચને લઈને દેશની ચૂંટણી વ્યવસ્થા પર કોઈ કેવી રીતે સવાલો ઉઠાવી શકે. કોઈપણ યુનિવર્સિટી આને કેવી રીતે મંજૂરી આપી શકે? એનો જવાબ આપવો જોઇએ.

અશોકા યુનિવર્સિટીએ જવાબ આપતા કહ્યું છે કે આ રિસર્ચ પેપર હજુ પુરુ થયું નથી અને તેનો ક્રિટીકલ રિવ્યુ પણ કરવામાં આવ્યો નથી. તેને યુનિવર્સિટીના જર્નલમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી.

આ રિસર્ચ પેપરનું શીર્ષક છે’ડેમોક્રેટીક બેકસ્લાઇડીંગ ઇન ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી’ રાખવામાં આવ્યું છે. જેમાં 2019ની ચૂંટણીને લઇને તર્ક આપવામાં આવ્યો છે કે કેવી રીતે જ્યાં ભાજપની સરકાર હતી ત્યાં પેટર્ન અસંગત હતી. ચૂંટણી ઓબ્ઝર્વરે ઢીલ મુકી હતી જેને કારણે મુસલમાનો સાથે ભેદભાવ થયો તેવો દાવો રિસર્ચ પેપરમાં કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp