ટિન્ડર યુઝર સાવધાન, છોકરીએ ડેટ પર બોલાવ્યો, કાફેવાળાએ સવા લાખનું બિલ આપ્યુ..

PC: republicbharat.com

ડેટિંગ એપ ટિન્ડર દ્વારા રાજધાની દિલ્હીમાં એક એવી ગેંગ સામે આવી છે, જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. ડેટિંગ એપ દ્વારા કેવી રીતે છેતરપિંડી કરવી તેનું આખું રેકેટ ચાલી રહ્યું હતું. જેમાં રેસ્ટોરન્ટનો માલિક, ત્યાં કામ કરતો મેનેજર અને રેસ્ટોરન્ટનો સ્ટાફ 25 વર્ષની યુવતી સાથે સામેલ હતો. યુવતીનું કામ ડેટિંગ એપ પર શિકારને શોધવાનું હતું, પછી તેને કોઈ બહાને રેસ્ટોરન્ટની અંદર બોલાવવાનું અને પછી અચાનક રેસ્ટોરન્ટમાંથી ભાગી જવાનું હતું.

છોકરી કેફેમાંથી બહાર નીકળી કે તરત જ, મેનેજર સામે બેઠેલા વ્યક્તિને મોટું બિલ આપશે, આ બિલ લાખોમાં હશે. જો સામેની વ્યક્તિએ બિલ ભરવાની ના પાડી તો તેને ધમકી આપવામાં આવતી હતી. તેને રૂમમાં બંધ કરી દેવામાં આવતો અને જ્યાં સુધી તે પૂરેપૂરું બિલ ચૂકવી ન દે ત્યાં સુધી તેને બહાર જવા દેવામાં આવતો ન હતો.

દિલ્હી પોલીસને આ ટોળકી વિશે ત્યારે ખબર પડી જ્યારે, ફરિયાદી 24 જૂને દિલ્હીના શકરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો. ફરિયાદીએ જણાવ્યું કે, તેણે ડેટિંગ એપ ટિન્ડર પર એક યુવતી સાથે મિત્રતા કરી હતી. યુવતીએ તેને લક્ષ્મી નગરના એક રેસ્ટોરન્ટમાં બોલાવ્યો, જ્યાં તેને બંધક બનાવીને 1.25 લાખનું બિલ વસુલ કરવામાં આવ્યું.

પીડિતે પોલીસને જણાવ્યું કે, તેણે યુવતી સાથે ડેટિંગ એપ પર વાત કરી હતી. 23 જૂને યુવતીએ કહ્યું કે, આજે તેનો જન્મદિવસ છે. તેણે વિકાસ માર્ગ પર આવેલા કાફે બ્લેક મિરરમાં બોલાવ્યો હતો. ત્યાં નાસ્તો અને બે કેક લીધા. યુવતીએ પોતાનું નામ વર્ષા જણાવ્યું હતું. તેણે ફ્રુટ વાઇન પીધું તે પછી તેણે કૌટુંબિક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો અને અચાનક જ તે ત્યાંથી જતી રહી.

વર્ષાના ગયા પછી કેફેના સંચાલકે આવીને 1 લાખ 21 હજાર રૂપિયાનું બિલ આપ્યું હતું. જ્યારે પીડિતે બિલ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેને ધમકાવીને બંધક બનાવીને બિલ ચૂકવવા દબાણ કરવામાં આવ્યું. પીડિતે આખું બિલ ઓનલાઈન ચૂકવ્યું હતું.

પીડિતની ફરિયાદ પર દિલ્હી પોલીસે છેતરપિંડી અને ગુનાહિત કાવતરું રચવાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, પીડિત પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર કરાયેલી રકમ 32 વર્ષીય અક્ષય પાહવાને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે કેફેના માલિકોમાંથી એક છે.

જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી, ત્યારે અક્ષય પાહવાએ ખુલાસો કર્યો કે, બ્લેક મિરર કેફેના માલિક સિવાય અન્ય લોકો પણ છે. આ લોકો ટેબલ પ્રમાણે મેનેજર રાખે છે. જ્યારે યુવતી કોઈ ગ્રાહકને રેસ્ટોરન્ટમાં લલચાવીને લાવે છે, ત્યારે જે પણ બિલ વધારીને વસૂલવામાં આવે છે, તેના ત્રણ ભાગ થતા હોય છે. તેમાંથી 30 ટકા યુવતી લઇ જતી હતી, 30 ટકા માલિકે પોતાની પાસે રાખી હતી અને 40 ટકા મેનેજર અને બાકીના સ્ટાફે લીધી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે વર્ષાનું સાચું નામ અફસાન પરવીન છે. તેણે ડેટિંગ એપ પર વર્ષા નામથી પ્રોફાઈલ બનાવી હતી. ત્યાં લોકોને ટાર્ગેટ બનાવી, ફસાવી અને રેસ્ટોરન્ટમાં લઈ જઈને છેતરપિંડી કરવામાં આવી. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ ટોળકી દ્વારા હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા પીડિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 23 જૂને તે ટિન્ડર એપ દ્વારા વર્ષા નામની યુવતીને મળ્યો હતો. વર્ષાએ બ્લેક મિરર કેફેમાં ફોન કરીને બોલાવ્યો હતો. વર્ષા ત્યાંથી નીકળી ગયા પછી રૂ.121917.70નું બિલ તેણે સોંપવામાં આવ્યું હતું.

પૂછપરછમાં જાણવા મળ્યું કે, બ્લેક મિરર કેફેના માલિકો અક્ષય પાહવા, અંશ ગ્રોવર અને વંશ પાહવા છે. અક્ષય અને વંશ પિતરાઈ ભાઈ છે, જ્યારે અંશ તેનો મિત્ર છે. તેમણે દિગાંશુને મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે, જેઓ અનેક 'ટેબલ મેનેજર' ટીમોની દેખરેખ રાખે છે. 25 વર્ષની અફસાન પરવીન ઉર્ફે આયેશા ઉર્ફે નૂર દિલ્હીમાં રહે છે. પોલીસે તેને અન્ય એક કાફેમાંથી પકડી હતી, જ્યાં તે મુંબઈના એક છોકરા સાથે હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp