પ્રાણ પ્રતિષ્ઠામાં મહેમાનોને રામજન્મભૂમિની માટી અપાશે, PM મોદીને મળશે આ ખાસ ભેટ
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. PM નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોને વિશેષ ભેટ પણ આપવામાં આવશે. આ તમામ મહેમાનોને રામજન્મભૂમિની માટી ભેટમાં આપવામાં આવશે.
ફાઉન્ડેશનના ખોદકામ દરમિયાન બહાર કાઢવામાં આવેલી રામજન્મભૂમિની માટીને બોક્સમાં પેક કરીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનારા તમામ મહેમાનોને આપવામાં આવશે. મંદિર ટ્રસ્ટે શુક્રવારે આ માહિતી આપી હતી. ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 11,000થી પણ વધુ મહેમાનો અને આમંત્રિતોને યાદગાર ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, રામજન્મભૂમિની માટી ઉપરાંત દેશી ઘીમાંથી બનેલા 100 ગ્રામ મોતીચુર લાડુ પણ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીને શણની થેલીમાં પેક કરેલો રામ મંદિરનો 15 મીટરનો એક ફોટો ભેટ તરીકે આપવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનારા રામ ભક્તોને દેવરાહ બાબા દ્વારા મોતીચૂર લાડુનો પ્રસાદ વહેંચવામાં આવશે. લાડુનો પ્રસાદ તૈયાર કરીને ટિફિનમાં પેક કરવામાં આવી રહ્યો છે. દેવરાહ બાબાના શિષ્યએ કહ્યું, 'આ શુદ્ધ દેશી ઘીથી બનેલો લાડુ છે, જેમાં પાણીનું એક ટીપું પણ વાપરવામાં આવ્યું નથી. તે 6 મહિના સુધી બગડશે નહીં.'
રામ લાલાને ચાંદીની થાળીમાં ભોજનનો ભોગ લગાવવામાં આવશે. રામલલાને 44 ક્વિન્ટલ લાડુ પ્રસાદ તરીકે ચડાવવામાં આવશે. આ પ્રસાદનો ભોગ લગાવાઈ ગયા પછી, દર્શન કરવા આવનાર તમામ VIPને આપવામાં આવશે. દર્શન માટે આવનારા રામ ભક્તોને પણ આ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
અયોધ્યામાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઉજ્જૈનથી 5 લાખ લાડુ મોકલવામાં આવશે. મહાકાલેશ્વર મંદિર પ્રશાસને કહ્યું કે, તેઓએ CMની સૂચના પછી 250 ક્વિન્ટલ લાડુ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાકાલેશ્વર મંદિર પ્રશાસનના અધિકારીઓએ કહ્યું કે, માલ તૈયાર કરવામાં લગભગ પાંચ દિવસ લાગશે અને આ તૈયાર કરેલા પ્રસાદને અયોધ્યા સુધી પહોંચાડવા માટે લગભગ ત્રણથી પાંચ ટ્રકની વ્યવસ્થા કરવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp