પતિ કુરકુરે ન લાવતા પત્ની ગુસ્સે થઈ પિયર ગઈ, પોલીસથી પણ ન સમજી, છૂટાછેડાની નોબત

PC: timesofindia.indiatimes.com

લગ્ન પછી પતિ પત્ની વચ્ચે મીઠો ઝઘડો થયા કરતો હોય છે, રિસાવું, મનાવવું જિંદગીનો એક ભાગ બની જાય છે, અને આ રીતે સંસારનું ગાડું ચાલતું હોય છે, ઘણી વખત ઝઘડો વધી જતા રીસામણા, મનામણાનો સમય લાંબો ચાલે છે, સમજદાર માણસો વચ્ચે પડીને સમાધાન કરાવે છે, અને જિંદગી આગળ વધે છે. હવે અહીં તમે નહીં માનો એક સામાન્ય નાસ્તાના પેકેટે લગ્ન જીવનને દાવ પર મૂકી દીધું, અને હવે બે જિંદગી લગ્ન પછી છૂટી પડવાને આરે આવીને ઉભી છે. મામલો છુટાછેડા સુધી પહોંચી ગયો છે. આવો જાણીએ આ મામલે શું બન્યું...  

ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 5 રૂપિયાની કિંમતનું કુરકુરેનું પેકેટ ન મળતાં પત્ની ગુસ્સે થઈ ગઈ. પતિ કહે છે કે, તેની પત્ની દરરોજ કુરકુરે માંગે છે. હું રોજ કુરકુરે લાવીને કંટાળી ગયો છું. બીજી તરફ કુરકુરે ન મળવાથી ખુબ જ રોષે ભરાયેલી પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.

હાલમાં પોલીસે આ ફરિયાદ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરને મોકલી આપી છે. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરાયું હતું. બંનેને આગળની તારીખ આપવામાં આવી છે. આપસમાં શાંતિ સ્થાપવાની સલાહ પણ આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી યુવતીના લગ્ન સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છોકરા સાથે થયા હતા. બંનેના લગ્ન 2023માં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન પછી બંને સુખેથી રહેતા હતા. પરંતુ પત્નીની વધુ પડતી કુરકુરે ખાવાની આદતને કારણે બંને વચ્ચે ઝઘડો થયા કરતો હતો.

આરોપ છે કે, પત્ની રોજ ઓફિસથી ઘરે આવતી વખતે પતિ પાસેથી કુરકુરેનું પેકેટ લાવવાની માંગ કરતી હતી. પરંતુ એક દિવસ પતિ કુરકુરે લાવવાનું ભૂલી ગયો, જેનાથી પત્ની ગુસ્સે થઈ ગઈ. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની ગુસ્સે થઈને તેના માતા-પિતાના ઘરે ચાલી ગઈ. તે છેલ્લા દોઢ મહિનાથી તે તેના પિયરના ઘરે રહે છે.

હાલમાં જ પત્ની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ફરિયાદ પોલીસ સ્ટેશનમાંથી ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું કે, કાઉન્સેલિંગ દરમિયાન છોકરાએ કહ્યું કે, પત્ની 5 રૂપિયાના કુરકુરેના પેકેટને લઈને ઝઘડો કરે છે. જ્યારે કુરકુરે તેને લાવી આપવામાં ન આવી, ત્યારે તે તેના માતાપિતાના ઘરે ચાલી ગઈ હતી. જ્યારે, યુવતીએ કહ્યું કે, તે તેના માતાપિતાના ઘરે ગઈ હતી, કારણ કે તેના પતિએ તેને માર માર્યો હતો. કાઉન્સેલરે એમ પણ કહ્યું કે, છોકરીને કુરકુરે ખાવાનો વધુ શોખ છે. હાલ બંને પતિ-પત્નીને આગળની તારીખ આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp